મેંગ્લોર,
તા. ૨૫
- માલ્યાએ ૮૦ લાખનું ગોલ્ડ પ્લેટેડ બારણું મંદિરને દાન કર્યું
- મેંગ્લોરના કુક્કે સુબ્રમણ્યમ મંદિરને અગાઉ પણ ગોલ્ડ પ્લેટેડ બારણું દાન કરી ચૂક્યા છે
- માનતા પૂરી થશે તો ત્રીજું બારણું મંદિરને દાન કરશે
સાંસદ અને કિંગફિશર એરલાઇન્સના માલિક વિજય માલ્યાએ મેંગ્લોરના કુક્કે સુબ્રમણ્યમ્ સ્વામી મંદિરને ૨.૪ કિલોગ્રામનું સોનાનો ઢોળ ચડાવેલું બારણું દાન કર્યું છે, ઉપરાંત જો પોતાની ઇચ્છાઓ પૂરી થશે તો ફરીથી આવી કીમતી વસ્તુ મંદિરને ભેટ આપવાનો સંકલ્પ લીધો છે. ગયા વર્ષે એપ્રિલમાં તેમણે પહેલી વાર આ મંદિરમાં દર્શન કર્યાં હતાં ત્યારે સોનાનો ઢોળ ચડાવેલો દરવાજો મંદિરને આપવાનો સંકલ્પ કર્યો હતો. મંદિરને બારણું ભેટમાં આપ્યા બાદ મંદિરના સત્તાવાળાઓ તરફથી માલ્યાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
છ ફૂટના આ દરવાજાની કિંમત ૮૦ લાખ રૂપિયા છે, તેનાં પર નકશીકામ પણ કરવામાં આવ્યું છે. મંદિરમાં ચાર બારણાં છે. માલ્યાએ અગાઉ પણ આ મંદિરને ગોલ્ડ પ્લેટેડ બારણું ભેટમાં આપ્યું હતું, હવે તેમના તરફથી ફરી બીજું બારણું ભેટમાં આપવામાં આવ્યું છે. બારણાના સોનાના ઢોળ પરનું નકશીકામ સુધાકર ડોંગરે નામના કારીગર અને તેમની ટીમે કર્યું છે, તેમને આ બારણાનું કામ પૂરું કરવામાં અઢી મહિનાનો સમય લાગ્યો હતો. સોનાના ઢોળ પર ખૂબ જ સુંદર રીતે નાગ અને વેલની કૃતિની કોતરણી કરવામાં આવી છે.
દરવાજો દાન કર્યા બાદ પત્રકારોને સંબોધતાં માલ્યાએ કહ્યું હતું કે, 'બિઝનેસમાં ઉતાર-ચડાવ આવતા રહે છે. હું ભગવાનની કૃપાથી ફરીથી સફળ થઈશ. હું કોલુર મુકામ્બિકા મંદિર, તિરુમાલા વેંકેટરામન મંદિર અને કુક્કે સુબ્રમણ્યમ મંદિરની મુલાકાત લઈ રહ્યો છું.'