અમદાવાદ,તા.૨૦
શહેરના ચાંદખેડા સ્થિત ચંદેશ્વર પાર્ટીપ્લોટ ખાતે કોંગ્રેસે જાહેર કરેલી ઘરનું ઘર યોજનાના ફોર્મ વિતરણ કાર્યક્રમનું દીપ પ્રગટાવીને ઉદઘાટન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે,' ગુજરાત વિકાસ પ્રજા દર્શન ૨૦૧૨ના નેજા હેઠળ ગુજરાતની ૮ મહાનગરપાલિકા અને ૧૫૯ નગરપાલિકા વિસ્તારોમાં આજે ઘરનું ઘર યોજના હેઠળ ૫૬૦ ફોર્મ વિતરણ કેન્દ્રો પર ૨૭ લાખ ફોર્મનું વિતરણ કર્યું હતુ.
- એક સાથે મહિલાઓ ઊમટી પડી હોય તેવો ગુજરાત, દેશમાં રેકર્ડ
- 'આમવર્ગનો એકડો જ ભાજપ સરકારે કાઢી નાખ્યો છે : મોટી સંખ્યામાં મહિલાઓની હાજરી મોદી સરકારની નીતિઓ સામે આક્રોશ દર્શાવે છે'
ગુજરાતમાં એક સાથે આટલી મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હોય તેવો ગુજરાત અને દેશમાં રેકોર્ડ સર્જીને ભાજપની મોદી સરકારની મોટા ઉદ્યોગપતિઓ તરફી નીતિઓ પ્રત્યે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં માત્ર વિકાસના ફળ ઉદ્યોગપતિઓ અને મુડીપતિઓને મળ્યાં છે આમ વર્ગનો તો ભાજપ સરકારે એકડો જ કાઢી નાંખ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો મહિલાઓના નામે ઘરનું ઘર યોજનાને સાકાર કરશે. જો ગુજરાતની મહિલાઓ અને જનતા ૨૦૧૨ની ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડી સત્તા પર બેસાડશે તો કોંગ્રેસ અત્યારે જાહેર કરેલા ઘરનું ઘર યોજનાને આખરી રૂપ આપી, સાકાર કરી, દર વર્ષે ગરીબો અને મધ્યમ વર્ગની મહિલાઓને મકાનો ઉપલબ્ધ કરાવાશે.' મોઢવાડિયાએ જણાવ્યું કે, આજના કાર્યક્રમમાં મહિલાઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ તે બતાવે છે કે, ગુજરાતના વિકાસમાં માત્ર ઉદ્યોગપતિઓને ફાયદો થયો છે. જુદી-જુદી યોજનાઓ માત્ર કાગળ પર રાખીને માત્રને માત્ર જુઠ્ઠાણું ફેલાવીને મુખ્યમંત્રીએ યુવાવર્ગ અને મહિલાઓને વિકાસથી વંચિત રાખ્યા છે.
ગાંધીનગરમાં બેઠેલા મુખ્યમંત્રીએ કેવળ ઉદ્યોગપતિઓને સસ્તાભાવે જમીનોની લ્હાણી કરીને મધ્યમવર્ગ અને નબળા વર્ગો માટે ઘરનું ઘર સ્વપ્ન બનાવી દીધું છે. બિલ્ડરોએ બાંધેલા મકાનોના ભાવ આમ આદમીની ખરીદશક્તિની બહાર છે. મુખ્યમંત્રીએ ઉદ્યોગપતિઓને ૧૫ પૈસાથી લઇને ૧ રૂપિયાના ભાવે લાખો એકર જમીનો પધરાવી દીધી છે. ગરીબો અને મહિલાઓ માટે મકાનો બાંધવા માટે જમીનો ફાળવાઇ નથી. કોંગ્રેસની સરકાર હતી ત્યારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ તેમજ ગુજરાતની અન્ય જગ્યાઓએ ગુજરાત હાઉસીંગ બોર્ડ અને સ્લમ ક્લીરીયન્સ બોર્ડ જેવી સંસ્થાઓ દ્વારા લોકોને સસ્તા ભાવે હપ્તાથી મકાનો ઉપલબ્ધ કરાવ્યા હતા. ત્યારથી લઇને આજદીન સુધી ગુજરાતમાં ગરીબો અને મધ્યમવર્ગના લોકોને સસ્તા ભાવે મકાનો બાંધવામાં આવ્યા નથી. જે કોઇ મકાનો બાંધવામાં આવે છે તે કેન્દ્ર સરકારની ગ્રાંટથી ઇન્દિરા આવાસ યોજના જેવી સ્કીમો દ્વારા બાંધવામાં આવે છે.
મોઢવાડિયાએ જણાવ્યું કે, પાંચ વર્ષે પહેલા ગુજરાતના મુખ્યમંત્રી મહિલાઓને ખાતરી આપી હતી કે,જો તમને કોઇ મુશ્કેલી કે પ્રશ્ન હોય તો ગાંધીનગરમાં તમારો ભાઇ બેઠો છે એને માત્ર એક પોસ્ટ કાર્ડ લખજો તો તમારી સાથે આવીને ઉભો રહેશે. તો આજે તે ભાઇ ક્યાં છે ? મહિલાઓને આ રીતે ઘરનું ઘર માટે રખડવું પડે છે.