મૂવિ મંચ - દિવ્યેશ વેકરિયા
પોતાની ફિલ્મોમાં સુપરસ્ટાર્સને લેવા માટે નિર્માતા-દિગ્દર્શકે બહુ રાહ જોવી પડે છે, બજેટ મસમોટું રાખવું પડે અને એ ઉપરાંત તેમની તાનાશાહી-તેવરો સહન કરવા પડે તે અલગ. સામે છેડે ન્યૂકમર્સથી ફિલ્મો હિટ ન જાય, એવી મિથનો હવે ભાંગીને ભુક્કો થઈ ગયો છે
એક નવી ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર' આવી રહી છે અને તેના પ્રોમો પણ ટીવી પર આવી ગયા છે. આ ફિલ્મ કરણ જોહરની છે. ના નિર્માતા તરીકેની નહીં તેણે પોતે આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. બોલો, આ ફિલ્મમાં હીરો કોણ હશે? શાહરૂખ ખાન? ના, તમને જાણીને નવાઈ લાગશે કે આ ફિલ્મમાં ત્રણેય કલાકારો નવા નિશાળિયા છે! સિદ્ધાર્થ મલ્હોત્રા, વરુણ ધવન અને આલિયા ભટ્ટ (જો કે ત્રણેય વારસાગત ફિલ્મી પરિવારના છે) કરણ જોહરે ચેતન ભગતની નોવેલ 'ટુ સ્ટેટ્સ' પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું તો તેણે પહેલાં તો શાહરૂખનું નામ વિચાર્યું હતું. પછી ઇમરાન ખાનનું નામ ચર્ચામાં આવ્યું અને હવે તે 'ઇશ્કઝાદે' ફેમ અર્જુન કપૂર કરી રહ્યા છે. સવાલ અર્જુન કપૂરને ફિલ્મ મળી તે નથી પણ મુદ્દો એ છે કે નવોસવો સ્ટાર આજે શાહરૂખ ખાનની ગરજ સારે છે!
દિગ્દર્શકો અને નિર્માતા કેમ ન્યૂકમર્સને આટલું બધું મહત્ત્વ આપી રહ્યાં છે? કેમ કોઈ નામી હીરોને લઈને ફિલ્મો બનાવવાને બદલે તે ન્યૂકમર્સને લઈને ફિલ્મ બનાવે છે. તુષાર કપૂર, કુણાલ ખેમુ, શ્રેયસ તળપદે જેવા કેટલા બધા કલાકારો ફિલ્મો માટે તરસે છે અને આજના દિગ્દર્શકો ન્યૂકમર્સને સીધા શાહરૂખનો પર્યાય બનાવી દે છે એમ કેમ? એક રીતે જોવા જઈએ તો ફિલ્મોને હિટ કરવાની આ મહત્ત્વની સ્ટ્રેટેજી છે. કરણ જોહરને ખ્યાલ જ હશે કે શાહરૂખ તેની 'ટુ સ્ટેટ્સ' માટે સમય આપી જ નહીં શકે, કેમ કે તે પોતાની ફિલ્મોમાં જ એટલો ગૂંચવાયેલો છે તો આ ફિલ્મ કરવાનો સવાલ જ ક્યાં ઊભો થાય છે.
મોટા સુપરસ્ટારોના વ્યસ્ત રહેવાથી નવા સ્ટારોને તેનો લાભ ઘણો મળે છે. લગભગ એકાદ-બે વર્ષથી પોતાની ફિલ્મ આમિર ખાન કરે તે માટે અનુરાગ કશ્યપે તનતોડ મહેનત કરી. આમિર ખાનના ટેબલ પર આજે ૨૫૦ જેટલી ફિલ્મોની સ્ક્રિપ્ટ પડી છે, સ્વાભાવિક છે કે તે દરેક ફિલ્મો તો ન જ કરી શકે. અને આ લિસ્ટમાં અનુરાગ કશ્યપની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ 'બોમ્બે વેલ્વેટ' પણ હતી. અંતે તેણે તેની રાહ જોવાનું માંડી વાળીને 'બોમ્બે વેલ્વેટ' માટે રણબીર કપૂરની પસંદગી કરી. રણબીર કપૂરની પસંદગી આમિર ખાનના સ્થાને કોઈ સામાન્ય દિગ્દર્શકે નથી કરી પણ પોતાની ફિલ્મોને વાસ્તવિક માહોલ આપનાર અનુરાગ કશ્યપે કરી છે. સંજય લીલા ભણસાળીએ 'રામલીલા' માટે રણવીર સિંહને લઈને ચમત્કાર કરી નાખ્યો, રણવીર સિંહની બોલિવૂડમાં હવે એક ઓળખ છે તેમાં કોઈ શંકા નથી પણ સંજયે તેના દિગ્દર્શનમાં બનનારી ફિલ્મમાં લઈને સુપરસ્ટારોને હાકલ જરૂર કરી છે. અજય દેવગન, સલમાન ખાન અને અક્ષય કુમાર જેવા સ્ટારો એક સાથે અનેક ફિલ્મો કરી રહ્યા છે, છતાં દરેક ફિલ્મ તે કરી શકે તે શક્ય પણ નથી.
