રાજ કપૂરની દરેક ફિલ્મમાં કમાલ એ હતી કે તેઓ ફિલ્મમાં જીવંત અભિનય કરતા અને તેમાં તેમને સાથ મળતો નરગિસનો. 'આવારા' તો બેમિશાલ ફિલ્મ હતી જ કેમ કે, તેમાં વધુ એક કપૂર હતા પૃથ્વીરાજ.
દે શ આઝાદ થઈ ગયો હતો, પણ શું આ દેશની સ્ત્રી આઝાદ હતી? પુરુષો પોતાની શંકાની હદો કેટલે સુધી લઈ જાય છે તેની કોઈ સીમા નથી. રામાયણમાં સીતાની અગ્નિપરીક્ષા શું હતું? આજે પણ સ્ત્રીનું કોઈ મૂલ્ય નથી. જેમ એક ધોબીની શંકાથી રામે સીતાનો ત્યાગ કર્યો હતો તેમ 'આવારા' પણ એક પતિભક્ત પત્નીની કથા છે. સમાજની શંકાને અને પોતાના નામને ઉજાગર રાખવા માટે સ્ત્રીનો ત્યાગ કરવો એ ભારતના પુરુષોનું વાસ્તવિકરૂપ હતું. સ્ત્રીનાં બલિદાન અને ત્યાગને એક ક્ષણ પણ યાદ કર્યા વગર પતિ જ્યારે તેની પત્નીને ઘરેથી કાઢી મૂકે છે અને એ પણ ત્યારે જ્યારે તે ગર્ભવતી હોય છે. ત્યારે તેની પાસે શું રસ્તો હોય? નથી તે પોતે જીવી શકતી કે નથી મરી શકતી. સર્જન થાય છે તો માત્ર એક સમાજમાં ઊભરતા દૂષણનું. ખ્વાજા અબ્બાસે અને વી.પી.સાઠેએ ભારતના સામાજિક ચિત્રને પડદા પર બખૂબી લખી બતાવ્યું છે.
શરીફોના સિદ્ધાંતો
જસ્ટિસ રઘુનાથ અને તેની પત્ની લીલા ખુશખુશાલ પરિવારમાં પોતાનું જીવન વિતાવે છે. એકબીજાંને બેહદ પ્યાર કરતું આ યુગલ પ્રેમની રસધારા વહાવે છે. એક દિવસ રઘુનાથ કોર્ટમાં જગ્ગા નામની વ્યક્તિને એટલા માટે સજા આપે છે કેમ કે, તે એક ડાકુનો દીકરો હતો. શરીફ કા બેટા શરીફ ઔર ડાકુ કા બેટા ડાકુ હી હોતા હૈ! એવો નિર્ણય જાહેર કરીને તેને સજા અપાવે છે. જગ્ગા પોતાની સાથે થયેલા વ્યવહારનો બદલો લેવા લીલાને ઉપાડી જાય છે. જ્યારે જગ્ગાને ખબર પડે છે કે લીલા ગર્ભવતી છે ત્યારે તે તેને પાછી ઘરે મોકલી આપે છે. જગ્ગા જાણતો હતો કે શરીફ લોકોનો સમાજ ક્યારેય આ પવિત્ર સ્ત્રીને નહીં સ્વીકારે. લીલા ઘરે આવી જવાથી રઘુનાથ ખુશ થઈ જાય છે પણ પુરુષોના શંકાશીલ સ્વભાવ તેના મનમાં ઘર કરી જાય છે. સમાજ અને તેના ભાભીની વાતને માનીને અદાલતનો ન્યાયાધીશ આજે પોતાની પત્નીને ચુકાદો આપે છે કે બની શકે તારા પેટમાં જગ્ગાનું ખૂન છે અને પોતાની પત્નીને માત્ર એક શંકાને કારણે ઘરમાંથી કાઢી મૂકીને રઝળતી મૂકી દે છે.
સમાજ દર્પણ
ભટકતી ગર્ભવતી લીલા રાજને જન્મ આપે છે. જગ્ગા ડાકુ પાછલા દરવાજે બધી હિલચાલને જોતો હોય છે. તેને સાબિત કરવું હોય છે કે શરીફનો દીકરો પણ ચોર હોય છે. લીલા ગરીબીમાં પણ રાજને ભણાવવાની કોશિશ કરે છે. ઘરની પરિસ્થિતિ અત્યંત નાજુક હોવાથી રાજ ભણવાની સાથે બૂટ-પોલિશનું કામ કરે છે. જે સ્કૂલમાં તે ભણતો ત્યાં રીટા તેની ખાસ દોસ્ત હોય છે. રીટાના પિતાને તો તેની રાજ સાથેની દોસ્તી સામે કોઈ વાંધો નથી, પણ જજ રઘુનાથને તે પસંદ નથી. ગરીબનો જો ભગવાન નથી તો આ દુષ્ટ સમાજની તો વાત જ ક્યાં કરવી! શાળામાં રાજ જે કામ કરે છે તેની સામે વાંધો ઉઠાવીને તેને શાળામાંથી કાઢી મૂકવામાં આવે છે. રીટાના પિતા પણ તે શાળા બદલાવી નાખે છે જેથી રાજને તેની ખબર ના પડે. બધેથી પસ્તાયેલ રાજ આજે પોતાનાથી પસ્તાય છેે. જગ્ગાએ તેને પહેલાં પણ પોતાની સાથે કામ કરવા મજબૂર કર્યો હતો, પણ રાજે તે રસ્તો ના અપનાવ્યો. ભૂખી માને ખવરાવવા રોટીની ચોરી કરતા પકડાઈ જતા રાજુને જેલ થાય છે અને જન્મ થાય છે આવારા રાજનો. જે ખોટું બોલતા પણ અચકાતો હતો તે શહેરનો સૌથી મોટો ચોર બની જાય છે.
