વિગતવાર - વિનોદ રાવલ
૧૫મી ઓગસ્ટે આખા દેશને આઝાદી મળી પણ હૈદરાબાદ, કશ્મીર, જૂનાગઢ અને પોર્ટુગીઝ શાસન અંતર્ગતનાં દીવ, દમણ, ગોવા તો ગુલામ જ હતા. આ બધા સ્થળોના સ્વાતંત્ર્ય દિન અલગ છે અને એ પાછળનો ઈતિહાસ પર રોચક છે. આજે રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્યદિન જ્યાં ઉજવાઈ રહ્યો છે, એ જુનાગઢ તો છેક ૯મી નવેમ્બરે આઝાદ થયેલું..
આઝાદી વખતે જૂનાગઢ નવાબે જાહેરાત કરી કે તેનું રાજ્ય પાકિસ્તાન સાથે જોડાશે. આ જાહેરાતના વિશ્વભરમાં ઘેરા પડઘા પડયા હતા. આની પાછળનું કારણ એ હતું કે એંસી ટકા હિન્દુની વસ્તીવાળા જૂનાગઢ રાજ્યને પાકિસ્તાન સાથે કેમ જોડી શકાય? વળી, નવર્નિિમત દેશ પાકિસ્તાનની કોઈ સરહદ ક્યાંય કરતાં ક્યાંયથી જૂનાગઢ રાજ્યને ટચ કરતી ન હતી! જો જૂનાગઢ પાકિસ્તાનમાં જોડાય તો મોટી મુશ્કેલી એ હતી કે પાકિસ્તાન જૂનાગઢમાં થાણું સ્થાપે અને ભારત, ગુજરાત અને સાગરકાંઠે કાયમ માટે છમકલાં કરે.. કશ્મીર જેવો સળગતો પ્રશ્ન થઈ જાય, વળી જૂનાગઢ નવાબી શાસન હેઠળના વેરાવળ-સોમનાથ પણ પાકિસ્તાન કબજાગ્રસ્ત બની જાય. આરાધ્ય દેવ સોમનાથની જાત્રાએ જનારા ભારતવાસીઓને સોમનાથ જવા માટે પાકિસ્તાનના વિઝા લેવા પડે, તો સોમનાથ જવાય!
જૂનાગઢમાં એ સમયે નવાબ તરીકે મહાબત ખાન ત્રીજા (૧૯૧૧-૧૯૪૭) હતા. એમના દીવાન તરીકે અબ્દુલ કાદિર હતા. ૧૫મી ઓગસ્ટે પહેલાં એવો દેખાવ કર્યો હતો કે કાઠિયાવાડનું સંગઠન એ જ જૂનાગઢનો મુખ્ય હેતુ છે. જૂનાગઢના નવાબને રાજ્ય સત્તાનાં ૨૫ વર્ષ પૂરાં થતાં રજત જયંતી પ્રસંગે જનમેદનીને સંબોધન કરતા કહ્યું હતું કે, "તમારી ઉન્નતિમાં જ મારી ઉન્નતિ રહી છે, તમારા સુખમાં જ મારું સુખ છે. મારી જિંદગીપર્યંત હું તમારી ઉન્નતિ અને કલ્યાણ માટે મારાથી બનતું કરીશ." આ કથન આઝાદી પહેલાં બે વર્ષ એટલે કે તા. ૩૧-૩-૧૯૪૫ના દિને બોલ્યા હતા.
એ સમયે જૂનાગઢ રાજ્યના નાગરિકોને એમ હતું કે આ રાજ્યમાં રહેવામાં વાંધો નથી. સરદાર પટેલને પણ એમ જ હતું કે જૂનાગઢ રાજ્ય ભારત સંઘમાં જ જોડાશે. એ પછી કોઈ કારણોસર અબ્દુલ કાદિર રજા ઉપર જતાં ચાર માસ માટે જૂનાગઢના નવાબ મહાબત ખાને તા. ૩૦-૫-૧૯૪૭ના રોજ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોના દાદા શાહનવાઝ ભુટ્ટોને દીવાન તરીકે નિયુક્ત કર્યા હતા. એ મહંમદઅલી જિન્નાહના સતત સંપર્કમાં હતા. દેશ ૧૫મી ઓગસ્ટે આઝાદ થયો એ જ દિવસે નવાબે એનાઉન્સ કરી દીધું, "જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કરું છું અને આજથી જૂનાગઢ રાજ્ય પાકિસ્તાનનો એક હિસ્સો બને છે!" એક બાજુ અડધી રાતે આઝાદીની ખુશાલી અને ખુશી હતી, બીજી બાજુ જૂનાગઢના પાકિસ્તાન સાથેના જોડાણનો ગમ વ્યાપી ગયો હતો.