રાજકુમાર હિરાણીએ 'પીકે' માટે કરિના કપૂરને લેવાનું નક્કી કર્યું હતું અને રાજુ હિરાણીની ફિલ્મ કરવાનું પસંદ કોણ ન કરે? કરિનાને આ ફિલ્મ કરવી જ હતી પણ રાજુ જે સમયે તે ફિલ્મ કરવા માગતા હતા ત્યારે તો કરિનાએ તે તારીખો અન્ય ફિલ્મો માટે આપી હતી. કરિના વગર ફિલ્મ તો અટકે નહીં અને તે ફિલ્મ સીધી મળી અનુષ્કા શર્માને. અનુષ્કા સારી એક્ટ્રેસ જ છે પણ આજે તે કરિનાને સ્થાને ફિલ્મો કરી રહી છે. સોનાક્ષી સિંહાએ તો માર્કેટ જ પોતાના હાથમાં લઈ લીધું છે તેમ કહીએ તો ચાલે. એક સમયે રાની મુખરજી, પ્રીતિ ઝિન્ટા જેવી હિરોઇનોના દીવાના અજય કે અક્ષય આજે તેના લિસ્ટમાં હિરોઇન તરીકે સોનાક્ષી અગ્રેસર બની ચૂકી છે.
દરેક ફિલ્મમેકર એવું જ ઇચ્છતા હોય છે કે તેની ફિલ્મ અમિતાભ બચ્ચન કરે. પહેલાં પોતાની ફિલ્મો સુપરસ્ટાર કરે તે માટે દિગ્દર્શકો તેની રાહ જોતા પણ આજે તે જમાનો ગયો. જેમ સારા સુપરસ્ટારો પાસે ફિલ્મો કરવા સમય નથી તેમ સારા દિગ્દર્શકો રાહ જોવાને બદલે ન્યૂકમર્સને પ્રમોટ કરીને ફિલ્મ શરૂ કરી દે છે. હકીકત તો એ પણ છે કે સુપરસ્ટારો સાથે કામ કરવા માટે નિર્માતાએ ફિલ્મ માટે લાંબો સમય રાખવો પડે છે, મોટું બજેટ જોઈએ અને તેમની તાનાશાહી સહન કરવી પડે તે અલગ. હા, તેમની પાસે ફિલ્મ હિટ કરાવવાની ૯૦ ટકા ગેરંટી મળતી હોય છે, ફાઇનાન્સર તૈયાર થતાં હોય છે, પણ ન્યૂકમર્સથી ફિલ્મો હિટ ન જાય, એવી મિથનો હવે ભાંગીને ભૂક્કો થઈ ગયો છે.
મીડ શોટ
પ્રિયદર્શને એઇડ્સના વિષય પર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે અને તે ફિલ્મ માટે તે આમિર ખાનની રાહ જોઈ રહ્યા છે. ક્યારે બનશે એ ફિલ્મ, એની તો આમિર ખાનને પણ 'તલાશ' છે!
તમને ખબર છે?
'વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ'માં કંગના રાણાવતે જે રિહાનાની ભૂમિકા ભજવી છે, તે ભૂમિકા માટે મિલન લુથરિયાની પહેલી પસંદ કેટરિના કૈફ અને પ્રિયંકા ચોપરા હતી. જોકે, સુલતાન મિર્ઝાની રિહાના બનવાનું નસીબ અંતે કંગનાને મળ્યું અને તેને ફળ્યું!
vekariadivyesh@gmail.com