Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 05:47:23 PM IST
 

વોયેજર-૧ સૂર્યમાળામાં સૌથી દૂર પહોંચેલુ માનવસર્જિત યાન (સમયાંતર)

Aug 21, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 1523
Rate: 5.0
Rating:
Bookmark The Article

સમયાંતર - લલિત ખંભાયતા

૩૫ વર્ષ પહેલાં સૂર્યમાળાના કેટલાક ગ્રહો-ઉપગ્રહોના અભ્યાસ માટે રવાના કરાયેલું 'વોયેજર-૧' યાન લેટેસ્ટ સમાચાર પ્રમાણે સૂર્યમાળાના સીમાડા તોડી બહાર નીકળી ગયું છે. પૃથ્વીથી અઢારેક અબજ કિલોમીટર દૂર પહોંચેલું વોયેજર આજની તારીખમાં પૃથ્વીથી સૌથી દૂરનો માનવસર્જિત પદાર્થ છે. અણુ ઊર્જા સંચાલિત આ યાન ક્યાં સુધી પ્રવાસ ચાલુ રાખશે એ કોઈને ખબર નથી પણ વોયેજર તરફથી ૨૦૨૫ સુધી સંદેશાઓ આવતાં રહેશે.

 
વોયેજર ૧ ફેક્ટ ફાઈલ
લોન્ચ    

સપ્ટેમ્બર ૫, ૧૯૭૭

મિશનનો પ્રકાર

ફ્લાયબાય (એટલે કે ગ્રહની સપાટી પર ઊતરવાને બદલે તેની બાજુમાંથી પસાર થવું)

લોન્ચિંગ સાઈટ
કેપ કેનવરલ એરફોર્સ સ્ટેશન
લોન્ચિંગ રોકેટ
ટાઈટન સેન્ટોર
લોન્ચિંગ સમયે વજન
૮૧૫ કિલોગ્રામ
બળતણ 
પ્લુટોનિયમ
ઝડપ
૧૭ કિલોમીટર દર સેકન્ડે
(કલાકે ૬૧,૨૦૦ કિલોમીટર)

મુસાફરીની શરૂઆત નિર્જન આકાશથી થાય છે. ફળિયામાં કે અગાસી પર સૂતાં સૂતાં જેવું આકાશ દેખાય છે એવું જ આકાશ પૃથ્વીથી અબજો કિલોમીટર દૂર પ્રવાસ ખેડી રહેલા વોયેજર-૧ યાનની ચારેતરફ છે. ક્યાંક નવા તારાઓ જન્મી રહ્યા છે, તો ક્યાંક વયોવૃદ્ધ થયેલા તારાઓ સુપરનોવા તરીકે ફાટી રહ્યા છે. કોઈક પુંછડિયા તારા સૂર્યમાળાના દરવાજે દસ્તક દઈ રહ્યા છે, તો કોઈ મહેમાન બનીને પરત જઈ રહ્યા છે. એકાદ દિશામાં ક્વેસાર્સમાંથી રેડિયો એક્ટિવ કિરણોનો ધોધ વછૂટી રહ્યો છે, તો વળી ક્યાંક બ્લેક હોલ મિસ્ટર ઈન્ડિયાની માફક અદૃશ્ય રહીને પોતાનું કામ કરી રહ્યા છે. આકાશગંગાઓ એકબીજાથી દૂર ભાગી રહી છે. એ બધા વચ્ચે કોઈ એક્સ્પ્રેસ હાઈવે પર મધરાતે સાઈકલ સવાર એકલો મુસાફરી કરતો હોય એમ વોયેજર યાન સેકન્ડના ૧૭ કિલોમીટર લેખે પૃથ્વીથી દૂર જઈ રહ્યું છે. તેનો પ્રવાસ તો અનંતકાળ સુધી ચાલવાનો છે. યાન ક્યારે, ક્યાં, કેવા સંજોગોમાં અટકશે તેની કોઈને ખબર નથી. અત્યારે બન્ને વોયેજર સૌથી વધુ તેજ ગતિએ પ્રવાસ કરતાં માનવસર્જિત યાનો છે.