જોડાણની જાહેરાતને પાકિસ્તાને તા. ૧૩-૯-૧૯૪૭ના રોજ માન્યતા આપી દીધી. એ ભારત અને જૂનાગઢની પ્રજા તથા ગુજરાત માટે જબરદસ્ત આંચકો હતો. હવે શું જૂનાગઢ ઉપર પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ ફરકશે? ત્રિરંગો નહીં? આ બાબતનો પ્રશ્ન હલ કરવા માટે એક પ્રતિનિધિમંડળની રચના થઈ અને નવાબને રૂબરૂ મળી ભારત સંઘ સાથે જ જૂનાગઢને યથાવત્ રાખવા મુલાકાત લેવાનું નક્કી થયું હતું એ મુજબ પ્રતિનિધિમંડળ રૂબરૂ મુલાકાતે જૂનાગઢ ગયું હતું.
૧૫મી ઓગસ્ટે જૂનાગઢના નવાબને સમજાવવા ગયેલા પ્રતિનિધિમંડળને જૂનાગઢના નવાબ ન મળ્યા. મંત્રણાઓના છેલ્લા પ્રયાસો પણ નિષ્ફળ ગયા ત્યારે જામનગર(નવાનગર)ના જામસાહેબે તા. ૨૨-૯-૧૯૪૭ના રોજ દિલ્હીમાં પત્રકાર પરિષદ યોજી અને જૂનાગઢ માટે ભારત સરકાર શીઘ્ર નક્કર પગલાં લે એવી વિનંતી કરી અને નવાબના જૂનાગઢ-પાકિસ્તાન જોડાણની ટીકા કરી હતી. જામસાહેબની પત્રકાર પરિષદ બાદ તા. ૨૩-૯-૧૯૪૭ના રોજ એટલે કે પત્રકાર પરિષદના બીજા જ દિવસે મુંબઈમાં જૂનાગઢ પ્રજામંડળની બેઠક મળી. તેમાં પાકિસ્તાન સાથે જોડાણ સામે જૂનાગઢની આરઝી (સમાંતર) હકૂમત (સરકાર)ની રચના કરવાનો વિચાર કરવામાં આવ્યો. સરદાર પટેલ એમ માનતા હતા કે જૂનાગઢની પ્રજાએ આમાં પહેલ કરવી જોઈએ.
તા. ૨૫મી સપ્ટેમ્બરે મુંબઈના માધવબાગમાં મળેલી ત્રીસ હજારની મેદની સમક્ષ સાહિત્યકાર અને કાયદાશાસ્ત્રી કનૈયાલાલ મા. મુનશીએ 'જૂનાગઢની પ્રજાની આઝાદીનું જાહેરાતનામું' બહાર પાડી 'જૂનાગઢની આરઝી હકૂમત'ની સ્થાપનાની જાહેરાત કરી દીધી. ૨૫-૯-૧૯૪૭નો દિવસ ખૂબ અગત્યનો નીવડયો, કારણ કે જૂનાગઢની પ્રજાએ નવાબને અને પાકિસ્તાનને સીધો પ્રહાર કરી સ્વતંત્રતા જાહેર કરી દીધી હતી, તેથી આરઝી હકૂમત એ જૂનાગઢની પ્રજા દ્વારા આરંભાયેલી મુક્તિ સંગ્રામની ચળવળ હતી. નવાબ અને પાકિસ્તાન શાસન સામે જૂનાગઢ રાજ્યના વડાપ્રધાન, નાયબ વડાપ્રધાન અને પ્રધાનોની નિમણૂક કરાઈ હતી. જેમાં જૂનાગઢ રાજ્યના નાગરિકો જ લેવાયા. શામળદાસ ગાંધીને વડાપ્રધાન ઘોષિત કરાયા, દુર્લભજી ખેતાણીને નાયબ વડાપ્રધાન તેમજ અન્ય ચારને પ્રધાન બનાવાયા. આરઝી હકૂમતનું કેન્દ્રસ્થાન મુંબઈથી રાજકોટ કરાયું. પ્રધાનમંડળ રવાના થયું ત્યારે અમૃતલાલ શેઠે શામળદાસ ગાંધીને એક તલવાર તેમજ ઉપરકોટ પર લહેરાવવા ત્રિરંગો આપ્યો હતો.
