કેલિડોસ્કોપ - મોહમ્મદ માંકડ
શ્રીકૃષ્ણ અને હઝરત મુસાની કથાઓમાં અમુક રીતે સામ્ય છે. અમુક રીતે તે જુદી છે, પરંતુ એમાંથી એક વાત ફલિત થાય છેઃ રાજસત્તાનો જુલ્મ જ્યારે હદથી વધી જાય છે ત્યારે લોકોમાંથી કોઈક લોકનાયક બહાર આવે છે અને એવી રાજસત્તાનો અંત લાવે છે. થોડાં વર્ષો, થોડા દસકાઓ, કદાચ એકાદ બે સૈકાઓ પણ વીતી જાય, પરંતુ જુલમી રાજસત્તા કાયમ ટકી શકતી નથી
આવર્ષે હિંદુ અને મુસ્લિમ બંનેના પવિત્ર મહિનાઓ શ્રાવણ અને રમઝાન એક સાથે આવ્યા, પરંતુ આવું તો ઘણાં વર્ષો પછી બને છે. મારા બચપણના દિવસોનો વિચાર કરું છું ત્યારે શ્રાવણ મહિનાના સાતમ-આઠમના મેળાનો વિચાર આવે છે. સાતમ-આઠમના તહેવારથી અમારા માટે મેળાની મોસમ શરૂ થતી. સાતમ-આઠમ પછી કમખિયાની ટેકરી પાસે ભરાતો મેળો અને પછી તરણેતરનો મેળો. તરણેતરના મેળામાં અમે જઈ શકતા નહોતા. માત્ર એની વાતો કુતૂહલપૂર્વક સાંભળતા હતા.
એ દિવસોમાં ભરાતા મેળાઓ અને છોકરાં-છોકરી માટે એનું કેવું મહત્ત્વ હતું એ આજે નહીં સમજાય. તરેહ તરેહનાં રમકડાં, બંગડીઓ અને ચમકતાં ઘરેણાં, ફજેતફાળકા અને ચકડોળમાં સવારી એ બધું ત્યાર પછી બાર મહિને જોવા-માણવા મળતું. આની આછી ઝલક સ્વ. પન્નાલાલ પટેલની યાદગાર કૃતિ 'મળેલાં જીવ'માં જોવા મળે છે. અમે એ બધું જોયું-માણ્યું છે.
સાતમ-આઠમ એ અમારા માટે આનંદનો અવસર. એ વખતે ગોકુલ આઠમ વિશે અમે કશું જ જાણતા નહોતા. કૃષ્ણજન્મ વિશે કે એની કથા વિશે જે થોડું ઘણું સાંભળ્યું હોય એ સિવાય ખાસ જાણવાની બહુ દરકાર નહોતી. આજે મેળાઓનું મહત્ત્વ નથી પણ કૃષ્ણજન્મની કથાનું મહત્ત્વ છે. એ કથાની હું થોડા જુદા દૃષ્ટિકોણથી વાત કરવા ઇચ્છું છું.
કૃષ્ણજન્મની અને કૃષ્ણની કથા જેવી જ એક કથા બાઇબલ અને કુરાનમાં પણ છે. અંગ્રેજીમાં જેમનો મોઝીઝ અને મૂળ હિબ્રુમાં અને કુરાનમાં જેમનો મુસા તરીકે ઉલ્લેખ થયો છે, એના જન્મની અને જીવનની એ કથા છે. એ કથાઓ શાસ્ત્રોમાં જે રીતે આપેલી છે એ રીતે નહીં પરંતુ લોકો જે રીતે જાણે-સમજે છે એ રીતે, સાદી ભાષામાં, હું રજૂ કરીશ હઝરત મુસાના જન્મ વખતે ઇજિપ્ત અથવા તો મિસરમાં જે રાજાઓ રાજ કરતા હતા એ ફિરઓન (અંગ્રેજીમાં Pharaoh-ફરાઓહ) તરીકે ઓળખાતા હતા. ઇઝરાયેલ આજે જે સામાન્ય રીતે યહૂદી તરીકે ઓળખાય છે એની વસતી વધી ન જાય એટલા માટે કે બીજા કોઈ કારણસર એ રાજાઓએ એવો હુકમ કર્યો હતો કે યહૂદી લોકોમાં જે બાળકો જન્મે એમાંથી છોકરાઓને મારી નાખવામાં આવે માત્ર છોકરીઓને જીવતી રાખવામાં આવે, જેથી એ છોકરીઓ રાજાઓની કોમના મૂળ ઇજિપ્તવાસીઓની સેવા કરી શકે.