અબજો મીલ લંબે રાસ્તે..

૧૯૭૭ની પાંચમી સપ્ટેમ્બરે 'ટાઈટન-સેન્ટોર' રોકેટમાં બેસી રવાના થયેલા વોયેજર-૧ યાનનું મુખ્ય કામ બે વિશાળ ગ્રહો ગુરુ અને શનિ વિશે વિગતો એકઠી કરવાનું હતું. ૧૯૭૯માં વોયેજર ગુરુની નજીક પહોંચ્યું. ગેસના બનેલા ગોળા ગુરુની આકર્ષક તસવીરો મોકલી. ગુરુ વિશેની માન્યતાઓ ભાંગી અને હકીકતો બહાર આવી. જેમ કે શનીની માફક ગુરુ ફરતે પણ વિશાળ રિંગ (વલય) છે. ગુરુના ઉપગ્રહોની જાણકારી પણ વાયા વોયેજર જ પૃથ્વી પર પહોંચી.

ચાલુ ગાડીએ ઓળખીતા મળે એટલે હાથ ઊંચો કરી લઈએ એમ ગુરુની નજીકથી પસાર થઈને વોયેજર આગળ વધ્યું કારણ વગર કુખ્યાત બનેલા ગ્રહ શનિ તરફ. વિજ્ઞાનીઓને વર્ષોથી શનિ ફરતેના વલયો વિશે જાણવાની તાલાવેલી હતી એ થોડા અંશે વોયેજરે પૂરી કરી. શનિના ઉપગ્રહ ટાઈટન વિશે પણ વોયેજરે જાણકારી ઠાલવી.

શનિ પાસેથી પસાર થયું એટલે વોયેજરના મુખ્ય બે ઉદ્દેશ પૂરા થયા. પણ પછી તેનો પ્રવાસ અટકવાનો ન હતો. અવકાશમાં તે આગળ આગળ વધતું જવાનું હતું એ નક્કી જ હતું. દરેક વોયેજર ૨ નાનકડી અણુભઠ્ઠી વડે ચાલે છે, એટલે સતત સંદેશાઓ મોકલતાં રહે છે. વોયેજર દર વર્ષે ૪ વોટ વીજળી વાપરે છે, એ દરે ૨૦૨૫ સુધી તેના તરફથી આવતી જ્ઞાનગંગાને બ્રેક લાગે એવી શક્યતા નહીંવત્ છે. ૧૯૯૦માં વોયેજરના કેમેરા બંધ કરી દેવાયા છે, એટલે હવે એ કોઈ તસવીરો નહીં માત્ર માહિતી જ મોકલે છે.

એ પછી વોયેજરના રસ્તામાં યુરેનસ, નેપ્ચૂન વગેરે ગ્રહો પણ હતા, પરંતુ એ બધા ગ્રહોનો ભેટો થવાનો ન હતો. એ ગ્રહોની ભ્રમણકક્ષા કાપતું વોયેજર પસાર થયું. હવે તેના પર ખાસ ધ્યાન આપવાની જરૂર ન હતી. પણ યાન તરફથી નિયમિત સંદેશાઓ આવતાં રહેતા. પૃથ્વી પર રહેલાં ૩ અલગ અલગ સ્થળોએ રોજના આઠથી બાર કલાક સુધી વોયેજરના મેસેજ આવતા રહે છે. એ સંદેશાઓને તપાસી વિજ્ઞાનીઓ કંઈ નોંધપાત્ર હોય તો વોયેજર તરફ ધ્યાન આપતા.

