નુસખા
દરેક વ્યક્તિને જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ હોય છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે જ્યોતિષશાસ્ત્રમાં કેટલાંક રામબાણ ઉપાયો સૂચવાયા છે. જે ખૂબ જ અસરકારક છે.
ઘરમાં લક્ષ્મીનો સ્થિર વાસ થાય તે માટે
ઘંટીએ ઘઉં દળાવવા જતી વખતે તુલસીનાં અગિયાર પાન ઘઉંમાં નાખી દેવાં. એક લાલ થેલીમાં કેસરના બે તાંતણા અને એક મુઠ્ઠી ઘઉં નાખીને તેને સાથે લઈને મંદિરમાં દર્શન કરવા જવું. ત્યારબાદ તેને દળવાના ઘઉંની સાથે ભેળવી દેવું. આ પ્રયોગ કરવાથી ઘરમાં બરકત આવે છે અને લક્ષ્મીજીનો ઘરમાં સ્થિર વાસ થાય છે. ઘઉં સોમવાર અથવા શનિવારે જ દળાવવા જોઈએ.
પતિ-પત્ની વચ્ચેનુંવૈમનસ્ય દૂર કરવા
રાત્રે સૂતી વખતે પત્નીએ પતિના ઓશિકા નીચે સિંદૂરની એક પડીકી મૂકી દેવી અને પતિએ પત્નીનાં બંને ઓશિકાં નીચે કપૂરની બે ગોટી મૂકી દેવી. સવાર થતાં જ સિંદૂરની પડીકી ઘરની બહાર ફેંકી દેવી અને કપૂરને કાઢીને શયનખંડમાં સળગાવી દેવું.
સંપત્તિ પ્રાપ્તિ માટે
પૂર્વજો દ્વારા છુપાવાયેલા ધનની પ્રાપ્તિ માટે અથવા અન્ય પ્રકારની સંપત્તિ મેળવવા માટે કોઈ પણ સોમવારે ૨૧ સફેદ કાબરચીતરી કોડીઓને સારી રીતે વાટીને તેના ચૂરણને ઘરમાં જ્યાં ધન છુપાવાયું હોવાનું અનુમાન હોય તથા જે સંપત્તિ મેળવવાની ઇચ્છા હોય ત્યાં મૂકી દેવું. જો ખરેખર ધન દટાયેલું હશે તો મળી જશે.
સગાં-સંબંધીઓને આપેલું ધન પાછું મેળવવા
જ્યારે કોઈ પરિચિત કે સગાં-સંબંધીને પૈસા આપ્યા હોય અને પરત ન કરતાં હોય તો ૨૧ શ્વેત કાબરચીતરી કોડીઓને વાટી તેનું ચૂર્ણ બનાવી તેને તે વ્યક્તિ કે સંબંધીના દરવાજા આગળ વિખેરી આવવું. આ પ્રયોગ ૪૩ દિવસ સુધી કરવાથી પૈસા અવશ્ય પાછા મળશે.
વ્યાપારમાં વૃદ્ધિ માટે
* એક લીંબુ લઈને તેના બે કટકા કરવા. તેમાં ચાર લવિંગ મૂકવાં. ત્યારબાદ લીંબુને હાથમાં રાખીને 'ૐ શ્રી હનુમંતે નમઃ' મંત્રનો ૨૧ વખત જપ કરવો. જપ કર્યાં પછી આ લીંબુને પોતાના ખિસ્સામાં મૂકી દેવું. ત્યારબાદ કામકાજ શરૂ કરવું.
* શનિવારે પીપળાનું એક પાન લાવીને તેને ગંગાજળથી ધોઈને તેને હાથમાં રાખી ૨૧ વખત ગાયત્રી મંત્રનો જપ કરવો. ત્યારબાદ આ પાનને ધૂપ આપીને દુકાન કે વ્યવસાય સ્થળે પૈસા રાખવાની જગ્યાએ મૂકી દેવું. આ પ્રયોગ દર શનિવારે કરતા રહેવું અને પાન બદલતા રહેવું. જૂનું પાન પીપળાના મૂળ પાસે મૂકી આવવું. આ પ્રયોગ શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક કરવાથી કારોબારમાં પ્રગતિ થાય છે.
પરિવારમાં શાંતિ જાળવવા
જો ઘરમાં અશાંતિનું વાતાવરણ રહેતું હોય, ક્લેશ થયા કરતો હોય તો કોઈ પણ બુધવારે માટીમાંથી વાઘનું રમકડું બનાવવું. તેના ગળામાં લાલ દોરી બાંધવી, લાલ તિલક કરવું અને માતાજીના મંદિરમાં જઈને મૂકી આવવું. માતાજીને પોતાના પરિવારમાં શાંતિ સ્થપાય તે માટે પ્રાર્થના કરવી. આ પ્રયોગ નિષ્ઠા અને શ્રદ્ધાપૂર્વક કરવાથી પરિવારમાં ધીરે-ધીરે શાંતિનું વાતાવરણ સ્થપાય છે.
કોઈ રોગનો ભોગ બન્યા હો ત્યારે
સૂતી વખતે ઓશીકું અને માથું પૂર્વ દિશા તરફ રાખીને સૂવું. શયનખંડમાં બરાબર મધ્યમાં ગોળ વાટકીમાં મીઠાના ગાંગડા રાખવા તે સાથે ચાર રતી ચાંદીની વીંટીમાં સોનાને જડાવી સુદ પક્ષના કોઈ પણ ગુરુવારે ડાબા હાથની તર્જની આંગળીમાં તે વીંટી ધારણ કરવી.