અમદાવાદ 20, ઓગસ્ટ
મિલકત કે જે પતિએ વસાવી હોય કે ભાડે લીધેલી હોય અથવા જે મિલકતમાં બંને પતિ-પત્ની સહમાલિક હોય તેવી મિલકતમાં પત્નીને રહેવાનો હક મળે છે અને તેવી મિલકત “Shared Household”
કહેવાય. પરંતુ સાસુ-સસરાની અથવા અન્ય કોઇ કુટુંબની વ્યક્તિની માલિકીની મિલકત જેમાં પત્ની લગ્નબાદ થોડો સમય રહી હોય તે મિલકત “Shared Household”
ગણાય નહીં તેવો સિદ્ધાંત નામદાર સુપ્રીમ કોર્ટે એસ.આર.બત્રા અને બીજા વિ. શ્રીમતી તરુણા બત્રાના કેસમાં પ્રસ્થાપિત કરેલ છે. પ્રોટેકશન ઓફ વીમેન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ-૨૦૦૫ હેઠળ વ્યાખ્યાયીત “Shared Household”
શબ્દનું અર્થઘટન સમજવું જરૂરી છે. આ કેસની ટૂંકમાં હકીકતમાં નીચે મુજબ છે.
હાલની આ અપીલ શ્રીમતી તરુણા બત્રાના સાસુ-સસરાએ તેણી વિરુદ્ધ નામદાર સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી. આ કેસના સામાવાળા શ્રીમતી તરુણા બત્રાના લગ્ન અમીત બત્રા સાથે તા.૧૪/૦૪/૨૦૦૪ ના રોજ થયેલા કે જેઓ આ કેસના એપેલન્ટોના પુત્ર થાય છે. અને તેઓના લગ્ન બાદ સામાવાળા તરુણા બત્રા તેમના પતિ અમીત બત્રા સાથે તેઓની સાસુ યાને એપેલન્ટ નં. ૨ દિલ્હી ખાતેના ઘરમાં બીજા માળે રહેવા ગયેલા. આ કેસની ર્નિિવવાદ હકીકત એ હતી કે બીજા માળે આવેલ દિલ્હી ખાતેનું આ ઘર એપેલન્ટ નં.૨ યાને તરુણા બત્રાની સાસુની માલિકી હેઠળ ચાલી આવેલું. આ મિલકત તરુણા બત્રાના પતિ અમીત બત્રાની માલિકીનું ન હતું. યાને તરુણા બત્રા લગ્ન બાદ પોતાના પતિ સાથે સાસુની માલિકી હેઠળના મકાનમાં રહેવા માંડેલા. ત્યારબાદ અમીત બત્રા અને તરુણા બત્રા વચ્ચે તકરારો ઉપસ્થિત થતા અમીત બત્રાએ પોતાની પત્ની તરુણા બત્રા વિરુદ્ધ ડાયવોર્સ પિટિશન (છૂટાછેડાની અરજી) દાખલ કરેલી. જેનાથી નારાજ થઇ બદલાની ભાવનાથી તરુણા બત્રાએ ઇન્ડિયન પીનલ કોડની કલમ-૪૦૬, ૪૯૮, ૫૦૬, ૩૪ હેઠળ એફ.આઇ.આર. દાખલ કરેલી. જેના અનુસંધાને પોલીસ દ્વારા તરુણા બત્રાના સાસુ-સસરા, પતિ અને નણંદ નાઓની અટકાયત પણ કરેલી. ત્યારબાદ તેઓને ત્રણ (૩) દિવસ બાદ જામીન મુક્ત કરવામાં આવેલા.
