સમાજતરંગ - આરતી ઓઝા
જૂના જમાનાનું સફળતા પામેલું હિન્દી ચલચિત્ર યાદ છે ને ? આ ફિલ્મની વાત નથી કરવી. રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીઓ સંપન્ન થઇ છે ત્યારે અન્નાજી-રામદેવબાબાના ઓગસ્ટ ક્રાંતિના મંડાણ વચ્ચે નાગરિક ધર્મની વાત મનમાં આવી તે આપ સૌ સામે મૂકવાની ઇચ્છા થઇ છે.
રાજકારણ એટલે ભ્રષ્ટાચાર. અનીતિ અને ગુંડાગીરી આ છાપ શાણા-મધ્યમવર્ગી લોકોના મનમાં હજૂ અકબંધ છે. આ છાપ ખોટી છે. તેમ તો કેવી રીતે કહી શકાય ? સાથોસાથ કર્મશીલ નાગરિકો પોતાના વાજબી પ્રશ્નો અને દેશહિતને કેન્દ્રમાં રાખી 'મતદાતા' સિવાયની ભૂમિકા ન ભજવે તો આસુરી શક્તિ જ સત્તાસ્થાનો પર કબજો જમાવે તેમાં શી નવાઇ ?
નૈતિકતાનું અધઃપતન
સર્વસાધારાણ ભારતીય માનસ હજુ પણ ઇશ્વરભીરુ, સત્યની તરફેણ કરનાર તથા પરિશ્રમથી જાતની પ્રગતિ હાંસલ કરવાની મનોવૃત્તિ ધરાવનારો છે.
પરંતુ સ્વ. ઇન્દિરા ગાંધીના શાસનકાળના બે દુષ્પરિણામ - એક- રાજકીય સત્તાનું સમાજજીવનના તમામ ક્ષેત્રો પર આક્રમણ. બે- કોઇપણ રીતે સત્તા સાચવી લેવાની કૂટનીતિ. આ બંને કારણે ગત ચાર દશકમાં નૈતિકતાનું અધઃપતન ખૂબજ ઝડપી રહ્યું છે.
નૈતિકતાની વાત રાજકીય ક્ષેત્રે હાસ્યાસ્પદ ગણાવવામાં આવે તેટલી હદની શરમજનક પરિસ્થિતિ માટે આપણે સૌ નાગરિકો જવાબદાર નથી ? ફક્ત દોષનો ટોપલો રાજકીય નેતાઓના માથે ઢોળી દેવાથી પરિસ્થિતિમાં સકારાત્મક પરિવર્તન અસંભવ જણાય છે.
ખોખલી નૈતિકતાની ગુલબાંગો ફૂંકવાની કુચેષ્ટા આપણાં પૈકી અનેકોએ સ્વીકારી છે. આ ખોખલાપણું વ્યક્તિગત, પારિવારિક દૃષ્ટિથી તો નુકસાનકર્તા છે જ. ભારત હિત માટે પણ ખતરારૂપ બનતું જાય છે.
કૌભાંડોના 'સરદાર' એવા સરદાર ડો. મનમોહનસિંહ માટે અગાઉ ક્યારેય કોઇપણ વડાપ્રધાન ન વપરાયા હોય તેવા દેશ-વિદેશમાં વિશેષણો વપરાયા હોવા છતાં તેઓ ભારતનું નેતૃત્વ કરી રહ્યાં તે કેવી વિડંબના ગણાય ?
સાચું નેતૃત્વ ક્યાં ?
ડો. મનમોહનસિંહની વિદાય માટે તકતો તૈયાર થઇ રહ્યો છે. તેમના અનુગામી તરીકે સૌથી વધુ અનુભવી અને દાવેદાર તરીકે સ્વીકૃત બને તેવા પ્રણવ મુકરજી હવે રાષ્ટ્રપતિ બનતાં નહેરુ પરિવારના વંશજ યુવરાજ માટે માર્ગ સરળ બનાવવાનો પ્રયાસ અંશતઃ સફળ બન્યો છે.
