રાજકોટ, તા.૧૧ :
પૃથ્વી પર ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટય દિનને પાંચેક હજાર વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો તેમ છતાં આજે પણ નંદલાલાના આગમનને વધાવવા ભાવિકોના ઉત્સાહમાં જરા જેટલી કમી આવી નથી. ગઈકાલે શહેરમાં જન્માષ્ટમી નિમિત્તે નગરયાત્રા કરવા નીકળેલા ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય સ્વરૂપના ભાવિકોએ નત મસ્તકે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. કોઈપણ વિઘ્ન વગર યાત્રા પૂર્ણ થઈ હતી. રાત્રે બારના ટકોરે નંદોત્સવ ઉજવાયો હતો.
- પ્રાગટયને પાંચ હજાર વર્ષ વિત્યા છતાં ઉત્સાહમાં જરા જેટલી કમી નથી
- જન્માષ્ટમીએ કૃષ્ણ કનૈયા લાલ કી જયના નાદ સાથે ધર્મયાત્રા શાંતિપૂર્વક સંપન્ન
- રાત્રે બાર વાગ્યે ઘેર-ઘેર, મંદિરો, દેવાલયો, હવેલીમાં નંદોત્સવ ઉજવાયો : લાલાને પારણે ઝૂલાવતા ભાવિકો
દર વર્ષે જન્માષ્ટમીએ શહેરમાં નીકળતી ધર્મયાત્રાનું લોકોમાં આગવું સ્થાન બની ચૂક્યું છે. ભગવાન નગરયાત્રાએ નીકળે અને તેન દર્શન માટે ભક્તો તલસાટ અનુભવતા હોય તેવા દ્રશ્યો સામાન્ય થઈ પડયાં છે. દર વર્ષે દોઢ કિલોમીટરના રૂટના બદલે આ વર્ષે રૂટ લંબાવી ત્રણ કિલોમીટર કરી શહેરનો મોટાભાગનો વિસ્તાર આવરી લેવાયો હતો.
મવડી ચોકડીએ પ્રથમ ધર્મસભા યોજાઈ હતી. પૂજન-અર્ચન બાદ ગોવર્ધનધારી ભગવાન શ્રીકૃષ્ણની વિશાળ મુર્તિ સાથેના મુખ્ય રથ સાથે ધર્મયાત્રા પ્રસ્થાન પામી હતી. કૃષ્ણ વંદે જગતગુરૂમ, કૃષ્ણ કનૈયા લાલ કી જયના ગગનભેદી નાદ સાથે ભક્તો યાત્રામાં જોડાયા હતા. ૧૨૦ મોટા વાહનો આકર્ષક ફ્લોટ સાથે ધર્મયાત્રામાં જોડાયા હતા. પચાસ કરતા વધુ ટુ-વ્હીલર સુંદર અને કલાત્મક મોટી છત્રી સાથે જોડાયા હતા. આ છત્રીઓએ ભારે આકર્ષણ જગાવ્યું હતું. યાત્રામાં માત્ર બેનર કે પુતળાં ઉભા કરવાના બદલે હિન્દુ ધર્મના મોટાભાગના દેવી-દેવતાના પાત્રો જીવંત સ્વરૂપે રજૂ કરાયા હતા. બાળકોએ આ પાત્રોને બખૂબી ન્યાય આપ્યો હતો. ઘણી જગ્યાએ ભક્તો આ પાત્રો સમક્ષ દક્ષિણા ધરીને ભાવ વ્યક્ત કર્યો હતો.
તમામ મુખ્ય માર્ગો અને ચોકમાં ધર્મયાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરાયું હતું. હજારો કિલો ચોકલેટ, કાજુ, ફળના પ્રસાદનું વિતરણ થયું હતું. ધર્મયાત્રાનો રૂટ લંબાવાયો હોવાથી નિયત સમય કરતાં પોણી કલાક બાદ યાત્રા પાણીના ઘોડા પાસે પહોંચીને સમાપ્ત થઈ હતી.
રાત્રે બાર વાગ્યે નંદલાલાનો પ્રાગટય મહોત્સવ ઘેર-ઘેર ઉજવાયો હતો. મંદિરો, દેવાલયો, હવેલીઓમાં ભગવાનને કેશરજળથી સ્નાન કરાવી, સુંદર વાઘા અને અલંકાર ધારણ કરાવ્યા બાદ ભક્તોએ આરતી ઉતારી હતી. પ્રભુના દિવ્ય દર્શન કરીને ભક્તો ભાવાવેશમાં આવી ગયા હતા. દર્શન બાદ પંજરીના પ્રસાદનું વિતરણ થયું હતું. લાલાને પારણાંમાં ઝૂલાવવા માટે લાંબી કતારો લાગી હતી.