ત્યારબાદ તરુણા બત્રાની પોતાના પતિ સાથે ચાલી રહેલી તકરારોને કારણે તરુણા બત્રા પોતાના પિતાના ઘરે (પીયરે) રહેવા માંડેલા. અને તરુણા બત્રાએ એવો આક્ષેપ કરેલ કે તેણી પ્રોપર્ટી નં.બી-૧૩૫ અશોક વિહાર, દિલ્હી ખાતે બીજા માળે આવેલ પોતાની સાસુના ઘરમાં પ્રવેશ કરવા માટે ગયેલા ત્યારે તે ઘર બંધ હતું. આથી તરુણા બત્રાએ મિલકતમાં પ્રવેશ કરવા માટે મનાઇહુકમ મેળવવા દીવાની દાવો નં.૮૭/૨૦૦૩થી સિવિલ દાવો દાખલ કરેલ. અને આ કામના એપેલન્ટો મુજબ આ દાવામાં નીચલી કોર્ટના કોઇપણ જાતના હુકમ થતા પહેલા તરુણા બત્રાએ પોતાના માતા-પિતા સાથે મળી બળજબરીપૂર્વક દિલ્હી ખાતેના તેઓની સાસુના (એપેલન્ટ નં.૨ના) ઘરનું તાળુ ખોલીને અંદર પ્રવેશ કરેલો. અને એપેલન્ટોને પોતાની વહુ તરુણા બત્રા તરફથી ત્રાસ ગુજારવામાં આવતા તરુણા બત્રાના સાસુ-સસરાએ થોડા દિવસો માટે તેઓની ઓફિસે રહેવાની ફરજ પડેલી. વધુમાં એપેલન્ટોએ જણાવેલ કે, પતિ-પત્ની વચ્ચેની તકરારોને કારણે તેઓના પુત્ર અમીત બત્રા યાને સામાવાળાના પતિ ગાઝીયાબાદ ખાતેના તેના પોતાના ફલેટમાં રહેવા માટે જતા રહેલા.
ત્યારબાદ દીવાની મુકદ્દમા નં.૮૭/૨૦૦૩ના કામે નામદાર નીચલી કોર્ટે તરુણા બત્રાની તરફેણમાં ચુકાદો આપેલ અને આ મિલકતના તરુણા બત્રાના કબજાને હરકત અંતરાય કે અટકાયત નહીં કરવા તેના સાસુ-સસરા યાને એપેલન્ટો વિરુદ્ધ કામચલાઉ મનાઇહુકમ ફરમાવેલો. જેનાથી નારાજ થઇ આ કામના એપેલન્ટોએ (સાસુ-સસરાએ) સિનિયર સિવિલ જજ દિલ્હી સમક્ષ અપીલ દાખલ કરેલી. જેમાં નામદાર કોર્ટે તરુણા બત્રાની વિરુદ્ધમાં ચુકાદો આપેલ અને એવું તારણ લીધેલ કે, તરુણા બત્રા દિલ્હી ખાતે આવેલ બીજા માળે આવેલ મકાનમાં રહેતી નથી અને તેમનો પતિ અમીત બત્રા પણ તે પ્રોપર્ટીમાં રહેતા નથી. અને માત્ર પત્ની જ્યાં રહેતી હોય તેને મેટ્રીમોનીઅલ હોમ કહેવાય નહીં. વધુમાં કોર્ટે ઠરાવેલ કે તરુણા બત્રાનો આ મિલકતમાં કોઇપણ પ્રકારનો હક લાગુ પડતો નથી. આથી નામદાર કોર્ટે તરુણા બત્રાના સાસુ-સસરાની અપીલ મંજૂર રાખેલી. અને નામદાર નીચલી કોર્ટે આપેલ કામચલાઉ મનાઇહુકમ રદ કરેલો.
જેનાથી નારાજ થઇ તરુણા બત્રાએ હાઇકોર્ટમાં અપીલ કરેલી. જેમાં નામદાર હાઇકોર્ટે એવું ઠરાવેલ કે, દિલ્હી ખાતેની આ મિલકત તરુણા બત્રાનું મેટ્રીમોનીઅલ હોમ જ કહેવાય. વધુમાં હાઇકોર્ટે ઠરાવેલ કે, તરુણા બત્રાના પતિ અમીત બત્રા ગાઝીયાબાદ રહેવા જતા રહેલ તેનાથી કાંઇ ગાઝીયાબાદનું ઘર તરુણા બત્રાનું મેટ્રીમોનીઅલ હોમ બની જતુ નથી,કે જ્યારે તેના પતિએ પોતાની પત્ની વિરુદ્ધ છૂટાછેડાની અરજી દાખલ કરેલ છે. આથી નામદાર હાઇકોર્ટે ઠરાવેલ કે, દિલ્હી ખાતે બીજા માળે આવેલ આ મકાનમાં તરુણા બત્રા રહેવાનું ચાલુ રાખી શકે. આથી તરુણા બત્રાની અપીલ હાઇકોર્ટે મંજૂર રાખેલી. નામદાર હાઇકોર્ટના આ હુકમથી નારાજ થઇ તરુણા બત્રાના સાસુ-સસરાએ નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ હાલની આ અપીલ દાખલ કરેલી છે.