જૂનાગઢ નવાબનો રાજકોટમાં બંગલો હતો. તે જૂનાગઢ હાઉસ (હાલ સરદાર બાગ ગેસ્ટહાઉસ) પર તા. ૩૦-૯-૧૯૪૭ના રોજ કૂચ કરી. રતુભાઈ અદાણીના નેતૃત્વ હેઠળ કબજે કરી લઈ તેને 'આઝાદ જૂનાગઢ ભવન' તરીકે નામ આપી તમામ ચળવળનો દોરીસંચાર રાજકોટના નવાબના બંગલામાંથી જ શરૂ કરાયો. ભારત સરકારે ૧ ઓક્ટોબરથી જૂનાગઢને કોલસો આપવાનું બંધ કરી દીધું, આથી જૂનાગઢ રેલવે અને વીજળીને મોટો ફટકો પડયો. જૂનાગઢના દીવાન ભુટ્ટોએ ઝીણાને પત્ર લખી કહ્યું કે, અસહકારથી તિજોરી ખાલી થઈ ગઈ છે. પડોશી રાજ્યો આર્થિક મદદ કરતા નથી. પોરબંદર અને મોરબી રાજ્ય પાસેથી લોનની માગણી કરી, પણ મોરબી રાજ્યે રોકડં પરખાવ્યું છે કે જૂનાગઢ નવાબ ભારત સંઘ સરકાર સાથે જોડાય તો જ ૫૦ લાખની લોન આપીએ!
આરઝી હકૂમત ભારે જુસ્સામાં આવી ગઈ. ૨૪મી ઓક્ટોબર ૧૯૪૭, વિજયાદશમી-દશેરાના દિવસે ગુપ્ત સ્થાને રેડિયો સ્ટેશન સ્થાપી આઝાદ જૂનાગઢ રેડિયો મારફત સ્વાતંત્ર્ય સંગ્રામના રજેરજના બુલેટિનો પ્રસારિત કરવા લાગ્યા. જૂનાગઢ રાજ્ય પાસે ૩૦૦૦ સૈનિકો હતા અને આરઝી હકૂમત માસે ૪૦૦૦ સૈનિકો હતા! જૂનાગઢ રાજ્યે પાકિસ્તાન પાસે લશ્કરની માગણી કરી, આથી સાત સી.આર.પી. કંપની મોકલવા તૈયારી કરી, પણ પાકિસ્તાને ખર્ચ આગોતરા મોકલવા માગણી કરી હતી. બીજી તરફ જૂનાગઢ સિવાયના સરદારગઢ અને બાંટવામાં ૩-૧૦-૧૯૪૭ના રોજ અને ૨૩-૧૦-૧૯૪૭ના રોજ માણાવદરમાં ૧-૧૧-'૪૭ના રોજ પોલીસદળ મોકલી ત્યાં 'મેનેજમેન્ટ' સ્થાપ્યું હતું. આમ જૂનાગઢ રાજ્ય સંઘ સરકારથી ઘેરાતું જતું હતું. ૨૪મી ઓક્ટોબરે આરઝી હકૂમતે અમરાપર આસપાસનાં ૧૧ ગામો જૂનાગઢ-પાકિસ્તાન શાસન પાસેથી છીનવી લીધાં. જે દિવસે રેડિયો સ્ટેશન સ્થપાયું તે જ દિવસે ૧૧ ગામો પર વિજય મેળવી લીધો, એ દિવસ પણ વિજયાદશમીનો હતો. આ સ્થિતિ પામી જઈ જૂનાગઢના નવાબ અને પરિવાર 'હવાફેર'ના નામે કેશોદથી પોતાના ખાસ વિમાન દ્વારા કરાંચી નાસી છૂટયા! નવાબ નાઠાના પછીના દિવસે ૨૬મી ઓક્ટોબર, ૧૯૪૭ના રોજ કશ્મીર રાજ્યે ભારત સંઘ સરકાર સાથે જોડાવાનો કરાર કર્યો. કશ્મીર ભારત સંઘ સાથે જોડાતાં તેની જૂનાગઢ નવાબી શાસન પર જબરી અસર થઈ. તા. ૨૪-૧૦-'૪૭થી ૯-૧૧-'૪૭ સુધીમાં આરઝી હકૂમતે જૂનાગઢ રાજ્યનાં ૧૦૬ ગામો કબજે કરી લીધાં હતાં.
