ગાર્ડનિંગ - પુષ્પાંજલિ
વનસ્પતિ દિવસે પ્રાણવાયુ બહાર કાઢીને અંગારવાયુ શોષે છે અને રાત્રે પ્રાણવાયુ લઈને અંગારવાયુ બહાર કાઢે છે એ આપણે જાણીએ છીએ. જ્યાં લીલોતરી હોય ત્યાં હવામાં પ્રાણવાયુ વધુ પ્રમાણમાં હોય છે એટલું જ નહીં, કેટલીક વનસ્પતિ તો હવામાંથી ઝેરી તત્ત્વોને દૂર કરીને હવાને શુદ્ધ બનાવે છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી આપણાં ઘરમાં પ્લાયવુડ, પોલીશ, ક્લીનર્સ, પ્લાસ્ટિક, કૃત્રિમ ફાઈબર, જંતુનાશકો, હેર-સ્પ્રે, કોસ્મેટિક્સ જેવી અગણિત ચીજો પ્રવેશી ગઈ છે જે હવામાં રસાયણો બહાર ફેંકે છે. આ બધાને પરિણામે હવામાં હાનિકારક તેમ જ ઝેરી તત્ત્વોનું પ્રમાણ વધી ગયું છે. તમને ચક્કર આવતા હોય, સતત શિરશૂળ રહેતું હોય, ઘરમાં વાસ આવ્યા કરતી હોય, તો શક્ય છે કે ઘરમાંની ચીજવસ્તુઓમાંના રસાયણો ઝેર ઓકી રહ્યા હોય. પ્લાસ્ટિક, સિગારેટના ધુમાડા અને ક્લીનર્સ સૌથી વધુ વપરાતા ઘરેલું હાનિકારક સાધનો છે. સિગારેટનો ધુમાડો જોઈ શકાય છે, અન્ય સ્ત્રાવોને જોઈ શકાતા નથી. પ્લાસ્ટિકમાંથી આછી વાસ આવે છે જેનાથી આપણે પહેલેથી એટલાં ટેવાઈ ગયા છીએ કે તેને આપણે ધ્યાનમાં પણ લેતા નથી. ક્લીનર્સની વાસ અણગમતી હોય છે અને ત્વચા કે આંખ પર તે ઉગ્ર આડઅસર કરે છે. હાનિકારક રાસાયણિક પ્રદૂષણને નિર્દોષ પદાર્થમાં ફેરવવાનો એક સરળ અને સસ્તો ઉપાય 'નાસા'ના 'પર્યાવરણ વિભાગ'ના 'જોન સી. સ્ટેનીસ રિસર્ચ સેન્ટરે' લાંબા સંશોધન પછી શોધી કાઢયો છે. બેન્મીન, ફોર્મલડીહાઈડ અને ટ્રાઈ- ક્લોરોએથીલીન મુખ્ય હાનિકારક તત્ત્વો છે. 'બેન્મીન' પેટ્રોલિયમ- હાઈડ્રોકાર્બન્સમાંથી મળતું તત્ત્વ છે. દરેક પ્રકારના ધુમાડામાં આ તત્ત્વ હોય છે. ઉપરાંત આ તત્ત્વ સિન્થેટિક- ફાઈબર, બધાં જ પ્રકારનાં પ્લાસ્ટિક, સિન્થેટિક- ઈન્ક, રબર,ફલોરેસન્ટ- હાઈ- લાઈટર્સમાં પણ હોય છે. આ તત્ત્વ ખૂબ ઝેરી, તેમજ કાર્સીનોજન (કેન્સરનું ઉત્તેજક) છે. તે આંખો ત્વચામાં બળતરા ઊભી કરે છે, માથાનો દુઃખાવો, સુસ્તી- ઘેન, ચિંતા, થાક અને અનેક માનસિક તકલીફો સર્જે છે. એનિમિયાથી લ્યુકેમિયા (બ્લડ-કેન્સર) જેવી ગંભીર બીમારીઓ તે સર્જી શકે છે.
ટ્રાઈ- ક્લોરાઈથીલીન લીવરના કેન્સર માટે જવાબદાર તત્ત્વ ગણાયું છે. આ તત્ત્વ ગુંદરો (એડેસીવ) ર્વાિનશ, ડ્રાય-ક્લીન કરેલા કપડામાં શાહી (ઈન્ક)માં, રોગાન તેમજ પેઈન્ટમાં હાજર હોય છે.
ફોર્મલડીહાઈડ મિથેનોલ તરીકે પણ ઓળખાય છે. આ તત્ત્વને પાણીમાં ઓગાળીને ફોર્માલીન બનાવવામાં આવે છે જેને આપણે ફિનાઈલ કહીએ છીએ. નવાં ર્ફિનચરની વાસથી ઘણીવાર માથું દુઃખે છે કારણ કે ર્પાિટકલ- બોર્ડ, ચીપ-બોર્ડ, રેઝીન, ફોમ- ઈન્સ્યુલેશન પ્લાયવુડ વગેરેમાં આ તત્ત્વ હોય છે. ઘરને જંતુમુક્ત કરવા માટે આ તત્ત્વને વાપરવું યોગ્ય નથી. કેટલાંક શેમ્પૂમાં પણ આ તત્ત્વ હોય છે. આ તત્વ આંખો, નાક, ગળુ, તેમજ શ્વસનતંત્રના ઉપરના ભાગમાં આવેલી શ્લેષ્મ- ત્વચાને ઉત્તેજે છે. માથાના દુઃખાવા માટેનું એ સૌથી મોટું પરિબળ છે.
આ બધાં હાનિકારક તત્ત્વોને મંદ પાડે તેવી કેટલીક વનસ્પતિ છે. તે નર્સરીમાંથી મળી રહે છે.
જર્બેરા (જામેસોનાઈ), ક્રીસન્થીમમ(મોરીફોલિયમ), સ્પેથીફાઈલમ (પીસ-લીલી),ડ્રેકેના (માર્જિનેટા), નેફ્રોલેપીસ (ફીશબોન-ફર્ન), કેમીડોરિયા (બામ્બુ-પામ), ક્લોરોફાઈટમ્ એલાટમ (સ્પાઈડર પ્લાન્ટર્સ).
કેટલાંક વેલ-છોડ કે જે મકાન પર ચઢીને તેને રસાયણ રાખે છે. ઉદાહરણ તરીકે, કલોરોફીટમ-ઈલેટમ-ખૂબ ઉપયોગી છે. આ છોડો હવામાંની દુર્ગંધને શોષી લે છે. સૂર્યપ્રકાશની હાજરીમાં થતાં પ્રકાશ-સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ હવામાંથી શોષેલા દૂષિત વાયુઓનું વિઘટન કરી નાંખે છે. પૂરતા હવાઉજાસ વિનાના ઘરોમાં આ વનસ્પતિ શુદ્ધ હવા આપે છે. હવામાંનો ભેજ વધવાથી ગરમી ઘટે છે.