વડોદરા,તા. ૯
શહેરના પ્રતાપ નગર રણમુકતેશ્વર રોડ પરથી ગત મંગળવારે વહેલી સવારે ઝડપાયેલી દારૂનો જથ્થો ભરેલી કારના બનાવમાં વોન્ટેડ આરોપીને નહિં પકડવા માટે ગાજરાવાડીના નામચીન બૂટલેગર રાજેશ ઠાકોરે વાડી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ.ને ફોન ઉપર જાનથી મારી નાંખવાની અને વર્દી ઉતારી નાંખવાની ધમકી આપતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. એ.એસ.આઈ.ને ધમકી આપનાર બૂટલેગર થોડાક સમય પહેલા જ પાસાની સજા પૂરી કરીને છૂટયો છે. બૂટલેગર વિરુદ્વમાં વાડી પોલીસે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે.
- વોન્ટેડ આરોપીને શોધવાનું બંધ કરો નહિં તો જાનથી મારી નાંખીશું
- વોન્ટેડ દિનેશ રાજપુત દારૂ ભરેલી કારનું પાઈલોટિંગ કરતો હતો
પોલીસે ગત ૩૧ મી તારીખે વહેલી સવારે રણમુકતેશ્વર રોડ પરથી દારૂ ભરેલી કાર સાથે કૌશિક પ્રાણલાલ શાહ (રહે, જગન્નાથ કોમ્પલેક્સ, ગીતા મંદિર પાછળ), તથા કનુ નારણ તડવી (રહે,નવાપુરા,
ખારવાવાડ)ને ઝડપી પાડયા હતા. આ કેસમાં વોન્ટેડ દર્શાવાયેલો દિનેશ નટુ રાજપૂત તથા જયેશ ઉર્ફે લાલો મણીલાલ ઠાકોર, ચેતન પ્રકાશ લીમગાવકર એક્ટિવા ઉપર કારનું પાઈલોટિંગ કરતા હતા. આ ત્રણે જણા પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયા હતા.
ગાજરાવાડી વિસ્તારનો નામચીન બૂટલેગર રાજેશ હરગોવિંદ ઠાકોર છેલ્લા કેટલાક સમયથી વાડી પોલીસ સ્ટેશનના લેન્ડ લાઈન તથા એ.એસ.આઈ. પ્રેમનારાયણ કૃષ્ણલાલ ચતુર્વેદીના મોબાઈલ ઉપર ફોન કરીને ધમકી આપતો હતો. તમે દિનેશને કેમ વોન્ટેડ બતાડયો છે. તેને આરોપીમાંથી બાદબાકી કરો, જો તેમ નહિં કરો તો તમારી વર્દી ઉતારી નાંખીશું અને જાનથી મારી નાંખીશું. કુખ્યાત બૂટલેગર દ્વારા આપવામાં આવેલી ધમકીઓના પગલે એ.એસ.આઈ.એ ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરી હતી. અધિકારીઓના માર્ગદર્શન પ્રમાણે એ.એસ.આઈ.દ્વારા બૂટલેગર વિરુદ્વમાં વાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.