એલ.કે. અડવાણી ગમે તે ભોગે પક્ષમાં પોતાનું મહત્ત્વ ટકાવી રાખવા માંગે છે
દેશની સંસદીય લોકશાહી અરાજ્કતાના માર્ગે છે. અણ્ણા હઝારે અને અરવિંદ કેજરીવાલ જેવા એક્ટિવિસ્ટ લોકો છાશવારે દિલ્હીમાં ટોળાં ભેગાં કરી દઈ ટ્રાફિક જામ કરી દે છે. દેશની પાર્લામેન્ટમાં ભાજપાના સભ્યો ચર્ચા કરવાના બદલે પાર્લામેન્ટ જામ કરી દે છે. સંસદસભ્યો વેલમાં ધસી જાય છે. બૂમરાણ મચાવી દે છે. છેલ્લાં એક અઠવાડિયાથી લોકસભા અને રાજ્યસભાને ચાલવા દેવામાં આવતી નથી. પાર્લામેન્ટ ચાલુ હોય તો દર એક કલાકના રૃ.૨૫ લાખનું ખર્ચ આવે છે. પ્રજાના આ પૈસા બરબાદ થઈ રહ્યા છે. કોલસાની ખાણોમાંથી કોલસો કાઢવા માટે જે કંપનીઓને પરવાના આપવામાં આવ્યા તેમાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ છે. 'કેગ'ના અહેવાલ પ્રમાણે સરકારને રૃ.૧લાખ ૮૬ હજાર કરોડનું નુકસાન થયું છે. ચિદમ્બરમ્ કહે છે કે કોલસો કાઢયો જ નથી તો નુકસાન ક્યાંથી ? વડાપ્રધાન કહે છેઃ ''કેગનો રિપોર્ટ ગેરમાર્ગે દોરનારો છે. કોલસા અંગે જે કોઈ નિર્ણયો લેવાયા છે તે અંગેની તમામ જવાબદારી હું લઉં છું. સત્ય બહાર લાવવું હોય તો પાર્લામેન્ટમાં ચર્ચા કરો.'' ભાજપા કહે છે : ''પહેલાં વડાપ્રધાન રાજીનામું આપે તે પછી જ ચર્ચા.'' પરંતુ ભાજપા કોઈ પણ સંજોગોમાં સંસદની કાર્યવાહી ચાલવા દેવા માંગતી નથી.
લોકસભા અને રાજ્યસભાનાં આ દૃશ્યો જોતાં લાગે છે કે, દેશની સંસદની ગરિમા સાંસદો જ ખતમ કરી રહ્યા છે. દેશની સંસદ ચર્ચા માટે,કાનૂન બનાવવા માટે અને દેશના શાસન માટે છે. આંદોલનો કે બૂમરાણ માટે નથી. વડાપ્રધાનને દૂર કરવા હોય કે સરકારને ઊથલાવવી હોય તો અવિશ્વાસની દરખાસ્ત લાવીને પસાર કરીને વડાપ્રધાનને ઘરભેગા કરી શકાય છે. પરંતુ સંસદ એ જંતરમંતર કે રામલીલા મેદાન નથી. સંસદ પબ્લિક ડિબેટ માટે છે, હંગામો કરવા માટે નથી. ખરી વાત એ છે કે, કોલસાના બ્લોક્સની ફાળવણી અંગે આ દેશમાં અત્યાર સુધી કોઈ કાયમી નીતિ નક્કી જ નથી. ભાજપા ચર્ચાથી ડરે છે, કારણ કે જે કામ યુપીએ સરકારમાં થયું છે તે કામ એનડીએના અને ભાજપાશાસિત રાજ્યોના શાસન વખતે પણ થયું જ હતું. ચર્ચા થાય તો બધું બહાર આવી જાય તેમ છે.
