કવર સ્ટોરી - તૃપ્તિ ભટ્ટ
સંબંધોની બાબતમાં પણ અતિની કોઈ ગતિ નહીં, એ કહેવત સાચી ઠરે છે. પ્રેમ અને પોતાનાપણું પણ જ્યારે હદથી વધે છે ત્યારે મુશ્કેલી ઊભી થાય છે. પ્રેમના અતિરેકમાં જ્યારે માલિકીભાવ જાગે છે ત્યારે તેનાથી સંબંધોમાં અંતર વધવા લાગે છે. પતિ-પત્નીના સંબંધોમાં પણ આ વાત લાગુ પડે છે. થોડો પઝેસિવ પાર્ટનર પ્યારો લાગે છે પણ પાર્ટનર જ્યારે ઓવર પઝેસિવ બની જાય છે ત્યારે સંબંધો ગૂંગળાવા લાગે છે. ઓવર પઝેસિવ પાર્ટનરના કિસ્સામાં વિશ્વાસરૂપી જળથી સીંચીને સંબંધોને વધુ પરિપકવ અને તરોતાજા બનાવી શકાય છે. ઓવર પઝેસિવ પાર્ટનર સાથે કેવી રીતે ડીલ કરવું? સંબંધોને કઈ રીતે વધુ વિશ્વસનીય બનાવવા? જરા સમજીએ
ઝેસિવનેસ એ દાંપત્યજીવનમાં ઇચ્છવાયોગ્ય બાબત છે. આ ફીલિંગ પતિ-પત્નીને વધારે નજીક લાવે છે અને તેમના સંબંધોને ગાઢ બનાવે છે. પણ, પઝેસિવનેસ પાછળ જ્યારે માલિકીભાવ, અવિશ્વાસ કે અપરિપકવ લાગણીઓ જવાબદાર હોય ત્યારે તે તેની હદ વટાવે છે. વ્યક્તિ ઓવર પઝેસિવ બની જાય છે અને સંબંધો બંધનકારક બનવા લાગે છે.
સંબંધોમાં રહેલો માલિકીભાવ પ્રેમની એક પ્રકારની અભિવ્યક્તિ છે. આવો માલિકીભાવ શરૂઆતમાં થોડો સમય ગમે પણ ખરો, કારણ કે માલિકીભાવ એ જ દર્શાવે છે કે 'હમ કીસી કે હૈ' 'મારો પાર્ટનર પોતાના આપ્તજનમાં મને પણ સામેલ કરે છે' 'પાર્ટનરના જીવનનું હું જ કેન્દ્રબિન્દુ છું.' આ ભાવ સંબંધોમાં મધુરતા ભરી દે છે પણ ધીરે ધીરે પાર્ટનરનો આવો નેચર જીવનને કંટાળાથી ભરી દે છે. પઝેસિવ નેચરને લીધે ક્યારેક વ્યક્તિગત જીવનની મૌલિકતા અને મોકળાશ પણ છીનવાઈ જાય છે. પઝેસિવ વ્યક્તિનાં અમુક ખાસ લક્ષણો છે. આ લક્ષણો પર એક નજર કરીએ.
સ્વતંત્રતા ન આપવી
ઓવર પઝેસિવ પાર્ટનર જીવનસાથીને પોતાની મુઠ્ઠીમાં કેદ કરવાનો પ્રયત્ન કરે છે. પાર્ટનરને કારણ વગર ક્યાંય આવવા કે જવા નથી દેતા. તેની પર્સનલ લાઇફ સાથે જોડાયેલી દરેક નાની મોટી વાતમાં દખલગીરી કરે છે. પતિ કે પત્ની બંનેમાંથી કોઇ પણ પઝેસિવ હોય તો તેમાનાં મોટા ભાગનાં લક્ષણો સામાન્ય હોય છે. પતિ ઓવર પઝેસિવ હોય તો પત્નીના ફ્રેન્ડસર્કલને પણ બરદાસ્ત નથી કરતો. કોની સાથે રિલેશન રાખવા અને કોની સાથે નહીં એ દરેક વાત પાર્ટનર નક્કી કરે છે. ઓવર પઝેસિવ નેચર એટલી હદ સુધી વ્યક્તિના જીવનની સ્વતંત્રતા છીનવી લે છે કે ક્યારેક તો પાર્ટનરે કેવા ડ્રેસ પહેરવા જોઇએ એ પણ પાર્ટનર જ નક્કી કરે છે. આવા સંજોગોમાં પાર્ટનરની આઝાદી છીનવાઈ જાય પછે. તેની પોતાની જિંદગીનો માલિક કોઈ બીજો બની જાય છે અને પછી વ્યક્તિ તેની મરજી મુજબની એક પણ પળ નથી જીવી શકતી.
