તંત્રવાસ્તુ - વાસ્તુગુરુ સંતોષ
દરેક મનુષ્યને પોતાનું ઘર બનાવવાની ઇચ્છા હોય છે. જે વ્યક્તિ પાસે ઘર હોય તે વ્યક્તિ હજુ પણ મોટા આલીશાન ઘરનું સ્વપ્ન જોતી હોય છે. જે-તે વ્યક્તિના ભાગ્યમાં મકાન છે કે નહીં તેની જાણકારી તેની જન્મકુંડળીમાંથી મળી જતી હોય છે. દરેક વ્યક્તિના ભાગ્યમાં મકાન સુખ લખેલું તો હોય જ છે, પરંતુ કેવા મકાનમાં રહેવા જશો, મકાનમાં લાંબો સમય રહેશો કે નહીં, પોતાનું મકાન ન હોય તો મકાનના યોગો ક્યારે આવશે, કેવું મકાન લેવાશે? વગેરે બાબતોનો ખ્યાલ જન્મકુંડળી પરથી ચોક્કસ રીતે મળી જતો હોય છે. વળી મકાનમાં વાસ્તુદોષ છે કે નહીં અથવા કઈ દિશામાં શું છે તે પણ જન્મકુંડળી પરથી ખબર તો પડે જ છે.
જન્મકુંડળીમાં ચોથું સ્થાન (ઘર) સુખસ્થાન કહેવાય છે અને ચોથા સ્થાનથી મકાનસુખ, વાહનસુખ, માતાનું સુખ, જીવનની અંતિમ સ્થિતિ વગેરે બાબતોનો ખ્યાલ આવી જતો હોય છે. કોઈ પણ વ્યક્તિ જન્મકુંડળીમાં ચોથું સ્થાન જોઈને આ બધી બાબતોનો સામાન્ય અંદાજબાંધી શકે છે. ચોથા ભાવમાં શુભ ગ્રહ રહેલા હોય તો મકાનના યોગો વહેલા ઉપસ્થિત થાય છે. ચોથા સ્થાનનો સ્વામી કેન્દ્ર-ત્રિકોણમાં હોય તો વ્યક્તિ સારા મકાનમાં રહેવા જતી હોય છે. ચોથા ભાવનો સ્વામી સ્વગ્રહી મૂળ ત્રિકોણ રાશિમાં હોય અને નવમાંશ કુંડળીમાં શુભ થતો હોય તો સારા મકાનમાં રહેવા જતી હોય છે. તે સુંદર મકાન હોય છે. જન્મકુંડળીમાં મંગળ બળવાન હોય અને લગ્નમાં અથવા તો ત્રિકોણ સ્થાનમાં શુભ થતો હોય તો જમીન સાથેનું મકાન પ્રાપ્ત થાય છે.
ચોથા સ્થાનના સ્વામી અને પ્રથમ
લગ્ન સ્થાનના સ્વામી વચ્ચે પરિવર્તન થતું હોય તો પણ સારું, સુંદર મકાનનું સુખ પ્રાપ્ત થતું હોય છે.
બંગલો અથવા લક્ઝુરિયસ ફલેટ બાબતનું સુખ
* ચોથા સ્થાનમાં સ્વગ્રહી રાશિનો ચંદ્ર હોય અથવા તે પછી ગ્રહ ઉચ્ચ રાશિમાં ચોથા ભાવમાં હોય અથવા ચોથા સ્થાનનો સ્વામી કેન્દ્ર-ત્રિકોણમાં ઉચ્ચ રાશિમાં હોય તો સુંદર બંગલો અથવા તો લક્ઝુરિયસ ફ્લેટનું સુખ પ્રાપ્ત થાય છે.
* જન્મકુંડળીમાં ચોથા સ્થાનમાં ચાર રાશિ (મેષ, કર્ક, તુલા, મકર) હોય અને ચોથા સ્થાનનો સ્વામી પણ ચાર રાશિમાં બેઠેલો હોય એવી વ્યક્તિ પાસે જમીન બાબતનું સારું સુખ હોય છે.
* કેન્દ્ર (જન્મકુંડળીનું ૧, ૪, ૭, ૧૦મું સ્થાન) ત્રિકોણ (જન્મકુંડળીનું ૩, ૫, ૯મું સ્થાન) સ્થાનમાં જેટલા શુભ ગ્રહો હોય તેટલાં મકાનનું સુખ પ્રાપ્ત થતું હોય છે.
* ચોથા સુખ સ્થાન અને નવમા ભાગ્ય સ્થાનના સ્વામીનું પરિવર્તન થતું હોય તો યુવા અવસ્થામાં જ મકાનસુખ પ્રાપ્ત થઈ જતું હોય છે.
* લગ્નમાં ચોથા અને સાતમા સ્થાનના સ્વામીની યુતિ થઈ હોય અને ચોથા સ્થાન પર શુભ ગ્રહની દૃષ્ટિ પડતી હોય તો અચાનક જ મકાનસુખ પ્રાપ્ત થઈ જતું હોય છે અથવા તો વારસામાં મકાન સુખ મળી જતું હોય છે.
* ચોથા અને દશમા સ્થાનના સ્વામી કેન્દ્ર-ત્રિકોણમાં શુભ દૃષ્ટિયુક્ત હોય તો સરકારી મકાન પ્રાપ્ત થતું હોય છે.
* ચોથા સ્થાનના સ્વામી સાથે તૃતીય ભાતૃસ્થાનના સ્વામીની યુતિ થઈ હોય અને ચોથા ભાવમાં મંગળ હોય અથવા આ ગ્રહો ઉપર મંગળની દૃષ્ટિ પડતી હોય તો ભાઈઓથી, કુટુંબથી ભાગલા પડયા બાદ મકાન પ્રાપ્ત થતું હોય છે.
* જન્મકુંડળીમાં સપ્તમેશ ઉચ્ચનો શુભ થતો હોય અને શુક્રની સ્થિતિ શુભ સાતમા સ્થાનમાં હોય, તો સાસરી પક્ષ તરફથી મકાનસુખ પ્રાપ્ત થતું હોય છે.
* ચોથા સુખસ્થાન અને છઠ્ઠા શત્રુસ્થાન વચ્ચે પરિવર્તન થતું હોય કે પછી યુતિ, દૃષ્ટિ સંબંધ થતો હોય તો કોર્ટ કચેરી કે પછી ઝઘડા થયા બાદ મકાનસુખ હાંસલ થતું હોય છે. આવા યોગોમાં ચોથા સ્થાનનો સ્વામી મજબૂત બનતો હોવો જોઈએ.