અસલી ગેમ પ્લાન
બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે, કોલસાના ધંધામાં બધાના જ હાથ કાળા છે. બહુ ઓછા લોકોને એ વાતની પણ ખબર છે કે 'કોલગેટ'નો મુદ્દો ચર્ચામાં નહીં લાવવા પાછળની અસલી રમત 'પાવરગેટ' માં પ્રવેશ માટેની છે. કોલસાના નામે ૨૦૧૪ પહેલાં જ દેશમાં લોકસભાની ચૂંટણીઓ લાવી દેવાનો આ ગેમ પ્લાન છે. આ ગેમ પ્લાનની ડિઝાઈન ભાજપાની છે, પરંતુ તેના અસલી સૂત્રધાર એલ.કે. અડવાણી છે. અડવાણીને એ વાતની ખબર છે કે ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીઓ થાય તો તે વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરફથી ભાજપા નરેન્દ્ર મોદીને જ ભાવિ વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરશે. એ વખતે પોતાને માટે તક નથી, તેથી ૨૦૧૪ પહેલાં મધ્યસત્ર ચૂંટણીઓ થાય તો અત્યારે યુપીએ સરકાર ઘેરાઈ ગયેલી છે અને ભાજપાને દેશમાં સરકાર રચવાની તક મળે તો વચગાળાની સરકારના વડાપ્રધાન તરીકે પોતાને તક મળી જાય તેવી અડવાણીની ઈચ્છા છે અને જીવનની આખરી ઈચ્છા સંતોષવા તેમણે બંધારણીય લોકશાહીના આત્માસમી સંસદમાં ચર્ચાના બદલે બૂમરાણ કરાવી રાજીનામાંની માગણીનો માર્ગ અખત્યાર કર્યો છે.
અડવાણીનો હઠાગ્રહ
એલ.કે. અડવાણી ભાજપાના એક જૈફ નેતા છે. તેમની સૂચનાથી શરૃ થયેલું વડાપ્રધાનનું રાજીનામું માંગવાનું આ આંદોલન ખુદ ભાજપાના જ કેટલાંયે નેતાઓને અંદરથી પસંદ નથી. પાર્લામેન્ટમાં આટલું તોફાન ચાલતું હોય ત્યારે ભાજપાના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન ગડકરી પરિવાર સાથે વેકેશન માણવા કેનેડા જતા રહ્યા છે. અરુણ જેટલી પત્રકાર પરિષદને સંબોધી વડાપ્રધાનના રાજીનામાંની માગણી કરે છે પરંતુ તેમના મોં પર નૂર નથી. તેઓ ખોટા માણસની બ્રિફ લઈ વકીલાત કરતા હોય તેવા લાગે છે. સુષ્મા જેટલીના ચહેરા પર મીડિયાને સંબોધતી વખતે જે તાજગી અને અવાજમાં જે રણકો હોવો જોઈએ તે નથી. ભાજપાના કોઈ સાંસદને અત્યારે ચૂંટણી લડવાની ઈચ્છા નથી કારણ કે જે ચૂંટાયા છે તેમને ફરી ચૂંટાવાની કોઈ ગેરંટી નથી. વળી કોઈને અઢી વર્ષનો સાંસદ તરીકેનો બાકી રહેલો કાળ ગુમાવવો નથી. જે ઉતાવળ છે તે એક માત્ર એલ.કે. અડવાણીને જ છે. હવે તેમની ઉંમર થઈ ગઈ છે અને જીવ તે જીવ વડાપ્રધાન બનવાનો તેમનો અભરખો પૂરો થાય તે પહેલાં તેઓ અત્યારે જ ચૂંટણી લાવી દેવા ભાજપાના તમામ સાંસદોને સામુહિક રાજીનામા આપી દેવા ખાનગીમાં મુવમેન્ટ ચલાવી રહ્યા છે. પરંતુ અડવાણીની આ સામુહિક રાજીનામાની ચળવળનો ભાજપાના ભીતરમાં જ વિરોધ થઈ રહ્યો છે. એલ.કે. અડવાણી વડાપ્રધાનના રાજીનામાની માગણી માટે ભીતરથી આટલા બધા હઠાગ્રહી કેમ થઈ ગયા તે સમજવા માટે નાનકડો ફલેશ બેક જોઈ લેવાની જરૃર છે. મુંબઈમાં ભાજપાની રાષ્ટ્રીય કારોબારી મળી ત્યારે સંઘની ઈચ્છા અનુસાર નરેન્દ્ર મોદીને નીતિન ગડકરી દ્વારા જે મહત્ત્વ મળ્યું તે અડવાણીને મળ્યું નહોતું. મોદીને આવતાં જોઈ તેઓ ઊભા થઈ બહાર ચાલ્યા ગયા હતા. નરેન્દ્ર મોદી જે પબ્લિક રેલીને સંબોધવા ગયા તે રેલીથી અડવાણી દૂર રહ્યા. અલબત્ત નરેન્દ્ર મોદીએ મુંબઈમાં જે પબ્લિક રેલીને સંબોધી તેમાં ભાજપાના કાર્યકરોએ મોદીને જબરદસ્ત આવકાર આપ્યો. આ ઘટનાથી છંછેડાયેલા એલ.કે. અડવાણીએ કેટલાક સમય બાદ નરેન્દ્ર મોદીને કાપવા તેમના બ્લોગમાં નીતિન ગડકરી પર આડકતરો પ્રહાર કરતાં લખ્યું કે, ''લોકો પક્ષની કામગીરીથી નિરાશ છે.'' તેના થોડા દિવસ બાદ અડવાણીએ ફરી તેમના બ્લોગમાં લખ્યું કે, ''હવે પછીની ચૂંટણીઓમાં કોંગ્રેસ કે ભાજપાનો વ્યક્તિ વડાપ્રધાન નહીં હોય.'' તેમનો આ સીધો પ્રહાર નરેન્દ્ર મોદીની મહત્ત્વાકાંક્ષા પર હતો.
