વર્કિગ વુમન - કલગી મહેતા
વર્કિગ વુમને ઘર અને ઓફિસની બમણી જવાબદારી હોવાથી તેમને ઓફિસ કે ઘર બંને જગ્યાએ કાર્યરત જ રહેવું પડે છે ત્યારે સતત કામના દબાણને લીધે અનેક રોગ લાગુ પડી શકે, તો આજે આપના જોબ ઓફ નેચર અને તેને લગતી સમસ્યા વિશે વાત કરીશું.
બેસવાની પોઝિશન
આજકાલ કમ્પ્યુટર પર બધું જ કામ થતું હોવાથી તમારી ગરદનની સ્થિતિ સાત આઠ કલાક સુધી એક જ પોઝિશનમાં રહે છે. અને ઘરે ગયા બાદ પણ લેડિઝને અન્ય જવાબદારીને લીધે ગરદનને કે પીઠને આરામ આપવાનો સમય મળતો નથી તેથી પીઠ પર અને ગરદનના સ્નાયુ પર દબાણ આવતા પેઇન શરૂ થઈ જાય છે.
ઉપાયઃ એક જ સ્થિતિમાં ન બેસતા બેસવાની પોઝિશન ચેન્જ કરતાં રહો. દર બે કલાકે થોડું વોકિંગ કરવાની આદત પાડો. જો બેક પેઇન હોય તો ઓફિસમાં જ બે ચાર મિનિટ સ્ટ્રેચનિંગ એકસરસાઇઝ કરી શકાય.
નાઇટ ડયૂટી
એક રિસર્ચ પ્રમાણે જાણવા મળ્યું છે કે સતત નાઇટ શિફટ કરતી મહિલામાં બ્રેસ્ટ કેન્સર થવાની સંભાવના વધી જાય છે.
ઉપાયઃ જો નાઇટ શિફ્ટ વધુ આવતી હોય તો દિવસમાં જ સાતથી આઠ કલાક ઊંઘી શકાય તેવું શિડયૂલ બનાવી લો, દિવસમાં અજવાળાને લીધે ઊંઘ ન આવતી હોય તો બેડરૂમમાં પડદો કરીને આંખ પર નેપ્કિન મૂકીને ઊંઘી જાવ, દિવસમાં રાત કરતાં બહારનો ઘોંઘાટ વધુ હોય છે તેથી તેના માટે કાનમાં ઇયરપ્લગ લગાવી લો.
સતત ટાઇપિંગ
સતત આઠથી દસ કલાક ટાઇપિંગ કરવાને લીધે પણ હાથની આંગળીઓ, કાંડાં અને કોણીમાં દુખાવો થાય છે.
ઉપાયઃ આ માટે ફિઝિયોથેરેપીની મદદ લો અથવા રિસ્ટ બેલ્ટ પહેરો જેથી થોડો સપોર્ટ મળશે. ટાઇપ કરતી વખતે કાંડાને ન્યુટ્રલ સ્થિતિમાં રાખો. કોણીના દુખાવા માટે કોણી નીચે કોઈ સપોર્ટ રહે તેવી વ્યવસ્થા કરો. ટાઇપિંગ કરતી વખતે વચ્ચે અમુક સમયનો બ્રેક લો.
સતત ઊભા રહેવું
જો તમે ટીચર કે લેકચરર હો કે બ્યુટી પાર્લર, હેર સલૂનના કામ સાથે જોડાયેલા હો તો પણ તમારે સતત આખો દિવસ ઊભા રહેવું પડે છે. સતત ઊભા રહેવાના લીધે પણ ઘૂંટણ અને કમરમાં દુખાવાની સમસ્યા ઊભી થાય છે.
ઉપાયઃ કામ દરમિયાન જ્યારે પણ બેસવાનો સમય મળે ત્યારે પગને સામેની ચેર પર ગોઠવીને પીઠને આધાર મળે તે રીતે આરામથી બેસો. પગને હૂંફાળા પાણીમાં નમક નાખીને તેમાં બોળી રાખો.
માનસિક તણાવ
વર્કિગ વુમનને કામનો બોજો વધી જાય છે તેથી તે ખૂબ માનસિક તણાવ અનુભવે છે. માનસિક તણાવને લીધે હોર્મોન્સમાં પરિવર્તન આવે છે. સતત માનસિક તણાવમાં રહેવાથી પ્રજનનક્ષમતા પણ ઘટે છે અને તે ઇર્ન્ફિટલિટીની સમસ્યાને પણ નોતરે છે તેથી માનસિક બોજને ઓછો કરવો પણ જરૂરી છે.
ઉપાયઃ માનસિક તણાવને ઓછો કરવા માટે સૌથી સુંદર ઉપાય ધ્યાન, યોગ અને પ્રાણાયામ છે. તો સવારમાં કુદરતી અને શાંત વાતાવરણમાં ધ્યાન અને યોગ કરો. આખો દિવસ તમે તરોતાજા રહી શકશો.