અમદાવાદ 20, ઓગસ્ટ
વ્યક્તિ (પર્સન) વગેરે શબ્દોનાં અર્થ અને મહત્ત્વ
સર્વિસ ટેક્સની જવાબદારી સેવા આપનાર પર છે. કરપાત્ર સેવા આપનાર વ્યક્તિ હોઇ શકે, ફર્મ (પેઢી) હોઇ શકે, કંપની હોઇ શકે અથવા અન્ય પ્રકારની સંસ્થા પણ હોઇ શકે. કરપાત્ર સેવા આપનાર કોણ છે, અથવા સેવા આપનારનું સ્વરૂપ શું છે, એ બાબત શું કર ભરવાની જવાબદારી અંગે મહત્ત્વની છે ? આ પ્રશ્ન ઘણાં લોકોને મૂંઝવે છે. આ પ્રશ્નનો જવાબ ના.કલકત્તા હાઇકોર્ટે તાજેતરના એક ચુકાદામાં આપ્યો છે, અને તેમાંથી ફલીત થતા સિદ્ધાંતો જાણવા જરૂરી છે.
એમ.એન.દસ્તુર એન્ડ કં.નો ચુકાદો
એમ.એન.દસ્તુર એન્ડ કં.લિ. એ કંપનીના કાયદા હેઠળ રચાયેલી અને નોંધાયેલી એક કંપની છે, અને તે એન્જિનિયરિંગને લગતા કામ તથા સેવાઓ આપવાના વ્યવસાયમાં કાર્યરત હતી. આ કંપની દ્વારા એન્જિનિયરિંગને લગતી સલાહ સૂચન તથા કન્સલટન્સીનું કામ પણ કરવામાં આવતું હતું. કલમ ૬૫ (૧૩) હેઠળ આવરી લેવાયેલ "કન્સલ્ટિંગ એન્જિનિયર" ની સેવા હેઠળ આ કંપનીના કાર્યક્ષેત્રનો સમાવેશ થાય કે નહીં એ પ્રશ્ન અંગે ના.કલકત્તા હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવેલી હતી. દલીલ એ હતી કે "એન્જિનિયરિંગ ફર્મ" એટલે કે પેઢી એવો શબ્દપ્રયોગ કલમ ૬૫ હેઠળ કર્યો હોવાથી "કંપની" પ્રકારની સંસ્થાઓનો આ વ્યાખ્યામાં સમાવેશ થતો નથી, અને તેથી જ્યારે કોઇ "કંપની" આ પ્રકારની સેવાઓ આપે ત્યારે સર્વિસ ટેક્સ ભરવાની જવાબદારી થતી નથી.
સરકારનો તા.૨-૭-૯૭નો પરિપત્ર
આ કેસમાં સરકારે તા.૨-૭-૯૭ના રોજ બહાર પાડેલ પરિપત્ર નં.૪૩/૫/૧૯૯૭- ટી.આર.યુ. ને પણ પડકારવામાં આવેલો. આ પરિપત્ર દ્વારા સરકારે ચોખવટ કરેલી કે "પેઢી" શબ્દમાં "કંપની" નો પણ સમાવેશ થતો હતો, અને કરપાત્ર સેવાઓ આપતી કંપનીઓ પણ પેઢી (ફર્મ) ગણાશે અને ટેક્સ ભરવાને જવાબદાર બનશે. આ પરિપત્ર સરકારની સત્તા બહારનો હોવાનો તથા તેમાં કરેલ ચોખવટ ફાઇનાન્સ એક્ટની જોગવાઇઓથી વિરુદ્ધ હોવાની દલીલો ના. હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. વળી પાર્ટનરશિપ એક્ટની જોગવાઇઓ તથા અગાઉના ચુકાદાઓ પર આધાર રાખી એવી દલીલ કરવામાં આવેલી કે "પેઢી" એટલે ભાગીદારી પેઢી અને "કંપની" તથા ભાગીદારી પેઢીમાં કાયદા પ્રમાણે ઘણું અંતર હોવાથી એન્જિનિયરિંગ ફર્મ પરનો સર્વિસ ટેક્સ કંપની દ્વારા અપાયેલ સેવાઓ પર વસૂલ ન કરી શકાય.