આગળ વધતું વોયેજર ૨૦૦૪માં હેલિયોસહિથ કહેવાતા પ્રદેશમાં પ્રવેશ્યું (હેલિયોસ એટલે સૂર્ય). આ પ્રદેશ નામ પ્રમાણે સૂર્યમાળાનું પાદર ગણાય એવો ખાલી પ્રદેશ હતો. એ પછીનો વિસ્તાર વળી હેલિયોસ્ફિયર કહેવાતો હતો. આપણી અનેક સૂર્યમાળાઓ સમાઈ જાય એવડા આ પ્રદેશને વટાવો એટલે સૂર્યમાળામાં વટાવીને જ્યાં આપણે કદાચ ક્યારેય નથી પહોંચી શકવાના એ બ્રહ્માંડનો પટ આરંભાઈ જાય. આ વિસ્તાર ઈન્ટરસ્ટેલર સ્પેસ (તારાઓ વચ્ચેનો ખાલી ભાગ) તરીકે જાણીતો છે. વોયેજર એ દિશામાં આગળ વધી રહ્યું છે..

કેવી રીતે ખબર પડી?

કેવી રીતે ખબર પડે કે વોયેજર ક્યાં પહોંચ્યું, એ સવાલ થાય એ સ્વાભાવિક છે. વોયેજર કે એવાં બીજાં યાનોનો પીછો કરવાના વિવિધ રસ્તા છે. એક તો સૂર્યમાળા વટાવે એટલે યાન સાથે ભટકાતા કણોનો પ્રકાર બદલાઈ જાય. સૂર્યમાળામાં હોય એ સિવાયના કણો સાથે ભેટો થાય એટલે સમજવાનું કે સૂર્યમાળાના 'માર્ગ અને મકાન વિભાગ'ની હદ પૂરી! સૂર્યથી યાન દૂર જતું જાય એમ એમ તેના મેગ્નેટિક ફિલ્ડ (ચુંબકીય ક્ષેત્ર)માં ઘટાડો થતો જાય. યાનને અનુભવાતું મેગ્નેટિક બળ પણ તેનું અંદાજિત અંતર કહી આપે.ળ

૨૦૦૯થી યાનને ભેટતાં સોલાર કણોનું પ્રમાણ ઘટી રહ્યું હતું. મતલબ કે યાન સતત સૂર્યથી દૂર જતું હતું. છેલ્લાં સાતેક વર્ષથી વોયેજર હેલિયોસહિથમાં હતું એટલે તેની આસપાસના અવકાશની સ્થિતિ લગભગ સરખી જ રહી. વોયેજરના વૈજ્ઞાનિક સાધનોમાં ઓળખાતા અવકાશી કણો-પદાર્થો લગભગ સરખા હતાં. એમાં ગઈ ૨૮મી જુલાઈએ વોયેજરને મળતાં કેટલાક કણોનું પ્રમાણ એક ઝાટકે ઘટીને અડધું થઈ ગયું. મતલબ સાફ હતો કે હવે વોયેજર આપણી સૂર્યમાળાની સરહદ (અને વિજ્ઞાનીઓની કલ્પનાની હદ) વટાવી રહ્યું છે.

***

પૃથ્વી પરથી વિવિધ ગ્રહો, ઉપગ્રહો, અવકાશી પદાર્થોના અભ્યાસ માટે ૧૯૬૯માં અમેરિકાએ ચંદ્ર પર એપોલો ૧૧ ઉતાર્યું ત્યારથી આજદિન સુધીમાં ૨૦૦ જેટલાં યાનો આકાશ ખૂંદવા નીકળી પડયાં છે. એ બધામાં પાકટ વયે પહોંચેલા વોયેજર-૧ અને વોયેજર-૨ અનપેક્ષિત રીતે હજુ પણ કાર્યરત છે. કોઈ કારણસર યાન ખોટકાય અને પ્રવાસ અટકી પડે કે સંદેશા મોકલવાનું બંધ કરી દે તો તેમને ભૂલી જવા રહ્યાં. પણ વોયેજર યાનો પૃથ્વીને ભૂલ્યાં નથી. વોયેજર-૧૮ અબજ કિલોમીટરના અંતરે છે, તો વોયેજર-૨ વોયેજર-૧ કરતાં ૩ અબજ કિલોમીટર પાછળ (પૃથ્વીથી ૧૫ અબજ કિલોમીટર દૂર) રહી સૂર્યમાળાથી દૂર જઈ રહ્યું છે. ગયા મહિને વોયેજર-૧ યાન પૃથ્વીથી ૧૮ અબજ કિલોમીટર દૂર હતું. આ અંતર પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતર કરતાં ૧૨૧ ગણુ વધારે થયું. તેનો અવિરત પ્રવાસ ચાલુ છે, એટલે અત્યાર સુધીમાં તો બીજા કેટલાક લાખ કિલોમીટરનું અંતર કાપી લીધું હશે.

