મુંબઈ, 21 ઓગસ્ટ
બોલિવૂડ અભિનેતા સલમાન ખાનનાં બ્રાંદ્રા ખાતેનાં ઘરમાં સોમવારે રાત્રે ઈદની પાર્ટી રાખવામાં આવી હતી, જેમાં એક અજાણી યુવતી ઘૂસી ગઈ હતી. આ યુવતી પાર્ટીમાં આવીને પોતાના કેમેરાથી વીડિયો ક્લિપ બનાવવા લાગી હતી અને ફોટા પણ લેવા લાગી હતી. જો કે તેની જાણ થતાં જ તેને પાર્ટીમાંથી બહાર મોકલી દેવામાં આવી હતી.
સલમાન ખાનની બિઝનેસ મેનેજર રેશ્મા શેટ્ટીએ બહાર જતાં પહેલાં આ યુવતીનો મોબાઈલ અને ટેબલેટ લઈ લીધાં હતાં. જેનાથી ગુસ્સે થઈને આ યુવતીએ સલમાનનાં ઘરની બહારથી ગાળો બોલવાની શરૂ કરી દીધી હતી અને પોતાનો મોબાઈલ પરત માંગી રહી હતી.
આ યુવતીએ પાર્ટીમાંથી લગભગ 72 ફોટા પાડ્યાં હતાં અને 30 મિનિટનો એક વીડિયો પણ ઉતાર્યો હતો. જો કે સલમાનની પાર્ટીમાં આવનાર આ યુવતી કોણ હતી, તે માલૂમ થઈ શક્યું નથી. સૂત્રોનાં જણાવ્યાં અનુસાર આ યુવતી કોઈ મીડિયા સાથે સંકળાયેલી છે.