Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 11:25:35 PM IST
 

તો, વિલાસરાવ દેશમુખનો દેહ આજે હયાત હોત ! અંગદાન

Aug 27, 2012 Supplements > Daily Columns
 
comment     E-Mail     Print    
 
Viewed: 173
Rate: 0
Rating:
Bookmark The Article

નોટ ટુ પોઈન્ટ - રાજેન્દ્ર રાવલ

કેન્દ્રના એક મંત્રી વિલાસરાવ દેશમુખનું ચેન્નઈની ગ્લોબલ હોસ્પિટલમાં નિધન થયું હતું. લીવર અને કિડની ખરાબ થઈ જવાથી કેન્દ્રના વિજ્ઞાાન અને ટેક્નોલોજી પ્રધાન દેશમુખનું દેહાંત થયું, હોસ્પિટલના સર્જનને આશા હતી કે સમયસર કોઈએ લીવર દાનમાં આપ્યું હોત તો દેશમુખ બચી ગયા હોત. દેશમુખને મુંબઈને બદલે ચેન્નઈની હોસ્પિટલમાં એટલા માટે એડમિટ કરાયા હતા કે જરૂર પડયે તેમનું લીવર અને કિડની બદલી શકાય, અંગદાન માટે તમિળનાડુ ભારતનું મોખરે રહેલું રાજ્ય છે. એવી આશા હતી કે દેશમુખને વખત આવ્યે માનવ અંગ દાનમાં મળી જશે, પરંતુ એ આશા ઠગારી નીવડી. ચેન્નઈ પહોંચ્યા પછી પહેલા ચાર દિવસ સુધી હોસ્પિટલને માનવ અંગ મળ્યાં નહીં. વિલાસરાવ દેશમુખના પુત્રોએ તબીબોને વિનંતી કરી હતી કે, તેમના શરીરના લીવરનો કેટલોક ભાગ દાન કરવા ઇચ્છે છે. વિલાસરાવને આખા પૂરા લીવરની જરૂર હતી. વાત આગળ વધી નહીં, વહીવટીય અને વ્યવસ્થાની અનેક અડચણો આવી. વિલાસરાવનું નામ તમિળનાડુ ઓર્ગન રજિસ્ટ્રેશન કાર્યાલયમાં સુપર અરજન્ટ કેટેગરીમાં નોંધ કરવામાં આવ્યું. આ ડિપાર્ટમેન્ટ એક આખો દિવસ વિલાસરાવ માટે લીવર દાનમાં લેવા ફર્યું, કોઈ આગળ આવ્યું નહીં. તેના પછી બીજા દિવસે બપોરે ડોક્ટરોને ખબર પડી કે, ચેન્નઈની કોવલમ્ની સરકારી હોસ્પિટલમાં ૩૧ વર્ષની વયનો એક યુવાન માર્ગ અકસ્માત પછી 'બ્રેઈન ડેડ' જાહેર કરાયો છે. રાત્રે નવ વાગ્યા સુધી એ યુવકના પરિવારને અંગદાન કરવા માટે સમજાવવામાં આવ્યો.

દેશમુખની સારવાર કરતાં તબીબોની ટીમ રાતે દસ વાગ્યે કોવલમ્ હોસ્પિટલ પેલા યુવક પાસે પહોંચી ત્યારે માર્ગ અકસ્માતની તપાસ કરતા અધિકારીની ગેરહાજરી હતી. તે પોલીસ અધિકારી સરકારી હોસ્પિટલથી ચાલીસ કિલોમીટર દૂર રહેતા હતા, અધિકારી ચાલીસ કિલોમીટર દૂરથી આવે તે પહેલાં મૃતકના પરિવારજનો અંગદાન કરવાના નિર્ણયથી વિપરીત થઈ ગયા. અહીં વિલાસરાવ દેશમુખની હાલત ગંભીર થતી જતી હતી, ડોક્ટરોની રાહ જોવાતી હતી. આ બધી સ્થિતિ વચ્ચે અને આખરે બ્રેઈન ડેડ યુવકનું મોત થયું. તેનું લીવર કોઈના કામ આવ્યું નહીં. વિલાસરાવ લીવરના અભાવે છેલ્લાં ડુસકાં લઈ રહ્યાં હતાં, કેન્દ્રના એક પ્રધાન લીવરના અભાવે મૃત્યુ પામ્યા. અલબત્ત, વિલાસરાવના મોતે ફરી એકવાર માનવ અંગદાન માટેની સમાજની ઉદાસીનતા માટે આંગળી ચીંધી છે. દેહદાન અને અંગદાનની પ્રવૃત્તિ માટે જાગૃકતા વધારવા માટે સમાજને સજાગ કર્યો છે. એક બ્રેઈનડેડવાળા દર્દીનાં અંગોનું દાન કરવામાં આવે તો તેનાં ૩૭ અંગો બીજા દર્દીને નવું જીવન આપે છે. જેમાં હૃદય, કિડની, લીવર, ફેફસાં અને પેન્ક્રિયાઝ જેવાં અમૂલ્ય અંગોનો સમાવેશ થાય છે. દાક્તરોના કહેવાનુસાર એક બ્રેઈનડેડ દર્દીના અંગોથી ચાલીસ નવા દર્દીઓને જીવનદાન મળે છે.

