રેડ રોઝ - દેવેન્દ્ર પટેલ
અમેરિકામાં ૩,૦૦,૦૦,૦૦૦ સીસીટીવી કેમેરા
બ્રિટનમાં ૪૨,૦૦,૦૦૦ સીસીટીવી કેમેરા
દિલ્હીમાં ૧,૦૫૯ સીસીટીવી કેમેરા
દેશમાં ઔદ્યોગિકીકરણની સાથે સાથે શહેરીકરણ વધી રહ્યું છે. શહેરીકરણની સાથે ગુનાખોરી વધી રહી છે. અમદાવાદ જેવાં શહેરોમાં રોજ મહિલાઓના સોનાના દોરા ખેંચાય છે. આંગડિયાની પેઢીની કે બેન્કોની ઓફિસોની બહાર કેશ લૂંટાય છે. નાનાં બાળકોને ઉઠાવી જવાના કિસ્સા વધ્યા છે. ગર્ભશ્રીમંતોની સખત સલામતીને ભેદીને પણ લૂંટના પ્રયાસો થાય છે. આ બધાની સામે પોલીસ નિઃસહાય લાગે છે. દિલ્હીમાં તો ઇઝરાયેલના રાજદૂતની મોટર પર બોમ્બ વિસ્ફોટ થયો. લોકો બેફામ ગાડીઓ ચલાવે છે. આ ગુનાખોરી રોકવા સરકારે ગુનાખોરો પર સીસીટીવીની ત્રીજી આંખ લગાડવી જરૂરી બની ગઈ છે. ગુનાખોરીને ડામવા હવે પ્રજાને હાઈટેક સિક્યોરિટી પૂરી પાડવી આવશ્યક બની ગઈ છે.
દિલ્હી
દેશભરમાં આતંકવાદી હુમલા વધવાની સાથે આ બાબતમાં દિલ્હીએ થોડી પહેલ કરેલી છે. કેટલાક સમય પહેલાં દિલ્હીમાં જાહેરમાર્ગો પર ૬૩ સીસીટીવી કેમેરા લગાવવાની યોજના મંજૂર કરવામાં આવી હતી. આ યોજના હેઠળ દિલ્હીની ૧૮ બહુમાળી ઈમારતો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. દિલ્હીમાં અત્યારે ૧૦૫૯ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. તેમાંથી ૨૦૦ જેટલા કેમેરા નવી દિલ્હીના વિસ્તારમાં છે. દિલ્હીની એક કરોડ કરતાં પણ વધુ વસતી જોતાં આ સંખ્યા ઘણી ઓછી છે. લંડન, ન્યૂયોર્ક કે મેડ્રીડ જેવાં શહેરોના મુકાબલે આ સંખ્યા ઘણી નહીંવત્ છે. અરે, બેંગકોક કરતાં પણ દિલ્હી આ બાબતમાં પાછળ છે. બેંગકોકમાં પણ દિલ્હીની જેમ જ બીજા દિવસે ઇઝરાયેલના રાજદૂતની મોટરને ઉડાડવાનો પ્રયાસ થયો હતો
અને એ ઘટનાનું તમામ વીડિયો ફૂટેજ બેંગકોકની પોલીસને મળી ગયું હતું. દિલ્હીની પોલીસ એવું કોઈ વીડિયો ફૂટેજ ન હોવાથી હવામાં બાચકાં ભરી રહી છે. હવે દિલ્હી સરકારની નીંદર ઊડી છે. હવે દિલ્હીની ૬૩ જગ્યાઓ પર અત્યાધુનિક સીસીટીવી કેમેરા લગાવ્યા બાદ બધા જ સંવેદનશીલ વિસ્તારો ત્રીજી હાઈટેક આંખના કેમેરામાં કેદ થઈ શકશે. બે કરોડ રૂપિયાની કિંમતના આ કેમેરા ઊંચી ઈમારતો પર લગાડવામાં આવશે. પહેલો કેમેરો કોનોટ પેલેસ વિસ્તારમાં લગાવવામાં આવ્યો છે. આ પ્રકારના એક કેમેરાની કિંમત રૂપિયા ૧ કરોડ છે. બધા થઈને રૂપિયા ૧૨૦ કરોડની કિંમતના કેમેરા લગાડવામાં આવશે. આ અત્યાધુનિક કેમેરા ૨૭૦ ડીગ્રી સુધી ફરી શકે છે.
