નવી દિલ્હી, તા. ૨૭
- ખાસા વિલંબ અને વળતર વિવાદ બાદ આજે એર ઇન્ડિયાના કાફલામાં બોઇંગ ૭૮૭ વિમાનનું આગમન થઈ શકે છે
- અન્ય વિમાન કરતાં ૩૦% મોટી વિન્ડો
- કોઈ પણ કોર્મિશયલ પેસેન્જર પ્લેન કરતાં ૭૮૭ ડ્રીમ લાઇનરની વિન્ડોનું કદ સૌથી મોટું છે.
- લોઅર કેબિન એલ્ટિટયૂડ ૮,૦૦૦ ફૂટ, પણ ૭૮૭માં અનુભૂતિ ૬,૦૦૦ફૂટ જેવી
બોઇંગ ૭૮૭ના નિર્માણમાં એલ્યુમિનિયમને બદલે કાર્બન કમ્પોઝિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
એર ઇન્ડિયાનું પહેલું બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનર ભારતની ધરતી પર લેન્ડ થવાની તૈયારીમાં છે. કાયદા અને ન્યાયમંત્રાલયે વળતર અંગેના કરારને મંજૂરી આપ્યા બાદ એર ઇન્ડિયાના કાફલામાં હવે મંગળવારે તેનો સમાવેશ થઈ શકે છે. વળતર અંગેનો આ કરાર એર ઇન્ડિયાએ વિમાન બનાવતી અમેરિકી કંપની સાથે કરવાનો હતો, કારણ કે એર ઇન્ડિયાને વિમાનની ડિલિવરીમાં તેણે ચાર વર્ષનો વિલંબ કર્યો છે.
એરઇન્ડિયાનો બીજો નંબર
એર ઇન્ડિયા બીજી એવી એરલાઇન કંપની છે, જેણે ૨૭ બી-૭૮૭ વિમાનનો ઓર્ડર આપ્યો છે. જાપાનની બે એરલાઇન ઓલ નિપ્પન એરવેઝ, જાપાન એરલાઇન્સ તથા ઇથિયોપિયન એરલાઇન્સે આ વિમાનનો ઉપયોગ કરે છે. નિપ્પન એરવેઝે ૨૦૦૪માં ૫૦ ડ્રીમલાઇનર્સનો ઓર્ડર આપ્યો હતો, હાલ તેની પાસે સૌથી વધુ ડ્રીમલાઇનર્સ છે.
૨૦૧૬ સુધીમાં ૨૬ ડ્રીમલાઈનર્સ આવશે
એરક્રાફ્ટ બનાવતી અમેરિકન કંપની બોઇંગને એર ઇન્ડિયાએ ૨૦૦૫માં ૨૭ પ્લેનનો ઓર્ડર આપ્યો હતો. બોઇંગે આ ઓર્ડરની ડિલિવરી ૨૦૦૮થી ૨૦૧૪ સુધીમાં પૂરી કરવાની હતી, પરંતુ બોઇંગ કંપનીએ સમયસર એરક્રાફ્ટ બનાવી શકી નહોતી અને એર ઇન્ડિયાને ડ્રીમલાઇનર્સની ડિલિવરીમાં વિલંબ થયો. બાકીના ડ્રીમલાઇનર્સ ૨૦૧૬ સુધીમાં ભારત લાવવામાં આવશે.
કેબિન એરથી ૮,૦૦૦ ફૂટ ઊંચાઈએ ઊડવા છતાં પણ ૬,૦૦૦ ફૂટ જેવો જ અનુભવ થશે અને ફ્લાઇટમાં વધુ ઓક્સિજન મેળવી શકશે, પરિણામે પ્રવાસીઓને લાંબી મુસાફરીનો થાક ઓછો લાગશે.
હવા શુદ્ધીકરણની નવી સિસ્ટમ
૭૮૭ની નવી એર ફિલ્ટરેશન સિસ્ટમમાં એચઇપીએ ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે, જે હવામાંથી બેક્ટેરિયાનો નાશ કરે છે. ગેસ ફિલ્ટર દુર્ગંધ દૂર કરે છે. તેનાથી માથાના દુખાવો, આંખમાં ચળ આવવી તથા ડ્રાયનેસ જેવી સમસ્યાથી છુટકારો મળી શકશે. નવી એર સિસ્ટમથી હવામાં ૧૦ ટકા વધુ ભેજ રહે છે, જે લાંબા અંતરની મુસાફરી બાદની ડિહાઇડ્રેશનની સમસ્યા દૂર કરશે.
ડોમેસ્ટિક રૂટ પર ઉડાણ ભરશે
ડ્રીમલાઇનર મળ્યા બાદ એર ઇન્ડિયાને નવા આંતરરાષ્ટ્રીય રૂટ શરૂ કરવામાં મદદ મળશે. લાંબા આંતરરાષ્ટ્રીય રૂટ પર ઉતારતાં પહેલાં આ વિમાનનો ઉપયોગ બે મહિના સુધી ડોમેસ્ટિક રૂટ માટે કરવામાં આવશે. પાઇલટ્સને આ વિમાન ઉડાવવાની તાલીમ પહેલેથી જ આપવામાં આવી છે. ડોમેસ્ટિક રૂટમાં પાઇલટ્સને ડ્રીમલાઇનર્સ ઉડાવવાનો વધુ અનુભવ મળશે.
એન્વાયરમેન્ટલ પર્ફોર્મન્સ
ડ્રીમલાઇનર્સ અન્ય વિમાન કરતાં ૬૦ ટકા ઓછો અવાજ કરે છે. ડ્રીમલાઇનર્સમાં ઇંધણની વપરાશ આ જ કદના અન્ય વિમાનની સરખામણીમાં ૨૦ ટકા ઓછી હોય છે, જેને કારણે ડ્રીમલાઇન વજનમાં હલકા હોય છે.
મુસીબતની ચેતવણી આપતું ડિવાઇસ
ડ્રીમલાઇનર્સની ફરતે લગાવેલાં ખાસ સેન્સર્સ આવનારી મુસીબતની ચેતવણી આપશે, જેથી પાણી પહેલાં પાળ બાંધી શકાય અને પ્રવાસીઓની સફર આરામદાયક રહે.
ક્ષમતા
૨૯૦ મુસાફર બેસી શકે તેવી બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનરમાં ક્ષમતા છે.
૧૫,૭૫૦ કિલોમીટર સુધી ઊડવાની રેન્જ ધરાવે છે.
૯૦૩ કિલોમીટર પ્રતિ કલાક (મેક ૦.૮૫)ની ઝડપે ઊડી શકે છે.