જનહિત અને દેશહિતને જ પ્રાધાન્ય આપે તેવા નેતાઓનો દુષ્કાળ ભારતમાં આપણે સૌ અનુભવી રહ્યા છીએ. રાહુલ ગાંધી હશે કે અખિલેશ યાદવ. તેમના માટે રાજનીતિ એ એક વ્યવસાય છે. કૌટુંબિક વારસામાં મળેલો વ્યવસાય.
પરિપક્વતા, કોઠાસૂઝ અને ભારતીય મૂલ્યો માટે અડગ નિષ્ઠા વિહોણાં નેતાઓની ફોજ દરેક રાજ્યમાં વર્ચસ્વ જમાવવા તલપાપડ છે. મમતા બેનરજી રાષ્ટ્રપતિની ચૂંટણીને પેકેજ મેળવવાનું સાધન બનાવી દે, નીતિશકુમાર વિકૃત સેક્યુલરવાદના હિમાયતી બની વિવાદો ઊભા કરતા રહે અને શરદ પવાર જેવા ઠરીઠામ થયેલા નેતાઓ નાના બાળકોની માફક રીસે ચઢે ત્યારે આ બધા ભારતનું એટલે કે આપણાં સોનું શું હિત જોશે તે જ મોટો પ્રશ્ન છે.
ગ્રામ્ય કક્ષાએથી સાત્ત્વિક, સક્ષમ અને સંગઠિત નેતૃત્વનો ઉદય નહિ થાય ત્યાં સુધી પેઢીગત રાજનીતિથી આપણે છુટકારો નહિ મેળવી શકીએ. બધું ભોગવી લીધા પછી વયોવૃદ્ધ અવસ્થા હોવા છતાં સત્તા અને તેનો દમામ ભોગવવાનું જેનાથી ન છૂટે તેવા કેશુભાઇઓ શું ફક્ત ગુજરાતમાં જ છે.
સામાજિક અને રાષ્ટ્રીય હિતની વાત કરનારા રતન ટાટા કે નારાયણમૂર્તિ જનસમર્થન વગરના છે તેવું કહી રાજકીય નેતાઓ તેમને હાંસિયામાં ધકેલવામાં ભલે સફળ થયા પરંતુ આ પ્રકારના અરાજકીય છતાં અસરકારક નેતૃત્વનો ઉદય જલદી થાય તેમાં જ આપણા સૌનું હિત છે.
સત્તાકેન્દ્રનું વિકેન્દ્રિકરણ જરૂરી
વર્તમાન રાજકારણની આંટી ઘૂંટીમાં સત્તા મેળવવા જે યોગ્ય અયોગ્ય સાધનો અપનાવવા પડે તે અપનાવી ખુરશી હસ્તગત કરવાની રમત ચાલી રહી છે.
એક વખત ખુરશી પર કબજો મેળવી લીધા બાદ ચૂંટણી ઢંઢેરાના વચનો કચરાટોપલીમાં જાય છે. દોમદોમ સાહેબી ભોગવી અને જનસેવાની ખોટી વાતો કરવાના તમાશા શરૂ થાય છે.
ચૂંટાયેલ પ્રતિનિધિને તેના મતદાતા માટે કોઇ ફરજ છે તેવી સભાનતા જ ન હોવાથી નાના બાળક જેમ થોડી વાર એક રમકડું રમી ફેંકી દે છે તેવી રીતે ચૂંટણી પરિણામ બાદ ચૂંટાયેલ નેતા પ્રજાને પાંચ વર્ષ માટે ફેંકી દે છે.
કોઇ પ્રદેશના મુખ્યમંત્રી બધા વિધાનસભ્યો માટે મોંઘી કારનો ઓર્ડર આપે અને પછી જનઆક્રોશના કારણે તે નિર્ણય રદ કરે તે ઘટનાનું વિશ્લેષણ આપણામાંથી કેટલાકે કર્યું ?