ડીલ થવા ના દીધું
એલ.કે. અડવાણી પક્ષમાં પોતાનું સ્થાન માત્ર 'એન્ટીક પીસ' જેવું જ ના રહે તે માટે કાંઈકનું કાંઈક તરકટ કરતા જ રહે છે. પક્ષમાં પોતાનું મહત્ત્વ જળવાઈ રહે તે માટે તેમણે કરેલું એક બીજું કૃત્ય બહુ ઓછા લોકો જાણે છે. દેશના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોંગ્રેસે પ્રણવ મુકરજીના નામની ઘોષણા કરી અને તેમને વ્યાપક ટેકો મળ્યો હતો. એનડીએના જનતાદળ (યુ) તથા શિવસેના પણ પ્રણવ મુકરજીના ખુલ્લા ટેકામાં આવી ગયા હતા. રાષ્ટ્રપતિ તરીકે પ્રણવ મુકરજીની જીત નિશ્ચિત હોવા છતાં ભાજપાએ પી.કે. સંગ્માને ટેકો આપવાની જાહેરાત કરી. આ નિર્ણય પણ નીતિન ગડકરી, સુષ્મા સ્વરાજ કે અરુણ જેટલીનો નહોતો. પી.કે. સંગ્માની હાર નિશ્ચિત હોવા છતાં અને સંગ્માના મુદ્દે એનડીએમાં ભાગલા નિશ્ચિત હોવા છતાં એલ.કે.અડવાણીએ ે સંગ્માને ટેકો આપવા પાર્ટીને ફરજ પાડી હતી. અડવાણીએ એવો આગ્રહ રાખ્યો કે '' ભાજપાએ વિપક્ષનો રોલ જ ભજવવો જોઈએ.'' પરિણામ એ આવ્યું કે વિપક્ષ તરીકે ભાજપા તેનું ગૌરવ જાળવવાના બદલે હારનારના પક્ષમાં રહ્યો. તેના બદલે પ્રણવ મુકરજીને ટેકો આપી ભાજપા ઉપપ્રમુખ તરીકે પોતાના ઉમેદવારને પસંદ કરાવવાનું ડીલ કોંગ્રેસ સાથે કરાવી શક્યો હોત. આ ડીલ થયું હોત તો હામીદ અન્સારીના બદલે ભાજપાના જસવંતસિંહ ઉપરાષ્ટ્રપતિ હોત, પણ આવું ડીલ કરવાની જયલલિથાની અને નવીન પટનાયકની સલાહ અડવાણીએ સ્વીકારી નહીં. જયલલિથા અને નવીન પટનાયક સંગ્માને પ્રણવ મુકરજીની તરફેણમાં ખસી જવા સમજાવવાની અને ભાજપાની કોઈ વ્યક્તિને ઉપરાષ્ટ્રપતિ બનાવવાની તરફેણમાં હતા. આ રીતે ફરી એકવાર ભાજપાને સંસદમાં તોફાને ચડાવી પક્ષને રવાડે ચડાવી રહ્યા છે. સંસદમાં હંગામો કરી દેશમાં મધ્યસત્ર ચૂંટણીઓ લાવવાની ગેમ રમી રહેલા એલ.કે. અડવાણી સંસદમાં ભાજપા એકલું પડી જાય તેવી સ્થિતિ લાવી રહ્યા છે. અડવાણી ગમે તે રમત રમે પણ વડાપ્રધાન પદ તેમના નસીબમાં નથી.
અડવાણીજી, હવે નરેન્દ્ર મોદીને જ એ પદ માટે પુરુષાર્થ કરવા દો.દે