લખનૌ, તા. ૨૮
ટોચના અધિકારી ગાયબ થઈ જતા મિટિંગનો બોયકોટ કર્યો
સરકારી ઓફિસોમાં કામકાજનાં કલાકોમાં ટોચનાં અધિકારીઓ ટોળટપ્પા મારતા હોય કે ગાયબ થઈ ગયા હોય તેવો કડવો અનુભવ માત્ર પ્રજાને જ થાય છે તેવું નથી. ક્યારેક પ્રધાનો પણ આવી હરકતોનાં ભોગ બને છે. ઉત્તર પ્રદેશનાં શહેરી વિકાસ પ્રધાન આઝમખાનને પણ કંઈક આવો જ કડવો અનુભવ થયો. ઓફિસરોની મિટિંગમાં તેમનાં ખાતાનાં ટોચના અધિકારી જ અગાઉથી જાણ કર્યા વિના ક્યાંક ચાલ્યા જતા આઝમખાને પિત્તો ગુમાવ્યો હતો.
શહેરી વિકાસ સ્પેશ્યલ સેક્રેટરી વિષ્ણુ સ્વરૂપ મિશ્રાએ જ્યારે ખુલાસો કર્યો કે પ્રિન્સિપલ સેક્રેટરી પ્રવીર કુમારને ચીફ સેક્રેટરીએ બોલાવ્યા છે ત્યારે આઝમખાન ગુસ્સે થઈ ગયા હતા અને કહ્યું હતું કે, 'તો ક્યા અબ મુખ્ય સચિવ સરકાર સે ઉપર હો ગયે ? મિશ્રા જ્યારે વધુ ખુલાસો કરવા ગયા ત્યારે આઝમખાને કહ્યું હતું કે, ' ચૂપ બૈઠિયે...બદ્તમીઝ કહી કે...' આવું કહીને તેઓ મિટિંગનાં સ્થળ પરથી ચાલ્યા ગયા હતા.
પત્રકારો સાથેની વાતચીતમાં આઝમખાને કહ્યું હતું કે કોઈપણ માળખામાં ેગેરશિસ્ત ચલાવી લેવાય નહીં. પછી તે અધિકારીઓ હોય કે તેમનાં સહાયકો હોય કે હું હોઉં. જો આપણે પોતે જ શિસ્ત નહીં જાળવીએ તો બીજા પાસેથી તેની અપેક્ષા કેવી રીતે રાખી શકીએ.