ભારતમાં સામાજિક સ્થિતિ વિકટ છે. મૃતકના કુટુંબીજનો બ્રેઈન ડેડ જાહેર થયા પછી એવી આંધળી આશામાં ભટક્યા કરે છે કે, હમણાં ચમત્કાર થશે, બચી જશે, હજુ જીવ છે જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી મૃતક જીવતો હોવાની ઉમ્મીદ રખાય છે. ખરેખર તો બ્રેઈન ડેથ પછી દર્દીની નસો ધબકતી રહે છે, શરીર ગરમ રહે છે અને હૃદય પણ ધડકતું હોય છે એટલે એવું લાગે છે કે, હમણાં દર્દી બેઠો થશે. આમ માનવીની ધારણા એવી હોય છે કે, જ્યાં સુધી હૃદયની ધડકન ધડકતી રહે ત્યાં સુધી વ્યક્તિ જીવતો હોય છે. બ્રેઈન ડેડના કિસ્સામાં આ માન્યતા ખોટી હોવાનું ચિકિત્સા જગત કહે છે.

માનવ અંગ પ્રત્યારોપણ કાયદા અન્વયે હવે થોડીક જાગૃતિ વધી છે. ડોક્ટરો દર્દીના સગાં-સંબંધીઓને પૂછે છે અંગદાન કરવું છે ? ક્યાંક અંગદાન, દેહદાન કરવાની જાહેરાતો થાય છે, પણ પાછળથી સામાજિક દબાણને કારણે ફેરવી તોળે છે, ફરી જાય છે અને એટલે જ ભારતમાં દર દસ લાખ લોકોમાંથી ૦.૦૫ ટકા લોકો મોત પછી પોતાનાં અંગો દાન કરવાની તૈયારી દર્શાવે છે. બિનસરકારી એક સંગઠન મોહન નામની સંસ્થા અંગદાન માટે પ્રચાર અને સર્વેનું કામ કરે છે તેના જણાવ્યાનુસાર દેશમાં વર્ષે ૫૦ લોકો જ અંગદાન કરે છે. જેમાંથી તમિળનાડુ મોખરાનું રાજ્ય છે (નેત્રદાન સિવાય) પાછલાં વર્ષોમાં તમિળનાડુમાંથી ૬૦૦થી વધારે માનવ અંગો દાન કરવામાં આવ્યા છે. જેનાથી ૨૪૦૦ લોકોને જીવનદાન પ્રાપ્ત થયું છે. બીજા ક્રમે મુંબઈ છે. જ્યાં પ્રતિવર્ષે ૨૦ જેટલા લોકો પોતાનાં અંગો દાનમાં આપે છે.

અંગદાન માટે ભારતીય પ્રજાએ વિદેશો પાસેથી શિખ લેવા જેવી છે. સ્પેન જેવા નાના દેશમાં ચાર કરોડની વસતી છે જ્યાં પ્રતિ વર્ષે ૧૩૦૦ મૃતકોનાં શરીર અંગદાન માટે ઉપલબ્ધ થાય છે. સ્પેનની હોસ્પિટલો લોકોને અંગદાન માટે જાગૃત કરે છે. અમેરિકામાં પ્રતિ દસ લાખ લોકોએ ૨૧.૯ ટકા, ગ્રેટ બ્રિટનમાં ૧૫.૫ ટકા, સ્વીડનમાં ૧૩.૮ ટકા, પોલેન્ડમાં ૧૭.૦ ટકા, સાઉદી અરેબિયામાં ૩.૩ ટકા, ઇરાનમાં ૨.૩ અને ભારતમાં ૦.૦૫ ટકા. ભારતમાં સ્થિતિ નિરાશાજનક છે. જરૂરત કરતાં ઓછા લોકો અંગદાન કરે છે. વ્યવસ્થા અને સંયોજનનો અભાવ છે. ચેન્નઈમાં પોલીસ અધિકારી સમયસર હાજર હોત તો વિલાસરાવ દેશમુખ આજે હયાત હોત ! અર્થાત્ મહારાષ્ટ્ર, તમિળનાડુ અને કર્ણાટકને બાદ કરતાં દેશના કોઈપણ રાજ્યમાં અંગદાન માટે ખાસ કાર્યક્રમો સરકાર પાસે નથી.

દિલ્હીમાં માનવ અંગો અને કોશિકાઓને જમા રાખવા માટે મટેરિયલ સેન્ટરની સ્થાપના થઈ રહી છે. હાલમાં સ્થિતિ કફોડી છે. અનુમાન છે કે, દેશમાં અંદાજે ૨ લાખ દર્દીઓને કિડનીની જરૂર પડે છે જેની સામે તેટલા પ્રમાણમાં કિડનીઓ દાનમાં મળતી નથી. ૧૯૭૧થી ૨૦૧૧ વચ્ચેના સમયમાં દેશનાં મોટાં ૪૮ દવાખાનાઓમાં ૨૦૯૫૨ લોકોને કિડની પ્રત્યારોપણ થઈ છે અને ૧૯૯૫થી ૨૦૧૧ વચ્ચે ૩૨૯ લોકોને લીવર પ્રત્યારોપણ કરાયાં છે. આ આંકડા દર્શાવે છે કે, અંગદાન માટે સમાજમાં જાગૃતિનો અભાવ છે. ભારતમાં પ્રતિવર્ષે અંદાજે એક લાખ લોકોનાં મોત માર્ગ અકસ્માતથી થાય છે. જેમાંથી પચાસ ટકા માથે ઇજા થતાં ગંભીર ચોટ પામે છે અને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવે છે. આવા મૃતકોના અંગો અનેકોના જીવન બચાવી શકે, પરંતુ આપણી માનસિકતા નિર્બળ છે, નેટવર્કનો અભાવ છે. જે દિવસથી લોકો અંગદાન માટે સજાગ થશે તે દિવસે વિલાસરાવ દેશમુખ શું ! કોઈપણ સામાન્ય નાગરિકનું મોત માનવ અંગના અભાવથી થશે નહીં.

જરૂર છે જીવનદાતાઓની, અંગદાતાઓની.

માહિતી સ્રોત : (ઇન્ડિયન સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટનો એક અહેવાલ)

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com