આરોગ્ય અને ઔષધ - વૈદ્ય પ્રશાંતભાઈ ગૌદાની
આયુર્વેદના પ્રસિદ્ધ ઔષધ 'ગૂગળ' વિષે જો કંઈક કહેવું હોય તો, એટલું ચોક્કસ કહી શકાય કે, 'ગૂગળ એ એક અદ્ભુત ઔષધ છે.' એકસાથે એના જેટલા ઔષધીય ગુણો બહુ જ ઓછા આયુર્વેદીય ઔષધોમાં જોવા મળશે. અમારા વૈદ્યોનું તે એટલે જ પ્રિય ઔષધ છે. આપણે ત્યાં ધૂપ કરવામાં ગૂગળનો આજે પણ ઉપયોગ થાય છે, કારણ કે ગૂગળનો ધુમાડો વાતાવરણની શુદ્ધિ કરવામાં ઉત્તમ છે. જ્યાં સતત ભેજ અને જીવજંતુઓનો ઉપદ્રવ રહેતો હોય ત્યાં નિયમિત ગૂગળનો ધૂપ કરવામાં આવે તે ઇષ્ટ છે. આ વખતે આયુર્વેદના આ ઉત્તમ ઔષધના ગુણો અને ઉપયોગો વિષે ટૂંકમાં નિરૂપણ કરું છું.
ગુણકર્મોઃ ગૂગળનાં ૪થી ૧૨ફૂટ ઊંચાં વૃક્ષો ભારતના સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન મૈસુર, આસામ વગેરે પ્રદેશોમાં વધુ થાય છે. તેના સફેદ થડ પર છેદ કરવાથી અંદરથી જે રસ ઝરે છે તેને જ ગૂગળ કહે છે. જુદા જુદા પાંચ પ્રકારના ગૂગળમાંથી હિરણ્ય અને માહિષાક્ષ એ બે ગૂગળ દવાઓમાં વધુ વપરાય છે. બજારમાં વેચાતો ગૂગળ શુદ્ધ હોતો નથી. તેમાં કચરો અને માટી ભળેલા હોય છે. એટલે ગૂગળનો ઉપયોગ કરતા પહેલાં તેને શુદ્ધ કરી લેવો જોઈએ.
આયુર્વેદ પ્રમાણે ગૂગળ સ્વાદમાં મધુર છે એટલે તે વાયુને જીતે છે. તૂરો હોવાથી પિત્તને જીતે છે અને કડવો હોવાથી કફને જીતે છે. એમ વાયુ, પિત્ત અને કફ એ ત્રણે દોષોને ગૂગળ હરે છે. આ ઉપરાંત ગૂગળ ગરમ, ભૂખ લગાડનાર, યકૃત ઉત્તેજક, હૃદય માટે હિતકારી, લોહીના રક્ત અને શ્વેતકણો વધારનાર, રક્ત શુદ્ધિકર્તા, રસાયન, માસિક લાવનાર તથા મસા, કૃમિ, વાઈ, કોઢ, ગાઉટ, સંધિવાત, આમવાત વગેરે વાત વિકારોનો નાશ કરનાર છે.
ઉપયોગોઃ આયુર્વેદના સમયથી ગૂગળ એક ચરબીનાશક ઔષધ તરીકે વપરાતું આવ્યું છે. એટલે કે આપણા પ્રાચીન મર્હિષઓએ ગૂગળની ચરબીનાશક શક્તિને વર્ષોથી જાણી લીધી હતી. તાજેતરમાં વૈજ્ઞાનિક સંશોધનો પરથી પણ એવું સાબિત થયું છે કે, ગૂગળ ચરબીમાંથી પેદા થતા કોલેસ્ટ્રોલનો નાશ કરે છે અને એ રીતે હૃદયરોગમાં ખૂબ જ ઉપયોગી છે. એટલે મેદસ્વી સ્ત્રી-પુરુષો કે જેઓ મેદ ઘટાડવા ઇચ્છે છે તેમણે ત્રિફળા અને ગૂગળના સંયોગથી બનતી 'ત્રિફળાગૂગળ'ની ગોળીઓ બે-બેની માત્રામાં સવારે, બપોરે અને રાત્રે લેવી. અવશ્ય લાભ થશે. હૃદયની નળીઓમાં જેમને કોલેસ્ટ્રોલ જામતો હોય તેમને પણ આ ઉપચારથી ફાયદો જણાશે.
ગૂગળ એ વાયુ માટેનું ઉત્તમ ઔષધ છે. ગૂગળ તીક્ષ્ણ અને ગરમ છે. ઉપરાંત તેમાં સ્નિગ્ધતા-ચીકાશ પણ છે. આ બધાં ગુણકર્મોથી ગૂગળ વાયુને શાંત કરે છે. ગૂગળ સાથે બીજાં કેટલાંક ઔષધો પ્રયોજીને 'મહાયોગરાજ ગૂગળ' બનાવાય છે. (આ ઔષધ બજારમાં તૈયાર મળી રહે છે.) મહાયોગરાજ ગૂગળ વાયુના રોગોમાં ઉત્તમ પરિણામ આપે છે. રોજ એક-એક ગોળી મહાયોગરાજ ગૂગળ સવાર-સાંજ રાસ્નાદિ કવાથ સાથે લેવાથી વાયુના ઉગ્ર વિકારો પણ મટે છે.
કમરના દુખાવા અને રાંઝણ (સાયટિકા)નાં દર્દમાં ગૂગળ અકસીર છે. અડધી ચમચી જેટલો ગૂગળ રોજ નગોડનાં પાનનાં તાજા રસમાં મેળવીને પી જવો. થોડા દિવસોમાં જ ફાયદો જણાશે.
ત્રિફળાગૂગળ અને મહાયોગરાજ ગૂગળની જેમ ગોક્ષુરાદિગૂગળ, કાંચનારગૂગળ, સિંહનાદગૂગળ, લાક્ષાદિગૂગળ, કિશોરગૂગળ વગેરે અનેક આયુર્વેદિક ઔષધોની બનાવટમાં ગૂગળ મુખ્ય ઔષધરૂપમાં વપરાય છે. જે જુદા જુદા અનેક રોગોમાં પ્રયોજાય છે.
shant_1980 @yahoo.com