ભારતનાં મિશન મંગળને મળનાર બ્રિટિશ સહાયને કારણે બ્રિટનમાં વિવાદ સર્જાયો છે. બ્રિટનની કેમરૂન સરકારે ૨૦૧૫ સુધી દર વર્ષે ભારતને આ મિશન માટે ૨૮ કરોડ પાઉન્ડની સહાય આપવાનો નિર્ણય લીધો છે. ભારતમાં અને બ્રિટનમાં અત્યારે જોરદાર મંદી ચાલી રહી છે. લોકોને અને સરકારને ખર્ચમાં જંગી કાપ મુકવાની ફરજ પડી છે. બ્રિટનમાં લાખો લોકો બેકાર છે ત્યારે જંગી ખર્ચ કરીને માર્સ મિશન આગળ ધપાવવાનું બંને દેશો માટે કેટલું સલાહભર્યું છે તે અંગે વિવાદ જાગ્યો છે. બ્રિટનમાં આ પ્રકારે સહાયનો મામલો સંવેદનશીલ બન્યો છે.
બ્રિટન ૨૦૧૫ સુધી દર વર્ષે ભારતને ૨૮ કરોડ પાઉન્ડની સહાય કરશે
બ્રિટનનાં સાંસદો એવી માંગણી કરી રહ્યા છે કે બ્રિટન દ્વારા અન્ય દેશોને કરવામાં આવતી સહાયનાં બજેટમાં ઘટાડો કરવાની જરૃર નથી પણ ભારત જેવો દેશ કે ઝડપથી સમૃ્ધ્ધ થઈ રહ્યો છે તેને આપવામાં આવતી આવી સહાય બંધ કરવી જોઈએ.
ભારતનાં વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા ૧૫ મી ઓગસ્ટનાં રોજ રાષ્ટ્રજોગ પ્રવચનમાં ભારતનાં મંગળ મિશનની જાહેરાત કરવામાં આવી હતી. બ્રિટનમાં આનો ભારે વિરોધ થયો છે. બ્રિટનનાં સાંસદોને ટાંકીને ત્યાનાં અખબારમાં કહેવામાં આવ્યું છે કે ભારતને આપવામાં આવતી આવી સહાય તત્કાળ બંધ કરવામાં આવે.
બ્રિટિશ સાંસદોનું એવું કહેવું છે કે ભારતે આવા પ્રયોગો કરવા હોય તો તેની પ્રજા પાસેથી વસુલ કરાતા કરવેરામાંથી તેનાં પૈસા ખર્ચે. આ માટે બ્રિટિશર કરદાતાઓની રકમ વેડફવાની જરૃર નથી. ભારતનાં અવકાશી કાર્યક્રમો માટે બ્રિટને સહાય કરવાની જરૃર નથી. બ્રિટનનાં પૈસા બ્રિટિશરોનાં લાભ માટે જ ખર્ચાવા જોઈએ.
'ક્યુરિયોસિટી' ટ્વિટરથી મંગળનાં રહસ્યો મોકલી રહ્યું છે
નાસા દ્વારા મંગળ પર મોકલવામાં આવેલું રોવર 'ક્યુરિયોસિટી' ટ્વિટરથી મંગળનાં રહસ્યો મોકલી રહ્યું છે. ટ્વિટર મારફતે તે દરરોજ મંગળનાં ફોટા અને વીડિયો અપલોડ કરીને મંગળની વિવિધ માહિતી મોકલી રહ્યું છે. 'ક્યુરિયોસિટી' માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ ટ્વિટર પર અત્યંત લોકપ્રિય છે અને તેનાં ૧૦ લાખથી વધુ ફોલોઅર્સ છે. અત્યાર સુધી 'ક્યુરિયોસિટી' એ ૧૨૨૯ વખત ટ્વિટ કર્યું છે અને ૧૫૨ લોકો તેમજ સંસ્થાઓને ફોલો કરે છે.