જૂનાગઢના નવાબ તો પાકિસ્તાન પલાયન થઈ ગયા હતા. પાછળથી જૂનાગઢનો સ્વાતંત્ર્ય સંગ્રામ જુસ્સાપૂર્વક ચાલ્યો હતો. આરઝી હકૂમતે જૂનાગઢ રાજ્યનાં અનેક ગામો હસ્તગત કરી લેતા અને આ બધી વાતની તલસ્પર્શી જાણ મહંમદઅલી જિન્નાહને હોવા છતાં તેના તરફથી કોઈ લશ્કરી મદદ કે આર્થિક મદદ ન મળતાં જૂનાગઢના દીવાન શાહનવાઝ ભુટ્ટોનું મનોબળ તૂટી ગયું હતું. જૂનાગઢ નવાબ સાથે શાહનવાઝ ભુટ્ટોએ કોઈ પણ પદ્ધતિથી વાત કરતાં ભારત સંઘને જૂનાગઢ સુપરત કરી દેવાનું નક્કી કરતાં આની જાણ લેખિત સ્વરૂપે આપવાનું નક્કી કર્યું. એમ પણ કહેવાય છે કે તા. ૯મી નવેમ્બરે જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે રદ્દ કરી ભારત સંઘ સાથે કરવાનો પત્ર સંઘ સરકારને સુપરત કરી તે જ દિવસે બેનઝીર ભુટ્ટોના દાદા, ઝુલ્ફીકાર અલી ભુટ્ટોના પિતા શાહનવાઝ ભુટ્ટો ૮મી નવેમ્બરે સાંજે કરાંચી પાકિસ્તાન જવા રવાના થઈ ગયા હતા.
૮મી નવેમ્બરે ભુટ્ટો કરાંચી પહોંચ્યા પછી તા. ૯મી નવેમ્બરે પ્રાદેશિક કમિશનર નીલમ બુચે તા. ૯-૧૧-૧૯૪૭ના રોજ પાકિસ્તાનની ચુંગાલમાંથી મુક્ત થયેલા જૂનાગઢનો કબજો સેનાને સાથે રાખી સાંજે છ વાગ્યે લઈ લીધો. તેણે તારાચંદ એલ. શાહને અને તેના પછી એસ. ડબલ્યૂ શિવેશ્વરકરને જૂનાગઢના એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુક્ત કર્યા હતા. ૯મી નવેમ્બરે જૂનાગઢ આઝાદ થયા પછીના ત્રણ દિવસે એટલે કે તા. ૧૩-૧૧-૧૯૪૭ના રોજ નૂતનવર્ષના સપરમા દિન આરઝી હકૂમતનું પ્રધાનમંડળ અને ભારતના ઘડવૈયા સરદાર પટેલ જૂનાગઢ ગયા હતા. સરદાર પટેલ અને અન્ય આગેવાનો શામળદાસ ગાંધી, રતુભાઈ અદાણીને જનસંબોધન કર્યું હતું. નવા વર્ષનો દિવસ જૂનાગઢની પ્રજાએ બેવડી ખુશીથી ઉજવ્યો, કારણ કે પાકિસ્તાનના પંજામાંથી જૂનાગઢ મુક્ત થયું હતું. જૂનાગઢ હિઝરત કરીને ગયેલા નાગરિકો જૂનાગઢ પરત થવા લાગ્યા હતા. આરઝી હકૂમતના વડા શામળદાસ ગાંધીએ ઉપરકોટ કિલ્લા ઉપર ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો અને શામળદાસ ગાંધીને અમૃતલાલ શેઠે બંધાવેલી તલવાર સરદાર પટેલનાં ચરણોમાં સર્મિપત કરી દીધી..! સરદાર પટેલે જૂનાગઢની બહાઉદ્દીન કોલેજના મેદાનમાં જાહેરસભા યોજી હતી. જેમાં આરઝી હકૂમત અને જૂનાગઢના સ્વાતંત્ર્ય વીરોની મુક્તકંઠે પ્રશંસા કરી આરઝી હકૂમતને અભિનંદન પાઠવ્યાં હતાં. એ પછી સરદાર પટેલ સોમનાથ ગયા હતા. જે તે સમયે સોમનાથ મંદિરની હાલત બરાબર ન જોતાં દરિયાકાંઠે જઈ હાથમાં સમુદ્રજળ લઈ સોમનાથના જીર્ણોદ્વારનો સંકલ્પ કર્યો અને આ કાર્ય માટે તે જ સમયે નવાગઢના જામસાહેબ દિગ્વિજયસિંહજીએ સોમનાથના જીર્ણોદ્વાર માટે એક લાખ અને આરઝી હકૂમતના વડા શામળદાસ ગાંધીએ પચાસ હજાર આપવાની જાહેરાત કરતાં 'હર હર મહાદેવ..જય સોમનાથ'ના પ્રચંડ નાદથી વાતાવરણ ગુંજી ઊઠયું. બધાંને એક વાતનો સંતોષ હતો કે ભારતીય જનતાએ સોમનાથની યાત્રા કરવા પાકિસ્તાનના વિઝા લેવા નહીં પડે! harsh.meswania@gmail.com