આ કેસમાં નામદાર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ જણાવેલ કે, તેઓ નામદાર હાઇકોર્ટના તારણથી સહમત નથી. વધુમાં નામદાર સુપ્રીમ કોર્ટે ઠરાવેલ કે, ધી બ્રિટીશ મેટ્રીમોનીઅલ હોમ્સ એક્ટ-૧૯૬૭ જેવો કાયદો ભારતમાં નથી અને કોઇપણ કેસમાં યા કોઇપણ સંજોગોમાં કોઇએ પણ કોઇપણ કાયદા હેઠળ પોતાનો હક માંગવો હોય તો તે માત્ર પોતાના પતિ સામે જ કાર્યવાહી કરી શકે છે, તે માટે પોતાના સાસુ યા સસરા વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય નહીં. હાલના કેસમાં તરુણા બત્રાની સાસુની માલિકીના મિલકત બાબતની તકરાર છે અને આ મિલકત તરુણા બત્રાના પતિ અમીત બત્રાના માલિકીની નથી. વધુમાં તરુણા બત્રાના સાસુએ આ મિલકત ખરીદ કરવા માટે લોન લીધેલાનું અને આ મિલકત જોઇન્ટ ફેમિલિની ન હોવાનું જણાવેલ જેને નામદાર સુપ્રીમ કોર્ટે માન્ય રાખેલ. વધુમાં નામદાર સુપ્રીમ કોર્ટે એવા તારણ ઉપર આવેલ કે ધી પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલેન્સ એક્ટ, ૨૦૦૫ની કલમ-૨ (એસ) મુજબ આ કેસની વિવાદી મિલકત કે જે પતિએ વસાવી હોય કે ભાડે લીધેલી હોય અથવા જે મિલકતમાં બંને પતિ-પત્ની સહમાલિક હોય તેવી મિલકતમાં પત્નીને રહેવાનો હક મળે છે અને તેવી મિલકત “Shared Household” કહેવાય. પરંતુ સાસુ-સસરાની અથવા અન્ય કોઇ કુટુંબની વ્યક્તિની માલિકીની મિલકત જેમાં પત્ની લગ્ન બાદ થોડો સમય રહી હોય તે મિલકત “Shared Household” ગણાય નહી. આમ, છેવટે નામદાર સુપ્રીમ કોર્ટે તરુણા બત્રાની વિરુદ્ધમાં યાને તેના સાસુ સસરાની તરફેણમાં ચુકાદો આપેલ તેમજ નામદાર હાઇકોર્ટનું હુકમ અને નીચલી કોર્ટનું હુકમ રદ જાહેર કરેલ તેમજ સિનિયર જજ સાહેબનો હુકમ કાયમ રાખેલો.
આમ, ઉપરોક્ત કેસ ઉપરથી સ્પષ્ટ થાય છે કે, સામાન્ય સંજોગોમાં કોઇપણ સ્ત્રી પોતાના પતિની મિલકતમાં હક મેળવવા બાબતની કાર્યવાહી કરી શકે છે પરંતુ કોઇ સ્ત્રી સાસુ-સસરાની મિલકતમાં હક બાબત યા રહેવા બાબત પોતાના સાસુ-સસરા વિરુદ્ધ દાવો કરી શકે નહી અને કોઈ સ્ત્રીને સાસુ-સસરાની મિલકતમાં તેમના દીકરા સાથે લગ્ન કરેલા હોવાના માત્ર કારણે રહેવાનો હક મળતો નથી પરંતુ માત્ર પોતાના પતિની માલિકીની મિલકતમાં યા પતિએ વસાવી હોય કે ભાડે લીધેલ હોય તેવી મિલકતમાં જ લગ્ન હક અનુસંધાને રહેવાનો હક મળે છે.