વડોદરા, તા.૨૦
શહેરના ગોત્રી જકાતનાકા પાસેની રળિયાતબાનગર સોસાયટીમાં રહેતા એક કિશોરનું રૂ. ૧ કરોડની ખંડણી માટે અપહરણ કરવાના બનાવમાં શરૂઆતથી સંડોવાયેલા પાડોશી બિપિન પટેલની રવિવારે રાતે ગોરવા પોલીસે ધરપકડ કરી હતી. અપહૃતના પિતા પાસેથી અગાઉ ઉછીના લીધેલા રૂ. ૭ લાખની ઉઘરાણી થતાં કે પછી કોઈ જમીનની તકરારમાં અપહરણ કરાયું હતું.
તે દિશામાં તપાસ કરવા માટે ગોરવા પી.આઈ. ચૌધરીએ આજરોજ સોમવારે અદાલત પાસેથી તા. ૨૭મી સુધીના ૭ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, અર્પણના અપહરણ કેસમાં અગાઉ ધર્મેશ ઉર્ફે લાલો તથા દેશિયો અને બિપિનના સગીર પુત્રની ધરપકડ કરવામાં આવી હતી.
જયારે મુકેશ ઉર્ફે જાડિયો અને જીગો આ બે આરોપીઓને પકડવાના બાકી છે. રિમાન્ડ અરજીની સુનાવણી દરમિયાન પોલીસે અદાલતને જણાવ્યું હતું કે, અર્પણના પિતા સાથે ફોન પર વાત થઈ હતી ત્યારે બિપિન ઉપરાંત અન્ય બે માણસોને સાથે લઈ જવાના હતા. એ બે વ્યકિતઓ કોણ છે ? જેઓની તપાસ કરવા માટે તથા અપહરણ કરવા પાછળનો મુખ્ય ઈરાદો રૂ. ૧ કરોડ હતો કે પછી કોઈ જમીનની તકરાર હતી. તે દિશામાં છાનબીન કરવા માટે આરોપી બિપિનની કસ્ટડી જરૂરી હોવાની રજૂઆત હતી. અપહરણનું કાવતરું કયાં ઘડવામાં આવ્યું હતું. આ પ્રકરણનો મુખ્ય સૂત્રધાર કોણ છે ? તે દિશામાં તપાસ કરવા માટે અદાલતે આરોપીના ૭ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.