લંડન
આજથી છ વર્ષ પહેલાં લંડનમાં મેટ્રો પર થયેલા આતંકવાદી હુમલા બાદ બ્રિટનમાં કુલ ૪૨ લાખ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. એક અંદાજ મુજબ દર ૧૪ લંડનવાસીઓ પર એક કેમેરા છે. આજે પરિસ્થિતિ એવી છે કે એક વ્યક્તિ લંડનમાં તેના ઘરેથી બહાર નીકળે તે પછી ૩૦૦ વાર તેની તસવીર લંડનના સીસીટીવી કેમેરામાં કેદ થાય છે.
ન્યૂયોર્ક
અમેરિકાની આર્થિક રાજધાની ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદી હુમલા બાદ અમેરિકામાં બધાં શહેરોમાં કુલ મળીને ત્રણ કરોડ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. સહુથી વધુ કેમેરા ન્યૂયોર્ક, લોસ એન્જલસ, શિકાગો અને આંતરિક તથા બાહ્ય સરહદોની ચોકીઓ પર લગાવવામાં આવ્યા છે. આજે ન્યૂયોર્કની વસતીની દૃષ્ટિએ ગુનાખોરી અમદાવાદ કરતાં ઓછી છે. શિકાગો એક જમાનામાં માફિયાનું કેપિટલ ગણાતું હતું હવે શિકાગો એ માફિયાઓનું શહેર નથી. અલ કપોન જેવા ખતરનાક માફિયાઓના યુગનો અમેરિકામાં અંત આવી ગયો છે.
મેડ્રીડ
મેડ્રીડ એ સ્પેનનું આધુનિક નગર છે. ૨૦૦૪માં મેડ્રીડની ટ્રેનમાં બોમ્બ ધડાકા બાદ શહેરની પોલીસે આખું શહેર કવર થઈ જાય એટલી સંખ્યામાં સીસીટીવી કેમેરા લગાવી દીધા છે. મેડ્રીડની પોલીસે એ વાતનો સ્વીકાર કર્યો છે કે ૪૦માંથી ૩૪ આરોપીઓનો તે બોમ્બ ધડાકા પહેલાંથી જ ટ્રેક કરી રહી હતી, પણ તેમને રોકવામાં તે નિષ્ફળ ગઈ. અલબત્ત, સીસીટીવી કેમેરામાં તેમની તસવીરો કેદ થતાં એ ગુનેગારોને પકડવામાં મેડ્રીડની પોલીસ સફળ રહી.
ભાડાના કેમેરા
દિલ્હી પોલીસનો પાછલો રેકોર્ડ બહુ સારો નથી. દિલ્હીની પોલીસ અત્યાધુનિક કેમેરાની ખરીદી કરવાને બદલે ભાડાના કેમેરા લેવાનું વલણ ધરાવતી હતી. ૨૦૧૦ની કોમનવેલ્થ ગેઇમ્સ દરમિયાન પણ કેમેરા ભાડેથી જ લેવાયા હતા. દિલ્હીની પોલીસે ભાડે લીધેલા ૩૭ સીસીટીવી કેમેરા માટે રૂપિયા ૫૨૦૮ની રકમ ભાડા પેટે ચૂકવી હતી. બધા જ કેમેરા દિલ્હીના હાઈપ્રોફાઇલ વિસ્તારોમાં લગાડવામાં આવ્યા હતા. દિલ્હી પ્રશાસનની મુશ્કેલીઓ એ છે કે દિલ્હીમાં જ્યાં જ્યાં આજે થોડા ઘણાં સીસીટીવી કેમેરા લગાડયા છે તેની સારસંભાળ જ થતી નથી. મોટા ભાગના કેમેરા બગડી ગયા હોવાની ફરિયાદો છે. દિલ્હીમાં રોજ ચોરીઓ થાય છે, પરંતુ સીસીટીવી કેમેરા દ્વારા કરવામાં આવેલું ઘણી ઘટનાઓનું વીડિયો રેકોર્ડિંગ પોલીસ પાસે ઉપલબ્ધ જ હોતું નથી. કેટલાક કેમેરા તો એટલા ખરાબ છે કે હત્યા કે અકસ્માત કરી ભાગી જતી મોટરકારનું રેકોર્ડિંગ મળે છે, પરંતુ કારનો નંબર જ વાંચી શકાતો નથી.