ચંદ્ર પર ચડાઈ કરવા ગયેલા એપોલો-૧૩ના ૩ અવકાશયાત્રીઓ આકાશમાં ભૂલા પડયાં ત્યારે તેઓ ૩,૯૭,૮૬૫ કિલોમીટર દૂર પહોંચેલા. એ અંતર કોઈ પણ કાળા માથાના માનવીએ પૃથ્વીથી કાપેલું સૌથી દૂરનું અંતર છે. એનાથી દૂર માણસ ત્યારે જ પહોંચી શકે જ્યારે મંગળ પર સમાનવ યાન મોકલાશે. દરમિયાન વોયેજર એપોલો-૧૩ના અવકાશયાત્રીઓ પહોંચ્યા હતા તેના કરતાં સાડા ચાર હજાર ગણુ દૂર પહોંચ્યું છે!

અનુભવી બેટ્સમેન પહેલા ક્રમે આવી ૧૧મા ખેલાડી સુધી અણનમ રહે એમ વોયેજર અણનમ રહ્યાં છે. સંશોધકોને આશ્ચર્ય એ વાતનું કે ૧૯૭૦ના દાયકાનાં ઉપકરણો ચાર દાયકા પછી આજે પણ એવાં ને એવાં કાર્યરત છે.    

વોયેજર-૧ની સિક્વલ! 

વોયેજર-૧ બાદ તુરંત ૧૯૭૭ની ૨૦મી ઓગસ્ટે એ જ સિરીઝનું બીજું યાન વોયેજર-૨ લોન્ચ કરવામાં આવ્યું હતું. બન્નેની રચનામાં ઘણી સામ્યતા છે એટલે વોયેજર-૨ પ્રવાસના નવા વિક્રમો નોંધાવે તો નવાઈ નહીં. વોયેજર-૨માં પણ પૃથ્વીનો બાયોડેટા મૂકવામાં આવ્યો છે. વોયેજર-૨એ ગુરુ અને શનિ ઉપરાંત યુરેનસ અને નેપ્ચૂનની પણ મુલાકાત લઈ છેવાડાના એ બન્ને ગ્રહોની રચના તપાસી છે. ૧૭૮૧માં ખગોળશાસ્ત્રી વિલિયમ હર્ષલે યુરેનસ (પ્રજાપતિ) ગ્રહની ભાળ મેળવ્યા પછી તેના વિશે ખાસ જાણકારી મળી શકી ન હતી. ૧૯૮૬માં વોયેજર-૨ પ્રજાપતિની મુલાકાતે પહોંચ્યુ ત્યારે ખબર પડી કે બહારથી ગેસનું આવરણ ધરાવતો આ ગ્રહ અંદરથી કઠણ છે. શનિ ઉપરાંત યુરેનસને પણ વલયો છે, એ વાત સંશોધકો જાણતા હતાં પણ વલયોની વિગતવાર જાણકારી વોયેજરની મુલાકાત બાદ મળી. રવાના થયા પછી સતત ૧૨ વર્ષ મુસાફરી કરી યુરેનસ બાદ વોયેજર વરૂણ (નેપ્ચૂન)ની મુલાકાતે પહોંચ્યુ. જોકે અગાઉના બધા ગ્રહો જેમ વોયેજર વરૂણની વિગતો સરળતાથી મેળવી શક્યું નહીં. અબજો કિલોમીટર દૂરના બ્રહ્માંડમાં શું થયું હોય એ તો કોણ જાણે પણ વરૂણ વિશે વોયેજરે આખા શોધ નિબંધને બદલે પ્રસ્તાવના જેવી જ વિગતો મોકલી.

