વોશિંગ્ટન, તા. ૧૮
- ડિયાંગ્લો વિલિયમ્સ પર હત્યા અને હથિયાર રાખવાનો આરોપ
- ગુરુદ્વારામાં ગોળીબાર સાથે આ ઘટનાનો સંબંધ હોવાનો પોલીસનો ઇનકાર
- અજાણ્યા શખ્સોએ દુકાનમાં પ્રવેશીને દલબીરસિંહને ગોળી મારી
અમેરિકામાં ગુરુદ્વારામાં ગોળીબારની ઘટનાનં બે સપ્તાહ બાદ બુધવારે રાત્રે એક વૃદ્ધ શીખની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. આ મામલે એક ૧૬ વર્ષીય કિશોરની ધરપકડ કરવામાં આવી છે. હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા ડિયાંગ્લો વિલિયમ્સ પર હત્યા અને હથિયાર રાખવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસે આ ઘટનાનો ગુરુદ્વારામાં થયેલા ગોળીબાર સાથે કોઈ સંબંધ હોવાની વાતનો ઈનકાર કર્યો છે.
વિલિયમ્સને ત્યાંની સ્થાનિક કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જજે વિલિયમ્સને ૧ કરોડ ૩૧ લાખ રૃપિયાનાં બોન્ડ પર જામીન આપ્યા હતા. સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે આ કિશોરને ફરી સોમવારે કોર્ટમાં હાજર થવું પડશે. વિસ્કોસિનના મિલોવોકીંમાં રહેતા ૫૬ વર્ષીય દલબીરસિંહના ભત્રીજા જતિંદરસિંહ જનરલ સ્ટોર ચલાવે છે. દલબીરસિંહ આ જનરલ સ્ટોરમાં તેમના ભત્રીજાને મદદ કરતા હતા.
આ ઘટના બુધવારની રાત્રે બની હતી. કેટલાક અજાણ્યા શખ્સો દુકાનમાં પ્રવેશ્યા અને તેમણે જતિંદરના માથા પર બંદુક રાખી. જતિંદરે જણાવ્યું હતું કે તે અને તેમના કાકાને આ શખ્સો દુકાના પાછળના ભાગે લઈ ગયા હતા અને દરવાજો બંધ કરતી વખતે તેમાંના એક શખ્સે ગોળી ચલાવી હતી. તે ગોળી દલબીરસિંહને વાગતાં તેમનું મોત થયું હતું. દલબીરસિંહ ઓક ક્રિકમાં આવેલા ગુરુદ્વારામાં દરરોજ દર્શનાથે જતા હતા પરંતુ પાંચ ઓગસ્ટે બનેલી ગોળીબારની ઘટના સમયે તેઓ ત્યાં હાજર ન હતા.
જતિંદરે પોલીસને જણાવ્યું હતું કે તેણે સ્ટોરને બંધ કરતાં પહેલાં વિલિયમ્સને ત્યાં જોયો હતો, તે અંદર આવ્યો હતો અને કશુ જ ખરીદ્યા વિના પરત જતો રહ્યો હતો. તેણે પોલીસ દ્વારા દેખાડવામાં આવેલી વિલિયમ્સની તસવીરોથી તેની ઓળખ કરી હતી, જો કે પોલીસે આને લૂંટફાટની ઘટના ગણાવી છે, પોલીસના કહેવા પ્રમાણે ઓક ક્રિક સ્થિત ગુરુદ્વારામાં બનેલી ઘટના સાથે આ ઘટનાને કોઈ સંબંધ નથી. ગુરુદ્વારામાં થયેલા હુમલામાં ૬ લોકોનાં મોત થયાં હતાં.