જામનગર,તા.૧૪
જામનગર શહેરના હાર્દસમા અને ૨૪ કલાક જાગતા બેડી ગેઇટ વિસ્તારમાં ગત રાત્રીએ તસ્કરોએ ત્રણ દુકાનોના તાળા તોડી એકાદ લાખ રૂ.ના માલની ચોરી કરી લઇ જઇ પોલીસના અસ્તિત્વ સામે જ મોટો પ્રશ્નાર્થ ખડો કરેલો છે.
- એકાદ લાખની મતાની ઉઠાંતરી કરાઇ
જામનગર શહેરના મધ્યમાં આવેલા બેડીગેઇટ નજીક જયાં ૨૪ કલાક પોલીસ હાજર હોય છે ત્યાં કાફે પેરેડાઇઝની બાજુમાં આવેલી ત્રણ દુકાનો જેમાં શ્યામ ફેશનમાંથી રૂ.૫ હજાર રોકડ તેમજ રૂ.૬૦-૭૦ હજારનો માલ આશીર્વાદ કલર ટ્રેડીંગમાં રૂ.૧૦ હજાર રોકડ અને સીટીઝન રેડીમેઇડમાંથી રૂ.૨ હજાર રોકડ અને રૂ.૮ હજારના કપડાની તસ્કરો ચોરીને લઇ જઇ પોલીસને ઓલ્મ્પિક જેવો પડકાર ફેંકયો હતો.
આ બનાવથી સવારે આ વિસ્તારના વેપારીઓમાં ભારે રોષ ફેલાઇ ગયો હતો. પોલીસ પણ રાબેતા મુજબ આવી પોતાની હાજરી નોંધાવી રવાના થઇ ગઇ હતી. બેડી ગેઇટ જેવા વિસ્તાર જયાં ૨૪ કલાક કોઇક પોલીસ હાજર હોય જ છે. ત્યાં જો તસ્કરો બે ફિકરાઇથી ચોરી કરી શકતા હોય તો અન્ય વિસ્તાર તો રામ ભરોસે જ હોવાનું ગણી શકાય.