અલ્પવિરામ - રાજેન્દ્ર રાવલ
ભીખ માંગનારાઓની એક આખી દુનિયા છે. દરેક દેશમાં ભિખારીઓનું લક્ષણશાસ્ત્ર છે. અમેરિકાના મેનહટનની એક સડક પર કોઈ પેન્ટેડ-સુટેડ પર્સનાલિટી સુંદર પિયાનો વગાડી રહી હતી.
આવતા જતાં રાહદારીઓ તેના ગજવામાં કશુંક મૂકી, ઘડીક વાર થંભી પોતાના રસ્તે ચાલ્યા જતા, આવું જ બીજું એક દૃશ્ય લોંગ આઈલેન્ડના પેન સ્ટેશન તરફ જતા રેલવે સ્ટેશનના પ્રવેશ માટે મેં જોયું. કોઈ એક બુઝુર્ગ વાજિંત્ર વગાડી રહ્યો હતો. જતાં આવતાં લોકો તેની સામે પેની અને કેની ફેંકી રહ્યા હતા. મારા દીકરાને પૂછયું એટલે તેણે કહ્યું ભિખારી છે!
આ ભીખ માંગવાની સ્ટાઈલ છે તેમની. મુંબઈ પરાની ટ્રેઈનમાં માટીનાં બે ઠીકરાં એકબીજા સાથે ખખડાવી તેમાંથી મધુર રાગિણીઓ કાઢીને ભીખ માંગનારાં છોકરાં ઘણાંએ જોયાં છે, શરીરના કોઈ એકાદ અંગ વગર રસ્તે સૂતા રહી અને ભીખ માંગવામાં આવે છે. કહે છે ભીખ માંગનારાઓનું આખું નેટવર્ક છે, તેના વિસ્તારો નક્કી થયા છે. ભારતમાં ભીખ માંગવાની છૂટ છે.
આ દેશમાં અનેક પ્રકારના ભિખારીઓ છે. જરૂરતમંદ અને ગેરજરૂરતમંદ, વિશ્વના ઘણા દેશોએ ભીખ માંગવા પર પ્રતિબંધ મૂકેલો છે.
થોડાક દિવસ પહેલાં દુનિયાભરના લોકો રમઝાન મહિનામાં દુબઈ ખાતે ભીખ માંગવા ગયેલા જેમાં નોકરી કરતા લોકો પણ હતા, કહે છે કે દુબઈમાં ભીખ માંગવી એ ગુનો છે અને ક્યાંય ભિખારી જોવામાં આવે તો તેને પકડીને કારાવાસમાં ધકેલી દેવાનો નિયમ, કાયદો છે અને ત્રણ મહિનાની કેદમાં રાખવામાં આવે છે. આટલો કડક નિયમ હોવા છતાં ભિખારીઓ આદતથી મજબૂર. રમઝાન મહિનામાં દુબઈ પોલીસે ૧૩૧ લોકો જે ભીખ માંગતા હતા તેમને પકડયા છે. જેમાંના ૧૬ જેટલા ભિખારી ભારતીય છે. થોડાક દિવસ પહેલાં દુબઈ પોલીસે એક પાકિસ્તાનીને ભીખ માંગતાં અટકાયત કરેલો. તેની પાસેથી ૧૮ હજાર દિરહામ એટલે કે ભીખ માંગીને મળેલા રૂપિયા બે લાખ ૪૫ હજાર મળી આવ્યા હતા.
સ્થાનિક પોલીસ કહે છે કે દુબઈમાં ભીખ માંગવાનો વેપાર શરૂ થઈ રહ્યો છે. કેટલાક દેશોના નોકરિયાતો ભીખ માંગવા માટે દુબઈમાં આવે છે. એટલા માટે કે રમઝાન મહિનામાં દુબઈના લોકો મઝહબી દાન-પુણ્ય કરવા માટે રહેમદિલ હોય છે. એટલે અલ્લાહ કે નામ દે દેની ચીસો પાડવા દુનિયાભરના ભિખારીઓ દુબઈ પહોંચે છે, આ દિવસો દરમિયાન ભીખ માંગીને ખાસ્સી રકમો એકઠી થાય છે.
ભીખ અને ભિખારીઓની આગવી દુનિયા છે. મહાનગરોની યંત્રવત્ જિંદગીની રફતારમાં દાન-ધર્મ બધું જ ઉતાવળે, રસ્તા વચ્ચે ઊભેલું કોઈ અનાથ બાળક કે ટ્રાફિક સિગ્નલ પાસે ઊભેલા અપંગ બાળકને જોઈ દયાવાન દાતાઓ કશુંક આપે છે. ખરેખર મોટાં શહેરોમાં અપંગ બાળકો પણ ભાડે મળે છે. ભીખ માંગનારાઓ અને મગાવનારાઓની સિન્ડિકેટો કામ કરે છે.
rajendrarvl@gmail.com