કેમેરા બજાર
દેશના આમ આદમી અને તેમની અંગત મિલકતની સુરક્ષા પર દિનપ્રતિદિન જોખમ વધતાં ભારતમાં પણ હવે સીસીટીવી કેમેરાનું બજાર વિશ્વના બીજા દેશોની સરખામણીમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. એક અહેવાલ પ્રમાણે ભારતમાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન કેમેરાના વેચાણમાં ૩૦ ટકાનો વધારો થયો છે. તેની સાથે સાથે બીજાં સુરક્ષા ઉપકરણોના વેચાણમાં પ્રતિવર્ષ ૪૦ ટકાનો વધારો નોંધાયો છે. વીડિયો અને સીસીટીવી કેમેરાનું ભારતમાં રૂપિયા ૧૦૦૦ કરોડનું બજાર છે.
એક શક્તિશાળી સાધન
અપરાધીને પકડવા માટે આખી દુનિયામાં સીસીટીવી કેમેરા હવે એક શક્તિશાળી સાધન તરીકે ઊપસી રહ્યું છે. આ ત્રીજી આંખ પોલીસને ગુના સંશોધનમાં ખૂબ મદદરૂપ સાબિત થાય તેમ છે.
(૧) જિગીશા હત્યાકાંડમાં સીસીટીવીને કારણે જ આરોપીઆના સુરાગ મળ્યા હતા. આરોપીએ જિગીશાના એટીએમ કાર્ડથી જે દુકાનમાં ખરીદી કરી હતી તે દુકાનમાં સીસીટીવી કેમેરા લાગેલા હતા.
(૨) ઓગસ્ટ મહિનામાં દિલ્હીના કારોલ બાગમાં એક વ્યક્તિએ પોલીસને ફરિયાદ કરી હતી કે તેની પાસે રૂપિયા પાંચ લાખ ભરેલી એક બેગ હતી અને એક બાઇક સવાર તે છીનવીને ભાગી ગયો હતો. સીસીટીવી કેમેરાના ફૂટેજથી ખબર પડી હતી કે ફરિયાદી જુઠ્ઠું બોલી રહ્યો હતો.
(૩) તાજેતરમાં કાલકાઝી ખાતે મુથુટ ફાઇનાન્સના એક ગાર્ડને ચાર કર્મચારીઓએ ગોળી મારી દીધી હતી. આખીયે ઘટના કેવી રીતે ઘટી તેનું વીડિયો ફૂટેજ સીસીટીવીને કારણે મળી આવ્યું હતું અને ગુનેગારોની ઓળખ થઈ શકી હતી.
(૪) દિલ્હીના જનકપુરીમાં પાર્ક કરેલી એક મોટરકારની ચોરી થઈ ગઈ હતી. પોલીસે કાર ચોરીની થોડી જ વાર બાદ સીસીટીવી કેમેરાના વીડિયો ફૂટેજને કારણે ચોરના ઘરે જઈ એને પકડી લીધો હતો. આ ચોરે બીજી અનેક કારોની ચોરીઓ કરી હોવાનું કબૂલ્યું હતું.
ગુજરાતમાં ગુનાખોરી વધી ગઈ છે ત્યારે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટને સીસીટીવી કેમેરાથી સજ્જ ક્યારે કરાશે?
www.devendrapatel.in