મુંબઈ, તા. ૨૭
ગૌતમ ગંભીરના કોચ ભારદ્વાજનો અભિપ્રાય
ગૌતમ ગંભીર અને ઉન્મુક્ત ચંદ બંને દિલ્હીના કોચ સંજય ભારદ્વાજ પાસે તૈયાર થયા છે. ગંભીર અને ચંદમાંથી કોણ પ્રતિભાશાળી છે તેવું સંજય ભારદ્વાજને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે ગંભીર ૧૯ વર્ષનો હતો તેની સરખામણીમાં ઉન્મુક્ત ચંદ વધુ પ્રતિભાશાળી છે. ચંદમાં પ્રતિભા અને સખત મહેનતનું ખૂબ સારું મિશ્રણ છે.
ભારતીય ટીમનાં શાનદાર પ્રદર્શન બદલ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ઈયાન ચેપલે જણાવ્યું હતું કે, યુવા ક્રિકેટરોએ સંકેત આપી દીધો છે કે ભવિષ્યમાં ભારતની સિનિયર ટીમ મજબૂત હશે તેમાં કોઈ બેમત નથી. હરમિતસિંહ અને ઉન્મુક્ત ચંદમાં જબરજસ્ત પ્રતિભા છે. નજીકનાં ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય લેવલે ભારતની ટીમમાં રમતા નજરે પડશે. ભારતના બોલિંગઆક્રમણમાં લેફ્ટી સ્પિનર હરમિતસિંહ શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે, તેની બોલિંગ બિશનસિંહ બેદીને મળતી આવે છે .
સ્મિતની ભૂમિકા મહત્ત્વપૂર્ણ
વસિમ અકરમે અમદાવાદના સ્મિત પટેલની પ્રશંશા કરી હતી. અકરમે જણાવ્યું હતું કે, ભારતને ચેમ્પિયન બનાવવામાં સ્મિતનો રોલ મહત્ત્વપૂર્ણ હતો. ભારતે ૯૭ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી. આ સમયે પરાજય પણ સંભવ હતો, જોકે સ્મિતે સૂઝબૂઝથી બેટિંગ કરીને ૬૨ રન બનાવી ટીમને જીત અપાવી હતી.
ટીમને કમાન્ડો ટ્રેનિંગ અપાઈ હતી
ભારતીય ટીમની સફળતામાં એક કારણ તેમને આપવામાં આવેલી કમાન્ડો ટ્રેનિંગ પણ છે. વર્લ્ડકપ પહેલાં ટીમના દરેક સભ્યને જંગલમાં કમાન્ડો ટ્રેનિંગ અપાઈ હતી. ટીમને એકતાનો પાઠ ભણાવવા માટે ટીમના કોચ ભરત અરુણ ટીમને મૈસુરનાં જંગલોમાં લઈ ગયા હતા ત્યાં ખેલાડીઓને ફિલ્ડિંગ શીખવવામાં આવી હતી. વિરોધીઓ સામે લડવાની ભાવના શીખવવામાં આવી હતી. જંગલમાં ખેલાડીઓને કમાન્ડો જેવી ટ્રેનિંગ આપી હતી.
સ્મિતને ઇનામ આપવા જીસીએ કોની રાહ જુએે છે?
અમદાવાદ : અંડર-૧૯ વર્લ્ડકપમાં ભારતની ટીમને ચેમ્પિયન બનાવવામાં અમદાવાદના સ્મિત પટેલની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી હતી. સ્મિતની બેટિંગની ચારે બાજુથી પ્રશંશા થઈ રહી છે અને તેની આ સિદ્ધિ બદલ તે અભ્યાસ કરતો હતો તે હીરામણી સ્કૂલ તરફથી પાંચ લાખ રૂપિયાનો ચેક આપવાની જાહેરાત કરવામાં આવી છે જ્યારે અમદાવાદના બીજા એક ખેલાડી રૂષ કાલરિયાને જીએલએસ સ્કૂલ તરફથી ૧ લાખ ૫૧ હજાર રૂપિયા ઈનામ તરીકે આપવાની જાહેરાત કરી છે, બીજી તરફ જીસીએએ હજુ સુધી ઈનામની જાહેરાત કરી નથી. આ ખેલાડીઓને અભિનંદન આપવા જીસીએના અધિકારીઓ આતુર હતા પણ ઈનામ આપવામાં પાછા પડી રહ્યા છે. જીસીએના સેક્રેટરી રાજેશ પટેલને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, સ્મિત અને રૂષ કાલરિયા અમદાવાદ આવશે પછી ઈનામની જાહેરાત કરાશે.
બીજી તરફ હિમાચલપ્રદેશના પ્રશાંત ચોપરાને તેમનાં બોર્ડ તરફતી પાંચ લાખ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે.