ટૂંકી વાર્તા - રેમન્ડ એલ. રૂરોન
હુંએક પબ્લિક સ્પીકર છું અને મારા શ્રોતાઓને જમીનો અને મકાનો ખરીદવાના નવા નવા માર્ગો સુઝાડતો રહું છું. મારા શરૂઆતના વર્ગોમાં રોય નામનો એક પોલીસમેન આવેલો અને તેણે મારા વિચારોને બહુ હૃદયસ્પર્શી રીતે અમલમાં મૂક્યા હતા.
વાત તો રોય મારા વર્ગમાં આવ્યો તે પહેલાં ઘણા વખતથી શરૂ થઈ હતી. પોતાના નિયમિત રાઉન્ડ દરમિયાન તે એક વૃદ્ધને મળવા રોકાતો. તેઓ ૫૦૦૦ ચોરસ ફૂટના એક ભવ્ય મહાલયમાં રહેતા હતા. એ મકાનમાંથી ખીણ અને જંગલનું સુંદર દૃશ્ય દેખાતું. મહાકાય વૃક્ષો અને નદીથી શોભતા એ પ્રાકૃતિક પરિસરને વૃદ્ધ માણતો. અઠવાડિયામાં એક કે બે વાર રોય આવે ત્યારે બંને સાથે ચા પીએ, વાતો કરે ને ક્યારેક બગીચામાં ફરે. એ રીતે એક વાર ફરતાં ફરતાં વૃદ્ધે કહ્યું કે તેને મોટી બીમારી છે. હવે આ મકાન વેચી નર્સિંગહોમમાં જવું પડશે.
દરમિયાન રોયે મારો વર્ગ શરૂ કર્યો હતો. તેના મનમાં એક ગાંડો વિચાર ઘર કરી ગયો હતો કે કદાચ એ પોતે આ ઘર ખરીદી શકે. કેવી રીતે ખરીદી શકાય તે તેને જાણવું હતું.
એ ઘરની કિંમત હતી ૩ લાખ ડોલર. કોઈ હપતા નહીં અને રોય પાસે કુલ બચત હતી ૩૦૦૦ ડોલર. તે ૫૦૦ ડોલર ભાડું આપતો હતો અને પોલીસમેનની બાકી બચેલી સેલરીમાંથી ઘર ચલાવતો હતો. તે શ્રીમંત વૃદ્ધ અને આ આશાવાદી પોલીસમેન વચ્ચે મેળ કેવી રીતે પાડવો? આવો મેળ પ્રેમ સિવાય બીજું કોણ પાડી શકે?
રોયને યાદ હતા મારા શબ્દો-"શોધી કાઢો કે સામી વ્યક્તિ ખરેખર શું ઇચ્છે છે - અને તે તેને આપો." ખૂબ વિચાર્યા પછી રોયને કડી મળી. એ માણસ સૌથી વધુ પસંદ કરતો હતો બગીચામાં ફરવાનું. એના વિના તેને ચાલવાનું નહોતું.
અને તેણે કહી દીધું, "જો તમે મને તમારું ઘર વેચશો તો હું મહિનામાં એક-બે રવિવારે તમને લઈ આવીશ અને આ તમારા બગીચામાં આપણે બેસીશું ને ફરીશું."
વૃદ્ધના ચહેરા પર આશ્ચર્ય, સ્મિત અને પ્રેમની રંગોળી પુરાઈ. તેણે રોયને કહ્યું, "તારી ઓફર શી છે? જે પણ હોય, હું સહી કરી આપીશ." રોયે તેની પાસે હતું તે બધું પ્રામાણિકતાથી ઓફર કર્યું કે હું તમને ડાઉન પેમેન્ટ ૩૦૦૦ ડોલર આપીશ અને બાકીના દર મહિને ૫૦૦ ડોલરના હપ્તેથી ચૂકવીશ. વૃદ્ધ એટલો ખુશ થઈ ગયો કે રોયને તેણે ઘરનું બધું એન્ટિક ફર્નિચર વિનામૂલ્યે ભેટ આપી દીધું.
રોયની આ અદ્ભુત નાણાકીય સફળતા ગમે તેટલી નવાઈ પમાડે પણ સાચી જીત તો પેલા વૃદ્ધની થઈ, જે ખૂબ ખુશ છે - બંને સંબંધોનો આનંદ માણે છે.
***
શાણપણ
ભરવાડના ત્રણ છોકરા. વહેલી સવારથી એક ટેકરીના ઢોળાવ પર ચડઊતર કરતા હતા. ચારે બાજુ ચરતા ઢોરને વ્યવસ્થિત રાખવામાં જ આખો દિવસ પસાર થઈ ગયો. ગામ બહુ દૂર નહોતું, પણ ત્યાં જઈને ખાઈ આવવાનો સમય ત્રણમાંથી કોઈને ન મળ્યો. સાંજ ઢળી ત્યારે ત્રણમાંના બે છોકરાઓ કહેવા લાગ્યા કે પેટમાં તો બિલાડા બોલે છે. જલદી ગામ જઈએ ને ખાવા પામીએ તો સારું. બન્ને શું શું ખાઈશું તેની કલ્પનાઓ કરવા લાગ્યા. ત્રીજો છોકરો ચૂપચાપ સાંભળતો હતો. થોડી વારે પેલા બન્નેએ પૂછયું, "તું કંઈ બોલતો નથી, તને ભૂખ નથી લાગી કે?"
તેણે ખભા ઊંચા કરી શાંત અવાજે કહ્યું, "ના."
એકાદ કલાક પછી ત્રણે ગામમાં પહોંચ્યા. ઢોરને ઠેકાણે પાડી ખાવા ગયા અને ઘણું બધું ખાવાનું મંગાવ્યું. ત્રીજો છોકરો જેટલા રસથી ને જેટલા જથ્થામાં ખાતો હતો તે જોઈને એક છોકરાએ ટકોર કરી, "કલાક પહેલાં તો તને ભૂખ નહોતી લાગી..."
પેલાએ ધીમેથી કહ્યું, "હા. પાસે ખાવાનું ન હોય ત્યારે ભૂખ્યા થવામાં કોઈ શાણપણ નથી."
લાસ્ટ લાઇન
જિંદગીની એક સૌથી મોટી પ્રાપ્તિ એ છે કે કોઈ વ્યક્તિ પોતાને મદદ કર્યા સિવાય બીજાને કોઈ નક્કર મદદ કરવાની કોશિશ કરી શકે નહીં.
- રાલ્ફ વાલ્ડો એમર્સન
('આશાના અંકુર' પુસ્તકમાંથી,
પ્રકાશકઃ આર. આર. શેઠ, અમદાવાદ)