સતત વોચ રાખવી
પતિ કે પત્ની બંનેમાંથી કોઇ પણ ઓવર પઝેસિવ હોય તો તે પાર્ટનર પર સતત વોચ ગોઠવી રાખે છે. પાર્ટનર ક્યાં જાય છે. કોને મળે છે. ઓફિસમાં તેમને કોની સાથે કેવા રિલેશન છે. તેમની પ્રોફેશનલ લાઇફમાં કોણ કોણ છે. તેમની ઓફિસનું શિડયૂલ અને ઓફિસ બાદ તે કોની સાથે છે વગેરે સવાલના જવાબ વારંવાર ઓફિસે ફોન કરીને અથવા તો પાર્ટનરને ફોન કરીને જાણવાનો પ્રયત્ન કરે છે. પાર્ટનરના મોબાઇલમાંથી મેસેજ અને કોલ સ્ટેટસ જોઇ લે છે. પાર્ટનરનો કોઇ કારણવશ ફોન બિઝી આવતો હોય તો તરત જ કોની સાથે બિઝી હતા તે જાણી લે છે. આ રીતે પઝેસિવ પાર્ટનર તેના લાઇફ પાર્ટનરને કોઇ સાથે કોઇ પણ રીતે શેર કરવા નથી માંગતા.
પાર્ટનર પર શક કરવો
માલિકીભાવ પ્રેમના અતિરેકમાંથી જન્મે છે અને માલિકીભાવમાંથી શક પણ ઉત્પન્ન થતાં વાર નથી લાગતી. પઝેસિવ પાર્ટનર હંમેશાં તેમના પતિ કે પત્નીને શકની નજરથી જ જુએ છે. પત્નીનો કોઇ મિત્ર ક્યાંક મળી જાય અને પત્ની હસીને તેના મિત્રને સારી રીતે મળે તો પણ પઝેસિવ પતિ સહન નથી કરી શકતા. આ પ્રકારનો નેચર ધરાવતી વ્યક્તિ મિત્રના ગયા બાદ પત્નીની સારી એવી પૂછપરછ કરે છે. આ મિત્ર કોણ હતો?તેં મને આ મિત્ર વિશે ક્યારેય વાત જ નથી કરી? તમે કેવી રીતે મળ્યાં હતાં ? તમારી દોસ્તી કેમ થઈ? વગેરે સવાલ પૂછીને દોસ્તીનો હિસ્ટ્રી જાણવાનો પ્રયત્ન કરે છે. પઝેસિવ પાર્ટનર ઘરે મોડા આવવાનું કારણ કે ઘરેથી વહેલા જવાનું કારણ જાણવા માટે પણ પૂરે પૂરી જાસૂસી કરે છે અને એક એક મિનિટનો હિસાબ માંગે છે.
તુમ સિર્ફ મેરી હો
આ માલિકીભાવમાં વ્યક્તિગત જીવનની સ્વતંત્રતા છીનવાઈ છે. પઝેસિવ પાર્ટનર તેની પાર્ટનરને કોઈ પણ સંબંધમાં શેર કરવા નથી માંગતો તે પછી ફ્રેન્ડનો હોય કે પિયર પક્ષના કોઈ પણ સંબંધ હોય તે એવું સમજે છે કે પાર્ટનરના સમય પર, તેના સ્નેહ પર દરેક પર માત્ર ને માત્ર મારો જ અધિકાર છે. આ પ્રકારની ભાવનાને લીધે મરજી મુજબ જીવવાની મજા જતી રહે છે.
ઓવર પઝેસિવ થવાનાં કારણો
ઇમોશનલી ઇનસિક્યોરિટી
પઝેસિવ નેચરનું એક કારણ ઇમોશનલી ઇનસિક્યોરિટી પણ છે. ઇમોશનલ ઇનસિક્યોરિટીને લીધે વ્યક્તિને દરેક સમયે એક જ ડર સતાવ્યા રાખે છે કે તેનો પાર્ટનર તેનાથી દૂર થઇ જશે તો અથવા તો પાર્ટનરને કોઇ તેનાથી છીનવી લેશે તો આ અસુરક્ષાનો ભાવ તેને આ બધું જ કરવા માટે મજબૂર કરે છે.
ભૂતકાળનો કડવો અનુભવ
અતીતના કડવા અનુભવ પણ પાર્ટનરને તેમના જીવનસાથી પર વિશ્વાસ કરતા રોકે છે. બની શકે કે ભૂતકાળમાં તેમણે જેને પ્રેમ કર્યો હોય તે પાત્રએ તેમની સાથે વિશ્વાસઘાત કરીને તેમને છોડી દીધો હોય ત્યારે આ વિશ્વાસઘાતનો બનાવ તેમને તેમના પાર્ટનર પર વિશ્વાસ કરતાં રોકે છે અને દૂધનો બળેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીએ તેવી હાલત થાય છે. આ કારણસર પણ તેને ગુમાવવાના ડરને લીધે તે કોઇ પણ રીતે પાર્ટનર પર અધિકાર જમાવવાનો પ્રયત્ન કરે છે.