પૃથ્વીનો પરિચય આપતી રેકર્ડ

વોયેજર યાન બે ગ્રહોને લટકતી સલામ કરી દૂર સુદૂરના અવકાશમાં પહોંચવાનું છે એ વિજ્ઞાનીઓને ખ્યાલ હતો. બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય ક્યાંય જીવસૃષ્ટિ છે કે કેમ એ કોઈને ખબર નથી. માટે ધારો કે ક્યાંક આપણા જેવા સજીવો વસે છે એ સજીવોને કોઈક રીતે વોયેજર યાનનો ભેટો થાય તો!? તો એ વખતે એ પરગ્રહવાસીઓને પૃથ્વીનો પરિચય મળી શકે એ માટે ૧૨ ઈંચના વ્યાસની સોનાનો ઢોળ ચડાવેલી તાંબાની એક રેકર્ડ બન્ને યાનોમાં મૂકવામાં આવી છે (રેકર્ડની બન્ને સાઈડની અહીં તસવીરો આપી છે). રેકર્ડમાં પૃથ્વીનો પરિચય મળી રહે એવી ૧૧૫ તસવીરો મુકાઈ છે. એ ઉપરાંત વિવિધ ૫૫ ભાષામાં સંદેશાઓ પણ રેકોર્ડ કરાયા છે. પોણા સત્તર મિનિટની રેકર્ડ કઈ રીતે વગાડવી એની માર્ગદર્શક બુક પણ સાથે મૂકવામાં આવી છે. એટલે ધારો કે કોઈ બીજા ગ્રહના રહેવાસીઓનો વોયેજર સાથે ભેટો થાય, એ પૃથ્વીનો પરિચય આપતી કેપ્સ્યૂલ તપાસે અને તેમાં રહેલી વિગતો તપાસે (જો આવડતું હોય તો) તો કદાચ તેને ખબર પડે કે આપણા જેવો બીજો ગ્રહ પણ છે જેનું નામ અર્થ છે! એ પછી એ કદાચ પૃથ્વીવાસીઓનો સંપર્ક કરે અને આપણી પરગ્રહવાસીઓની શોધ પૂરી થાય. પૃથ્વી કેવી છે એ ખબર પડે એટલે કેપ્સ્યૂલમાં મુકાયેલી ૧૧૫ પૈકી કેટલીક તસવીરોનું લિસ્ટઃ પૃથ્વી, રાતો સમુદ્ર, ડીએનએનું બંધારણ, સ્ત્રી અને પુરુષની શરીરરચના, બાળકનો જન્મ, બાપ-દીકરી, દરિયાકાંઠો, ખરતું પાંદડું, ફૂલ પાસે ઊડતું જીવડું, ડોલ્ફિન, મગર, હાથી, દાઢી અને ચશ્માંધારી આદમી, પર્વતારોહણ, સ્કૂલનો ઓરડો, કપાસની ખેતી, સુપરમાર્કેટ, માછીમારી, ચીનની દીવાલ, તાજમહાલ, ભારતનો ટ્રાફિક, એક્સ-રે, વાયોલીન વગેરે... આ તસવીરો જોઈને કદાચ પરગ્રહવાસીઓ સમજી શકે કે પૃથ્વી પરની રહેણી-કરણી કેવી છે. અલબત્ત, એ બધું ત્યારે શક્ય છે, જ્યારે કોઈ એલિયનનો ભેટો થાય.

lalitgajjer@gmail.com
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com