Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 05:03:37 PM IST
 

આયુર્વેદનું અનુપમ ઔષધ - કડાછાલ

Aug 18, 2012 Supplements > Health
 
comment     E-Mail     Print    
 
Viewed: 4033
Rate: 1.0
Rating:
Bookmark The Article

આયુર્વેદ - વૈદ્ય મનુભાઈ ગૌદાની

વાચકમિત્રો, આ વખતે આપને આયુર્વેદના એક અતિ ઉત્તમ ઔષધદ્રવ્યનો સંક્ષિપ્ત પરિચય કરાવવો છે. આ ઔષધનું નામ છે 'કડાછાલ'. કડાછાલના વૃક્ષને સંસ્કૃતમાં 'કુટજ' કહેવામાં આવે છે. કુટજની છાલ તે 'કડાછાલ'. તેનાં બીજ તે 'ઇન્દ્રજવ' અને તેના ફૂલને 'ગિરિમલ્લિકા' કહેવામાં આવે છે. ગિરિમલ્લિકા એટલે પર્વતનો ઉપરનો મોગરો. તમે 'મેઘદૂત' વાંચ્યું છે? જુઓ મેઘદૂતનો યક્ષ મેઘને જે પુષ્પોથી અર્ધ્ય અર્પે છે તે આ 'કુટજકુસુમૈ'. સંસ્કૃતમાં પર્વતના શિખરને કુટ કહે છે. કડાછાલનું વૃક્ષ પર્વતના શિખર પર થતું હોવાથી તેને 'કુટજ' કહેવામાં આવે છે. આયુર્વેદનાં કાચાં ઔષધદ્રવ્યો વેચતા ગાંધીને ત્યાંથી આ કુટજ વૃક્ષની છાલ 'કડાછાલ' અને બીજ 'ઇન્દ્રજવ' મળી રહેશે. મનુષ્યોના જવ જેવાં જ કુટજ બીજ હોવાથી અને ઇન્દ્રપ્રિય હોવાથી 'ઇન્દ્રજવ' કહેવાય છે. બીજો મત એવો છે કે ઇન્દ્રના આયુધ વજ્રનો આકાર આ કુટજ બીજ જેવો હોવાથી તેને ઇન્દ્રજવ કહે છે.

આ કડાછાલનો પ્રધાન રસ કડવો અને તેનો બીજો રસ તૂરો છે. તે શીત, રૂક્ષ અને જઠરાગ્નિને પ્રદિપ્ત કરે છે. કડાછાલ તેના આ ગુણોને લીધે કફ અને પિત્તનું શમન કરે છે. આપણા શરીરમાં જ્યારે દાહ-બળતરા વધી જાય ત્યારે પિત્ત વધી ગયું છે એમ કહેવાય છે. ઉષ્ણ, તીક્ષ્ણ અને સૂક્ષ્મ ગુણો પિત્તના છે. પિત્ત પોતાના આ ગુણોથી શરીરમાં મુખમાર્ગથી તે મળમાર્ગ સુધીમાં ગમે ત્યાં ચાંદાં પાડે છે. કડાછાલ શીતળ હોવાથી પિત્તના આ દાહ-સંતાપનું શમન કરે છે. એટલે જ પિત્તાતિસાર અને રક્તાતિસારનું કડાછાલ ઉત્તમ ઔષધ ગણાવાય છે. રક્તાતિસારમાં આધુનિક મતે અલ્સરેટિવ કોલાયટિસમાં આંતરડાંમાં ચાંદાં પડી જાય છે. આ ચાંદાં માત્ર બકરીના દૂધ ઉપર રહી આ કડાછાલનો તાજો કલ્ક, તાજી છાશ કે ભાતના પાણી સાથે આપવાથી સાવ મટી ગયાના ઘણા કેસો મારી ફાઇલમાં સચવાયા છે. રક્તાતિસાર (અલ્સરેટિવ કોલાયટિસ), પિત્તાતિસાર, કફાતિસાર તો કડાછાલથી મટે જ છે. આ ઉપરાંત અર્શ, કુષ્ઠ, રક્તપિત્ત, વ્રણ, પ્રમેહ વગેરેમાં પ્રયોજાય છે.

આયુર્વેદના પ્રખ્યાત મહર્ષિ ચરકે પોતાના ગ્રંથમાં લખ્યું છે કે, 'અતિસારે સનાગરાય ઇન્દ્રવાન પિબેન્દ્રા તંડુલામ્બુના' (ચ.ચિ. ૮.૧૨૨) એટલે કે અતિસારમાં ઇન્દ્રજવ ચોખાના પાણીમાં આપવાથી મટે છે. 'કુષ્ઠે વત્સકબીજસ્ય કલ્ક કુષ્ઠેયુદ્રર્તના લેપ.' ઇન્દ્રજવના કલ્કનો ખાવામાં અને લેપરૂપે ઉપયોગ કરવાથી કોઢ મટે છે. આગળ જતાં ચરક (ચિ.અ ૧૧/૭) કહે છે કે 'પ્રમેહે કુટજ પુષ્ય કલ્ક વા' એટલે કે કડાનાં વૃક્ષનાં ફૂલોનો કલ્ક કે શાક કરીને નિયમિત ખાવાથી પ્રમેહ મટે છે. ફૂલો ન મળે ત્યારે તેના સૂકવેલાં ફૂલોનું ચૂર્ણ વાપરી શકાય.

મૂત્રમાર્ગમાં બાઝેલી પથરી, કડાછાલને દહીં સાથે પીવાથી બે મહિનામાં મટી જાય છે. મહર્ષિ વાગ્ભટ (ચિ. ૮-૧૬૨માં) કહે છે કે, દૂઝતા મસાની રામબાણ દવા ફક્ત કડાછાલ જ છે. આધુનિકો કડાછાલને કુર્મિબાર્ક અથવા કોનેસીબાર્ક કહે છે.

આજે પણ વૈદ્યો કુટજાના વિભિન્ન ઓષધ યોગો વિભિન્ન રોગોમાં પ્રયોજે છે. જેવા કે કુટજાષ્ટક કવાથ (આમરક્ત શૂલા દી) કુટજાવલેહ (અર્શ અતિસાર ગૃહણી) કુટજારિષ્ટ (જવરાંદે) ઇન્દ્રવાદિ ક્વાથ (સર્વાતિસાર) વગેરે. 

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com