'મારા વગર કંઇ જ નહિ ચાલે' તેવું 'હુપદ' રાજકીય નેતાઓમાં વ્યાપકરૂપે જોઇ શકાય છે. આ 'હુંપદ' ને ધરાશાયી કરવાની હિંમત અને તાકાત ફકત આપણી પાસે જ છે. આપણે આ હિંમત અને તાકાતનો પરચો નહિ બતાવીએ તો કલમાંડીઓ છૂટી જશે એટલું જ નહિ ભારતનું આંતરરાષ્ટ્રીય સ્તર પર નેતૃત્વ પણ કરશે !! નાના-મોટા અનેક નિર્ણયોમાં રાજકીય ચંચુપાત હોવાથી પ્રજાના કામો વિલંબથી અથવા નથી થતાં તેમજ ભ્રષ્ટાચાર વિના કામો આગળ ધપતા નથી. બંધારણમાં મૂળભૂત પરિવર્તન કરવા માટેનો સમય આવી ચૂક્યો છે. ભારતમાં લોકતંત્રની સંદીઓ જૂની જનપદ અને તેના વિકાસ-કરવેરા-નિર્ણયપ્રક્રિયાને આધુનિક યુગાનુસાર સ્વીકાર્ય સિવાય છૂટકો નથી.
બંધારણમાં ફેરફાર, ચૂંટણી પદ્ધતિમાં પરિવર્તન અને ચૂંટાયેલ પ્રતિનિધિની જવાબદારીનું નિયંત્રણ કરવા સામે રાજકીય પક્ષો પ્રજાને ગેરમાર્ગે દોરવાનો, વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે દ્વેષ ફેલાવવાનો તથા કોઇપણ હિસાબે વર્તમાન માળખું યથાવત રહે તેવા તમામ પ્રયત્નો કરશે.
ભાવિને ધ્યાનમાં રાખીએ
સોનિયા પુત્ર હોય કે મુલાયમ પુત્ર. ભારતનું નેતૃત્વ વર્તમાન પ્રસ્થાપિત નેતાઓના સંતાન કે કુટુંબીજનોના હાથમાં જ રહે તેવું આપણને સ્વીકાર્ય છે ? લાયકાતના આધાર પર કોઇપણ વ્યક્તિ નેતા બને કે આપણે બનાવીએ, પરંતુ આપણી ઉપર નેતૃત્વ ઠોકી બેસાડવામાં આવે તે આપણે સહન કરી લઇએ અને પછી મોંઘવારી, ભ્રષ્ટાચાર, દેશદ્રોહી ગતિવિધિની ટીકા કરીએ તે કેમ ચાલે ?
ચાણક્યના કેટલાક સૂત્રો આપણને આપણા સારા ભાવિ માટે શું કરવું જોઇએ તેનો બોધ આપનારા છેઃ-
જો લોભ છે, તો પછી અન્ય દુર્ગુણની શું આવશ્યકતા છે ?
જો જીવનમાં સત્ય છે તો પછી અન્ય તપની શી આવશ્યકતા છે ?
જો જીવનમાં યશ છે તો બીજા આભૂષણોની શી જરૂરિયાત છે ?
જો અપયશ છે તો પછી મૃત્યુની શી આવશ્યકતા છે ?
નાગરિકધર્મ બજાવીશું તો પાણી વગર તરફડતી માછલીની માફક વામણાં નેતાઓને ખુરશી વગર તરફડાવી શકીશું અને જો આપણે આપણી ફરજ નહિ નિભાવીએ તો સત્તાખોરો આપણને તરફડાવીને મારશે.
નિર્ણય આપણે કરવાનો છે. મક્કમતા આપણે દર્શાવવાની છે. મોકો આપણા હાથમાં છે. ભવિષ્યને ઉજ્જવળ બનાવવું છે કે ધૂંધળા વર્તમાનને સ્વીકારી ભારતને અંધકાર તરફ લઇ જવા ઇચ્છુક વ્યવસાયી રાજકારણીઓના હાથ મજબૂત કરવા છે ? તક ચૂકવાનું પોસાય તેમ નથી, તક ઝડપી લેવાની તત્પરતા કેટલી છે ? વિચારીએ ?