બીજી એક કહાણી એવી છે કે મોઝીઝ અથવા મુસાના જન્મ વખતે જે ફિરઓન રાજ કરતો હતો એને એના જ્યોતિષીઓએ કહ્યું હતું કે ઇઝરાયેલમાં જન્મનાર છોકરો તારા મૃત્યુનું કારણ બનશે. એટલે જ રાજાએ દરેક છોકરાને મારી નાખવાની આજ્ઞા કરી હતી. જોકે આ વાતને શાસ્ત્રોનો કોઈ આધાર નથી. આવી સ્થિતિમાં મુસાનો જન્મ થયો. મુસાની માતાએ દીકરાને નદીમાં ડુબાડી દેવાનો વિચાર કર્યો, પરંતુ ઈશ્વરે એને એમ નહીં કરવાની આજ્ઞા કરી. અમુક સમય પોતાના પુત્રને સંતાડી રાખ્યા પછી ઈશ્વરની આજ્ઞા પ્રમાણે છોકરાને એક પેટીમાં મૂકીને એ પેટીને નદીમાં તરતી મૂકી દેવામાં આવી. (નાનું બાળક સમાઈ શકે, ઊંઘી શકે એવી પેટીને અંગ્રેજીમાં 'મોઝીઝ બાસ્કેટ' કહે છે.)
હવે બન્યું એવું કે એ પેટી તરતી તરતી રાજા ફિરઓનના મહેલ પાસે જ પહોંચી. એક સિપાહીએ એને જોઈ. પેટીમાં છોકરાને જોઈને પેટીને એ રાજા પાસે લઈ ગયો. કઈ કોમનો છોકરો હશે એનો વિચાર કરવાને બદલે એને મારી નાખવો એ જ ઠીક છે એમ માનીને રાજાએ એને મારી નાખવાની આજ્ઞા કરી, પરંતુ એ સુંદર હ્યુષ્ટપુષ્ટ છોકરાને જોઈને ફિરઓનની નિઃસંતાન રાણીને એના ઉપર એટલો પ્રેમ ઉભરાયો કે એને પોતાના પુત્ર તરીકે ઉછેરવાની રાજા પાસેથી પરવાનગી મેળવી લીધી.
પછીની વાત છોડીને મૂળ ઉપર હું આવું છું. આ રીતે યહૂદી લોકોને ઉગારનાર અને જુલ્મી ફિરઓનને મારનાર એના જ મહેલમાં, એની જ છત્રછાયામાં ઉછરવા લાગ્યો.
મુસા યુવાન થયા પછી શું બન્યું? ઈજિપ્ત છોડીને એને શા માટે ચાલ્યા જવું પડયું? ઈશ્વર તરફથી એને ગૂઢ જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત થયું? એ લાંબી વાત હું છોડી દઉં છું. આખરે એક સમય એવો આવ્યો કે ખુદાએ મુસાને ફિરઓન પાસે જઈને યહૂદીઓને મુક્ત કરવાની અને પોતાની સાથે મોકલવાની આજ્ઞા કરી. સ્વાભાવિક જ, જે ગુલામ પ્રજા મજૂરી અને સેવા કરતી હતી એને મુક્ત કરવાની વાત સાંભળતાં જ ફિરઓનનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો.
પછીના સમયમાં મુસાએ ઘણા ચમત્કારો બતાવ્યા અને એને સહેલાઈથી મારી શકાય તેમ નથી એવું રાજાને ઠસાવ્યું. રાજા જો યહૂદીઓને એની કોમ જેટલા જ સમાન હક આપે તો, અને પોતે જ ઈશ્વર હોવાનો દાવો પડતો મૂકે તો સમાધાન થઈ શકે એવી શક્યતા પણ વ્યક્ત કરી, પરંતુ જે ફિરઓન પોતાને જ ઈશ્વર માનતો હતો એ મુસાની વાત કઈ રીતે સ્વીકારી શકે? એ તો એમ જ માનતો હતો કે ઇજિપ્તના લોકો, પ્રાણીઓ, અરે, નદી અને સમુદ્ર પણ એની આજ્ઞા માને છે. એના સિવાય બીજો ઈશ્વર કઈ રીતે હોઈ શકે?
આખરે એક રાત્રે મુસા પોતાની કોમના જે માણસો એની સાથે જવા તૈયાર થયા એને લઈને ઇઝરાયેલના મૂળ વતન વચ્ચે આવેલ સમુદ્ર પાસે પહોંચ્યા. ફિરઓનને એની ખબર પહોંચતાં જ પોતાના માણસો અને લશ્કર લઈને એણે મુસાનો પીછો કર્યો. કહે છે કે ઈશ્વરની આજ્ઞા પ્રમાણે મુસા પોતાના માણસોને લઈને સમુદ્રમાં દાખલ થયા તો સમુદ્ર બે ભાગમાં વહેંચાઈ ગયો. વચ્ચે રસ્તો થઈ ગયો અને મુસા અને એમના લોકો સમુદ્ર ઓળંગી ગયા.
