સુરત,તા. ૨૧
તાપી નદીના ઉપરવાસમાં પાણીની આવકમાં ઘટાડો થતાં ઉકાઈ ડેમની સપાટીમાં ચોવીસ કલાક દરમિયાન ઝાઝો ફેર પડયો ન હતો અને સપાટી આજે સાંજે સાત વાગ્યે ૩૩૪.૧૯ ફૂટે સ્થિર રખાઈ હતી. આજની તારીખનું રૂલ લેવલ ૩૩૪.૧૭ ફૂટ છે જેની સામે સપાટી નીચી રાખવામાં આવી રહી છે.
- ઉકાઈની સપાટી રૂલ લેવલ પ્રમાણે ૩૩૪.૧૯ ફૂટે સ્થિર રખાઈ
આજે ડેમમાં પાણીની આવક ૨૦૮૬૦ રહી હતી અને એટલી માત્રામાં જ હાઈડ્રો મારફત પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે ઉપરવાસમાં હાલમાં વરસાદે વિરામ લેતાં પાણીની આવક હજુ પણ નીચી રહેવાની સંભાવના છે. બીજી તરફ આજે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ક્યાંય પણ વરસાદ નોંધાયો ન હતો.
જ્યારે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાકમાં સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરી છે. સુરત શહેરમાં આજે સવારે છૂટા છવાયા ઝાપટાં બાદ આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેતા લોકોએ ઠંકડ અનુભવી હતી.