પ્રેમનો અતિરેક
બીજાં નેગેટિવ કારણો સાથે આ એક પોઝિટિવ કારણ પણ છે, જો આપનો પાર્ટનર આપને બેહદ પ્રેમ કરતો હોય તો તેના લીધે પણ ઘણી વાર તે ઓવર પઝેસિવ બની જતો હોય છે. પોતાની પ્રિય અને ગમતી વ્યક્તિને તે હંમેશાં તેના જ હૃદયમાં છુપાવીને રાખવા માંગે છે. તેમના પ્રિય પાત્રને કોઈ જુએ કે તેમની સાથે વાતચીત કરે કોઇ પણ વાત તેમનાથી સહન નથી થતી. તેમનો સ્નેહ એટલો અનહદ હોય છે કે બાળક જેમ તેમને ગમતું રમકડું તેનાથી દૂર નથી કરતું તેવી જ રીતે તે પણ જીવનસાથીને મુઠ્ઠીમાં કેદ કરવાના પ્રયત્નમાં જ રત રહે છે.
કેવી રીતે ડીલ કરશો?
કારણ જાણો
પાર્ટનરના ઓવર પઝેસિવ થવા પાછળનું કારણ શું છે તે જાણવાનો પ્રયત્ન કરો. ભૂતકાળમાં કોઇ એવો બનાવ તેમની સાથે બનેલો છે જેના લીધે તે ઓવર પઝેસિવ બની ગયા છે કે આ પ્રકારનો સ્વભાવ તેમનો જન્મજાત જ છે. કારણ જાણ્યા બાદ તેને વિશ્વાસમાં લેવાનું અને તેની સાથે ડીલિંગ કરવાનું સહેલું બની જશે.
કોમ્યુનિકેશન જરૂરી
સંબંધોમાં કોમ્યુનિકેશન ગેપ આવી જતાં પણ ઘણી વાર ગેરસમજને લીધે કે ગલતફહમીને લીધે પણ એકબીજાંને સમજવામાં ભૂલ થાય છે અને સંબંધોમાં શકનાં બીજ રોપાય છે. ક્યારેય પણ આપને એવું લાગે કે આપનો હસબન્ડ કે વાઇફ આપના પર અવિશ્વાસ રાખે છે ત્યારે જ વાતચીત કરીને તેના ડરને કે શકને દૂર કરવાનો પ્રયત્ન કરો. વાતચીત કરવાથી સંબંધમાં એક સમજદારીનો સેતુ બંધાય છે અને ખોટી ભ્રમણાઓ,ગેરસમજ દૂર થાય છે. કોઈ પણ પરિસ્થિતિમાં કે નારાજગી વચ્ચે વાતચીત કરવાનું સદંતર બંધ ન કરવું જોઇએ.
વિશ્વાસથી દિલ જીતો
ઓવર પઝેસિવ પાર્ટનરને હંમેશાં તેમના પાર્ટનરને ગુમાવવાનો ડર રહે છે તેથી તેમને એ વિશ્વાસ અપાવો કે આપ માત્ર તેમના જ છો અને માત્ર તેમને જ ચાહો છે. તમારા હૃદયમાં રહેલા પ્રેમનો એકરાર કરતાં રહો. કોઇ પણ શંકા તેમના મનમાં ઘર કરી ગઇ હોય તો તે શંકાને વાતચીતથી દૂર કરો. ઓવર પઝેસિવ પાર્ટનર સાથે એવું બીહેવ કરો કે તે તમારા પર વિશ્વાસ કરવા મજબૂર થઇ જાય. તેને ક્યાંય પણ શક ન થાય તેવો પારદર્શી વ્યવહાર રાખો.
વ્યવહારમાં પારર્દિશતા રાખો
પાર્ટનરના ઓવર પઝેસિવ નેચરને દૂર કરવા માટે વ્યવહાર અને વર્તનમાં પારર્દિશતા રાખવી જરૂરી છે. ઓવર પઝેસિવ એક પ્રકારની ઇમોશનલ ફીંલિંગ છે. તેની સાથે ડીલ કરવા માટે દિલ નહીં દિમાગથી કામ લો અને વ્યવહાર વર્તનને એટલાં સાફ રાખો કે પાર્ટનરને ક્યાંય પણ શક કરવાની સ્પેસ ન મળે. તેમનાથી કોઈ પણ વાતને છુપાવો નહીં. વર્તનમાં સરળતા અને સહજતા રાખો. પાર્ટનર ફોન કરીને તમને અનેક સવાલો કરે તો ગુસ્સો કર્યાં વગર તેના દરેક સવાલના જવાબ પ્રેમથી આપો જેથી તેને ભાવનાત્મક સંતુષ્ટિ મળશે અને તમે તેમના વિશ્વાસને જીતી શકશો.
પઝેસિવ એટિટયૂડ છોડો
- વ્યક્તિગત સ્વતંત્રતા પર તરાપ ન મારો.
- પાર્ટનરને પૂરતી સ્પેસ આપો.
- દરેક વાતમાં દખલગીરી ન કરો.
- પ્રેમ અને વિશ્વાસથી દિલ જીતવાનો પ્રયત્ન કરો.
- બળજબરી કરીને કોઈ વાત માટે ફરજ ન પાડો.
- કાઉન્સલરની મદદ લો.
- મામલો ગંભીર લાગે તો સાઇકિયાટ્રીસ્ટની પણ સલાહ લઈ શકો.