ફિરઓન તો પોતાને જ ઈશ્વર માનતો હતો. સમુદ્ર એની સત્તા સ્વીકારશે જ એવો એને વિશ્વાસ હતો એટલે મુસાની પાછળ (એમને મારવા માટે જ) પોતાના માણસો અને લશ્કરને લઈને સમુદ્રમાં દાખલ થયો અને ડૂબી મર્યો.
આમ, એક જુલમી રાજાનો અંત આવ્યો.હવે આપણે કૃષ્ણના જન્મની કથા જોઈએ. મથુરામાં એ વખતે યાદવોનું રાજ હતું. ઉગ્રસેન એમનો રાજા હતો. ઉગ્રસેનનો દીકરો કંસ યુવાન થયો એટલે પોતાના પિતાને કેદમાં નાખીને પોતે રાજા બન્યો. અને પ્રજા ઉપર થઈ શકે એટલા જુલમો કરવા લાગ્યો. રાજા જુલમી હતો અને એના પશુબળ સામે પ્રજા લાચાર હતી, પરંતુ જગન્નિયંતા ઈશ્વર લાચાર નહોતો.
એક વાત એવી છે કે કોઈક જ્યોતિષીએ કંસને કહ્યું, તો બીજી વાત એવી છે કે કંસે આકાશવાણી સાંભળી કે એની સગી બહેન દેવકીનું આઠમું સંતાન એનો વધ કરશે.
અમસ્તું પણ જુલમીનું મન અશાંત જ રહે છે. એમાં દેવકીના સંતાનની વાત સાંભળીને કંસે એની બહેન દેવકીને અને એના પતિ વાસુદેવને પગમાં બેડીઓ પહેરાવીને કેદખાનામાં નાખ્યાં અને આઠમા સંતાનની રાહ જોવાને બદલે જે બાળક જન્મે એને કેદખાનાની છીપર ઉપર પછાડીને મારી નાખવા લાગ્યો.
દેવકીને આખરે આઠમું સંતાન જન્મ્યું. એ વખતે શ્રાવણ વદી આઠમની કાળી ઘનઘોર રાત્રી હતી. વરસાદનો સમય હતો. વાસુદેવે આકાશવાણી સાંભળી અને એને અનુસરીને બાળક કૃષ્ણને એક કરંડિયામાં મૂકી, યમુના નદી ઓળંગીને પોતાના મિત્ર નંદને ત્યાં મૂકવા માટે તૈયાર થયા. કેદખાનાના દરવાજા ખૂલી ગયા. ચોકીદારો ઊંઘમાં પડી ગયા. યમુનાએ માર્ગ કરી આપ્યો અને કૃષ્ણને મથુરાના સામા કાંઠે વસેલા ગોવાળોના ગામ ગોકુલમાં મૂકી આવ્યા.
ગોકુળમાં નંદ અને એના ગોવાળો ઘણા જ જોરાવર હતા. વાસુદેવની બીજી પત્ની રોહિણીનાં સંતાન, બલરામ ગોકુળમાં જ ઉછરી રહ્યા હતા. કૃષ્ણ પણ ગોકુળમાં જ પહોંચી ગયા અને કૃષ્ણના બદલે નંદની પત્ની યશોદાને જન્મેલ દીકરી લઈને વાસુદેવ પાછા ફર્યા.ળછોકરીને લઈને એ કેદખાનામાં સહીસલામત દાખલ થયા પછી બાળકના રડવાનો અવાજ સાંભળી ચોકીદારોને ખ્યાલ આવ્યો કે દેવકીને સંતાન જન્મી ચૂક્યું છે. કંસને ખબર આપવામાં આવ્યા. તરત જ કંસ કેદખાને પહોંચ્યો અને દેવકીના ખોળામાંથી બાળકને છીનવીને એને છીપર ઉપર પછાડયું. છોકરી હતી કે છોકરો એ પણ ન જોયું.
પરંતુ એ વખતે એક ભયંકર કડાકો થયો અને કંસને અટ્ટહાસ્ય સંભળાયું: "કંસ, તને મારનારો તો સલામત છે." કંસે જોયું તો છત ફાટી ગઈ હતી અને બાળકી ગુમ હતી.
