વડોદરા, તા.૯
ગોરવા વિસ્તારમાં ગઇકાલે વહેલી સવારે એક દોઢ વર્ષની બાળકી રમતા રમતા પહેલા માળની ગેલેરીમાંથી નીચે પડી હતી. કુમળી વયની માસૂમ બાળાને માથામાં ગંભીર ઇજાઓ થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું. ગોરવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- સવારના પહોરમાં રમતા રમતા ગેલેરીમાંથી નીચે પડી
પ્રાપ્ત વિગત મુજબ, ગોરવા ગુરૂકૃપા ખમણ હાઉસની પાછળ ચેતના સોસાયટીમાં રહેતા ઋષિરાજભાઇ વ્યાસ અમદાવાદની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. અને તે અમદાવાદ રહે છે. તેમના પત્ની પુત્ર નિશિન્ત અને દોઢ વર્ષની બાળકી દ્રષ્ટિ સાથે ગોરવામાં રહે છે. ગઇકાલે સવારે સાડા છ વાગે દ્રષ્ટિ તેમના મકાનના પહેલા માળે રમતી હતી. દરમ્યાન રમતા રમતા તે રૂમમાંથી ગેલેરીમાં પહોંચી હતી.
બાદમાં રમતા રમતા તે ગેલેરીની જાળીમાંથી નીચે પટકાઇ હતી. અને નાજુક બાળાને માથાના ભાગે ગંભીર ઇંજાઓ થઇ હતી. તેને રોકકળ કરતા તેની માતા સહિત આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. અને તેને તાત્કાલિક સારવાર અર્થે ગોરવા વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં બપોરના સવા ચાર વાગે સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ તેનો મૃતદેહ તે હોસ્પિટલના કોલ્ડરૂમમાં રખાયો હતો. સયાજી હોસ્પિટલમાં આજે બાળકીના મૃતદેહનું પોર્સ્ટ મોટમ કરવામાં આવ્યું હતું.