પર્સન, ફર્મ, કન્સર્ન વગેરે શબ્દોનો વ્યાપ
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ઉપરોક્ત ચુકાદામાં ના.હાઇકોર્ટે ઠરાવ્યું છે કે આ બધા શબ્દોનો ઉપયોગ આ કાયદામાં છૂટથી કરવામાં આવ્યો છે, અને આ શબ્દોનો ઉપયોગ કરતી વખતે કોઇ એક ખાસ કે ચોક્કસ પ્રકારનાં વર્ગનો જ સમાવેશ કરવાનો ઉદ્દેશ દેખાતો નથી. 'પર્સન' એટલે કોઇ એક વ્યક્તિ, અથવા 'ફર્મ' એટલે ભાગીદારી પેઢી, એવાં કોઇ હેતુથી આ શબ્દોનો પ્રયોગ આ કાયદામાં કરવામાં આવ્યો હોવાનો ના.કોર્ટે અસ્વીકાર કર્યો છે. ના.કોર્ટે ઠરાવ્યું છે કે આ બધા શબ્દોનો ઉપયોગ કરપાત્ર સેવા આપનારની ઓળખ માટે કરવામાં આવ્યો છે, પણ કોઇ એક પ્રકારની સેવા આપનાર વર્ગને સમાવી બાકીનાને બાકાત કરવાનો કોઇ હેતુ નથી. આ કાયદામાં અપાયેલી અલગ અલગ વ્યાખ્યાઓ તપાસીને ના.કોર્ટે જણાવ્યું છે કે કોઇપણ વ્યાખ્યામાં એવો પ્રયાસ દેખાતો નથી કે 'ફર્મ' અથવા 'કંપની' અથવા 'વ્યક્તિ' નો જ સમાવેશ કરી બાકીની સેવા આપનાર પર આજ સેવા માટે કર વસૂલ ન કરવો. આ પ્રકારના અર્થઘટનને રદિયો આપતાં ના.કોર્ટે ઠરાવ્યું છે કે એવું કોઇ કારણ દેખાતું નથી કે સરકારે કરપાત્ર સેવા આપનાર કોઇ એક વર્ગ પાસેથી કર વસૂલ કરવાનો તથા આવી જ સેવા આપનાર અન્ય વર્ગ પાસેથી કોઇ જ કર નહીં લેવાનો ઇરાદો રાખ્યો હોય. આમ ના.કલકત્તા હાઇકોર્ટે આ ૨૦૦૬(૪) સર્વિસ ટેક્સ રિવ્યુ, પાના નં.૩ પર રજૂ થયેલાં ચુકાદામાં "કંપની" દ્વારા અપાયેલી સેવા પર ટેક્સ નહીં લાગે અને ફક્ત "પેઢી" દ્વારા અપાયેલી સેવા પર જ ટેક્સની વસૂલાત થશે એ દલીલને ફગાવી દીધી છે.
અર્થઘટન માટેનો સિદ્ધાંત
ઉપરોક્ત ચુકાદામાં ના.કલક્તા હાઇકોર્ટે ઠરાવ્યું છે કે આ પ્રકારના કેસમાં જે શબ્દનો ઉપયોગ કાયદામાં કરવામાં આવ્યો હોય તે શબ્દનો સામાન્ય કે સ્વાભાવિક રીતે અર્થ થતો હોય તે અર્થમાં આ શબ્દ સમજવો જોઇએ. ફર્મ કે પેઢી જેવા શબ્દનો સામાન્ય રીતે કોઇપણ વ્યક્તિ કે પેઢી કે કંપની કે ધંધા-વ્યાપારમાં પ્રવૃત્ત વ્યક્તિ માટે કરવામાં આવતો હોવાથી, આ પ્રકારના સામાન્ય કે નેચરલ અર્થમાં આવા શબ્દોનું અર્થઘટન કરવું જોઇએ, આવા શબ્દોનો કોઇ કાયદામાં શું અર્થ અપાયો છે તે જોવાનું રહેતું નથી. વાત, સર્વિસ ટેક્સના કાયદાનો હેતુ સેવાઓ પર કર વસૂલ કરવાનો હોવાથી આવી સેવા કોણ આપે છે તે વાત આ કાયદાના સંદર્ભમાં મહત્ત્વની નથી. આ પાયા ઉપર ના.કોર્ટે ઠરાવ્યું છે કે પેઢી, કંપની, પર્સન, કન્સર્ન વગેરે શબ્દોનો જ્યાં જ્યાં ઉપયોગ થયો છે ત્યાં ત્યાં, સર્વિસ ટેક્સના કાયદામાં, એવું સમજવાનું છે કે આવી સેવા આપનાર દરેક ઉપર ટેક્સની જવાબદારી છે. આ પ્રકારનું અર્થઘટન સર્વિસ ટેક્સના સમગ્ર કાયદામાં, એટલે કે બધા પ્રકારની કરપાત્ર સેવાઓ બાબતે, લાગુ પડશે એ સ્વાભાવિક છે.