કંસ કશું બોલ્યા વિના પોતાના મહેલમાં ચાલ્યો ગયો. એને લાગ્યું કે એણે જે જોયું હતું એ માત્ર ભ્રમ હતો. છતાં એના મનમાં ડર પેસી ગયો.
પછીના દિવસો કૃષ્ણ ગોકુળમાં રહીને મોટા થવા લાગ્યા. એનાં પરાક્રમો સાંભળીને કંસને થયું કે દેવકીનો છોકરો કદાચ એ હોય અને ન હોય તો પણ એણે શું ગુમાવવાનું છે, એમ વિચારીને કૃષ્ણને મારી નાખવા માટે મારાઓ મોકલવા લાગ્યો. એવી વ્યક્તિઓમાં પુતના સૌથી જાણીતી વ્યક્તિ છે.
કૃષ્ણ વધુ ને વધુ બળવાન થતા ગયા. કંસ વધુ ને વધુ ડરવા લાગ્યો. કંસને ખાતરી થઈ ગઈ કે કૃષ્ણ અને બલરામ વાસુદેવના જ પુત્રો છે એટલે એણે આખરી ફેંસલો કરી નાખવાનો વિચાર કર્યો. એણે ધનુર્યજ્ઞા કરાવ્યો અને એ જોવા માટે નંદ, યશોદા અને ગોકુળના ગોવાળોને આમંત્રણ આપ્યું અને અક્રૂર મારફત કૃષ્ણ અને બલરામને ખૂબ જ આગ્રહપૂર્વક આમંત્રણ આપ્યું એનો વિચાર બધાની હાજરીમાં જ એ તોફાની છોકરાંઓને પતાવી દેવાનો હતો.
યજ્ઞા સ્થળ મથુરાનાં પુરુષો અને સ્ત્રીઓથી ચિક્કાર ભરાઈ ગયું હતું. કંસ ઊંચા આસને પોતાના અંગરક્ષકો અને અધિકારીઓથી ઘેરાઈને બેઠો હતો. કૃષ્ણ અને બળદેવ આમંત્રણને માન આપીને આવ્યા. એ આવ્યા એટલે કંસની સૂચના મુજબ બળવાન પહેલવાનો એમના ઉપર ધસી ગયા. કૃષ્ણ અને બલરામે એ બધાને પછાડી એમનાં હાડકાં ખોખરાં કરી નાખ્યાં. કંસે બીજા પહેલવાનોને મોકલ્યા એમની હાલત પણ એ જ થઈ. એ જોઈને કંસ ધૂંધવાઈ ઊઠયો એણે હુકમ કર્યો, "એ બેય છોકરાઓને અહીંથી હાંકી કાઢો ગોપ-ગોપીઓને લૂંટી લો. વાસુદેવનો શિરચ્છેદ કરો. મારો બાપ પણ એમની સાથે મળેલો છે એને પણ પૂરો કરી નાખો."
કંસની આજ્ઞા સાંભળીને લોકો નાસભાગ કરવા લાગ્યા. કૃષ્ણને થયું કે જુલમીને પૂરો કરવાની ઘડી આવી પહોંચી છે. છલાંગ મારીને એ કંસના ઊંચા આસન ઉપર ચડી ગયા અને એના વાળ પકડીને નીચે ઘસડી લાવ્યા અને રંગભૂમિમાં જ એને પૂરો કરી નાંખ્યો. કંસનું વેર લેવા કેટલાક લોકો ધસી આવ્યા. બલરામે એ બધાને પતાવી દીધા.
આમ, એક જુલમી રાજાનો અંત આવ્યો. લોકોએ કૃષ્ણને મથુરાના રાજા બનવાનો આગ્રહ કર્યો. ખુદ ઉગ્રસેને પણ એને આગ્રહ કર્યો, પરંતુ એ ન માન્યા અને ઉગ્રસેનને જ રાજા બનાવ્યા. વાસુદેવ અને દેવકી મુક્ત થયાં. મથુરામાં વર્ષો પછી સાચી શાંતિ સ્થપાઈ.
શ્રીકૃષ્ણ અને હઝરત મુસાની કથાઓમાં અમુક રીતે સામ્ય છે. અમુક રીતે તે જુદી છે, પરંતુ એમાંથી એક વાત ફલિત થાય છેઃ રાજસત્તાનો જુલ્મ જ્યારે હદથી વધી જાય છે ત્યારે લોકોમાંથી કોઈક લોકનાયક બહાર આવે છે અને એવી રાજસત્તાનો અંત લાવે છે. થોડાં વર્ષો, થોડા દસકાઓ, કદાચ એકાદ બે સૈકાઓ પણ વીતી જાય, પરંતુ જુલમી રાજસત્તા કાયમ ટકી શકતી નથી.