પ્રેમ જીવંત છે
૧૨ વર્ષ પહેલાંની દોસ્તી ફરીથી મળવાની હતી. ચોર રાજુ આજે જે ચોરી કરવા જતો હતો એ રીટાના પર્સની હતી. પર્સમાં કશું મળતું નથી, પણ દિલ જીતવાનો રસ્તો મળી જાય છે રાજને. જ્યારે રીટા તેને કહે છે કે મને એમ કે ચોરી તમે કરી છે ત્યારે રાજ કહે છે મેરી સકલ હી ઐસી હૈ પુલિસ ભી ધોખા ખા જાતી હૈ. પોલીસથી બચવા અજાણ્યા ઘરમાં (અજાણ્યું તો નહીં પણ પોતાના પિતાનું) ઘૂસી જતો રાજ ત્યાં રીટાને મળે છે. બાળપણની એક ઝાંખી મળે છે અને વર્ષો જૂનો પ્રેમ ફરીથી જીવંત બને છે. રીટાને દરેક જવાબમાં રાજ કહેતો કે હું ચોર છું, પણ રીટા તેને મજાક સમજતી. રાજ રીટાના જન્મદિવસ પર કીમતી હાર ભેટ આપે છે અને કહે છે આ પણ ચોરી કરીને જ લાવ્યો છું અને એ હાર પણ તેણે જજ રઘુનાથનો જ ચોર્યો હોય છે જે રીટાને આપવા માટે લાવ્યો હોય છે. રીટા સામે હકીકત આવે છે અને તેનું દિલ તૂટી જાય છે કે શું મેં એક ચોરને પ્રેમ કર્યો?
કાનૂન દિલ કી નહીં સુનતા
કથા હવે અંત તરફ જઈ રહી છે. પોલીસથી બચવા જગ્ગો રાજના ઘરમાં સંતાવા જાય છે અને લીલાને પોતાની ઓળખ આપે છે. પોલીસને ખબર ના પડી જાય તે માટે તે લીલાને મારી નાખવાની કોશિશ કરે છે ત્યાં રાજ આવી જાય છે અને જગ્ગાનું ખૂન કરી નાખે છે. રાજને ખબર પડે છે કે તેનો બાપ બીજું કોઈ નહીં, પણ જજ રઘુનાથ છે. રીટા પણ હકીકતને જાણે છે. કોર્ટમાં કેસ શરૂ થાય છે. શરીફ માણસો સમાજ સામે વાસ્તવિકતા સ્વીકારતા નથી તેમ રઘુનાથ તેના દીકરા રાજને સ્વીકારવાની ના પાડે છે, પણ...
ફિલ્મ ૧૯૫૧ની છે, પણ હકીકત તો આજની હોય તેવું લાગે છે. ભારતીય સિનેમા પાસે કેવી કલા હતી એ આજના જિસ્મ વેચનારા અને જોનારા દર્શકો નહીં સમજી શકે. દરેક એમ માનતા હોય છે કે જૂની ફિલ્મોનાં બધા વખાણ કરે, પણ 'આવારા' તમને સાબિત કરી આપશ, કે નહીં ભારતીય ફિલ્મો આટલી સરસ બની હતી અને કહેશો ખરેખર રાજ કપૂર પડદા પર કમાલ કરી આપતા હતા. ગીત-સંગીતના અદ્ભુત તાલમાં બનેલી 'આવારા' રશિયામાં ભારતની સૌથી મોટી હિટ ફિલ્મ બની હતી. ચાઇનામાં 'આવારા હૂં' ગીત ખૂબ લોકપ્રિય બન્યું હતું અને ૨૦૦૦માં ચાઇનીઝ દિગ્દર્શક ઝેંગ કે જિયાએ 'આવારા'ની સ્ટોરી પરથી પ્રેરણા લઈને 'પ્લેટફોર્મ' નામની ફિલ્મ બનાવી હતી. તુર્કીમાં ૧૯૬૪માં 'આવારા'ની રિમેક તુર્કી દિગ્દર્શક સેમિહ એવિને 'અવરે' નામે ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મથી રશિયામાં ભારતને રાજ કપુરના નામથી ઓળખવામાં આવતું. આવારાને સન્માનની જરૂર નથી. કેમ કે આ ફિલ્મ ભારતીય સિનેમાનું સન્માન છે. વિશ્વભરના તમામ ફિલ્મ ફેસ્ટિવલમાં સન્માન પ્રાપ્ત કરનાર 'આવારા' ફિલ્મને ૨૦૧૨માં ટાઇમ મેગેઝિને ઘમાં સ્થાન આપ્યું
હતું.
vekariadivyesh@gmail.com