Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 05:21:51 AM IST
 

બ્લેકમેલ એ ભાજપનાં બ્રેડ-બટર છે : સોનિયા

Aug 29, 2012 National
 
Tags:   Parlament Loksabha Sonia Gandhi BJP Delhi comment     E-Mail     Print    
 
Viewed: 2233
Rate: 0
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, તા. ૨૮
 
  • વિપક્ષોનો પ્રતિકાર કરવા સોનિયાએ આગેવાની લીધી
  • કોંગ્રેસીઓને આક્રમક અભિગમ અપનાવવા અનુરોધ કર્યો
  • ભાજપનાં અક્કડ વલણથી સતત છઠ્ઠા દિવસે સંસદ ઠપ
  • ચોમાસું સત્રમાં સંસદમાં માત્ર ૨૩ કલાક જ કામકાજ થયું
  • ભાજપ કોંગ્રેસ સામેની ઝુંબેશ સઘન બનાવશે

કોલસા કૌભાંડની આગથી સતત છઠ્ઠા દિવસે પણ દેશનું રાજકારણ અને સંસદ ગરમાગરમ રહ્યા હતા. કોલસા કૌભાંડમાં વડાપ્રધાનનાં રાજીનામાની માગણી અંગે ભાજપએ હઠાગ્રહી વલણ અપનાવતા સતત છઠ્ઠા દિવસે પણ સંસદની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી.સંસદને ખોરવવાનાં ભાજપનાં વ્યૂહ સામે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ મંગળવારે આક્રમક વલણ અપનાવ્યું હતું. ભાજપની સખત શબ્દોમાં ઝાટકણી કાઢતા સોનિયાએ કહ્યું હતું કે બ્લેકમેલ એ ભાજપનાં બ્રેડ-બટર છે તેમણે કોંગ્રેસનાં સાંસદોને વિપક્ષોનો લડાયક પ્રતિકાર કરવા હાકલ કરી હતી. આમ વિપક્ષો સામે લડવા સોનિયા મેદાનમાં આવ્યા હતા અને ભાજપ સામે યુધ્ધ જાહેર કર્યું હતું.

કોલ બ્લોક્સ ફાળવણી મામલે સંસદમાં મડાગાંઠ સર્જાતા વિપક્ષોનો પ્રતિકાર કરવા સોનિયાએ આગેવાની લીધી હતી. બીજી તરફ ભાજપએ પણ કોંગ્રેસ અને યુપીએ સરકાર સામે નમતું નહીં જોખવાનો નિર્ધાર કર્યો હોય તેમ કોંગ્રેસ સામેની ઝુંબેશ સઘન બનાવવાની જાહેરાત કરી હતી. લોકસભામાં ભારે શોરબકોર અને હંગામા વચ્ચે મંગળવારે એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું. સોનિયાને મુલાયમ સિંહ અને કિર્તી આઝાદ સાથે ગુફ્તગુ કરતા જોઈને સાંસદોમાં આશ્ચર્ય ફેલાયું હતું. સોનિયાની આ હરકત રાજકીય ખીચડી રંધાઈ રહી હોવાનાં એંધાણ આપતી હતી. કોલ બ્લોક્સનાં વિવાદમાં જાહેર ચર્ચામાં જોડાવા સીએજી દ્વારા ઈનકાર કરવામાં આવ્યો હતો. જો કે દેશનાં અગ્રણી વેપારી મહામંડળ એસોચેમ દ્વારા એવા આક્ષેપ કરાયા હતા કે સીએજીનો અહેવાલ શંકાસ્પદ છે. વિપક્ષો દ્વારા સંસદમાં અવરોધો સર્જાવાથી ચોમાસું સત્રમાં સંસદ માત્ર ૨૩ કલાક જ મળી શકી હતી. સમાજવાદી પાર્ટીએ સંસદ ઠપ થવા માટે કોંગ્રેસનાં આંતરિક રાજકારણને જવાબદાર ગણાવ્યું હતું.

  • સોનિયાની મુલાયમ અને કિર્તી આઝાદ સાથે ગંભીર ગુફ્તગુ
  • જાહેર ચર્ચામાં જોડાવા સીએજીનો ઈનકાર
  • સીએજીનાં અહેવાલોએ શંકાઓ સર્જી હોવાનો એસોચેમનો દાવો
  • સંસદ ખોરવવા માટે કોંગ્રેસનું આંતરિક રાજકારણ જવાબદાર- એસપી
 
લોકસભામાં વિપક્ષોનો પ્રતિકાર કરવા સોનિયાએ આગેવાની લીધી

કોલસા કૌભાંડમાં ભાજપનો સામનો કરવા કેવો વ્યૂહ અપનાવવો અને આ સમગ્ર મામલાને કેવી રીતે ઉકેલવો તેની ચર્ચા કરવા સોનિયાએ કોંગ્રેસ સંસદીય પક્ષની બેઠક બોલાવી હતી. ભાજપ દ્વારા સંસદને ઠપ કરવાનાં કૃત્યને તેમણે શરમજનક અને ક્ષોભજનક ગણાવ્યું હતું. ભાજપ આ મામલે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યું છે અને બ્લેકમેલ એ ભાજપનાં બ્રેડ-બટર છે તેમ સોનિયાએ કહ્યું હતું. વારંવાર સંસદ ખોરવીને બેવડી નીતિ અપનાવનાર ભાજપને ખુલ્લો પાડવા અને શેરીઓમાં જઈને તે અંગે લોકોને સત્યથી માહિતગાર કરવા તેમણે કોંગ્રેસનાં સાંસદોને અપીલ કરી હતી. સંસદ ખોરવીને ભાજપ લોકશાહીનું ગળું ઘોંટી રહ્યું છે. કોંગ્રેસ તમામ મુદે ચર્ચા કરવા તૈયાર છે. બંધારણીય સંસ્થાઓની ગરિમા જાળવવાની વાત કરીને ભાજપ મગરનાં આંસુ સારી રહ્યું છે.

 
સતત છઠ્ઠા દિવસે સંસદની કામગીરી ખોરવાઈ

કોલસા કૌભાંડ માટે વડાપ્રધાનને જવાબદાર ઠેરવીને તેમનાં રાજીનામાની માંગણીમાં ભાજપ અને એનડીએનાં સાથી પક્ષો અડગ રહેતા સતત છઠ્ઠા દિવસે સંસદની કાર્યવાહી ચાલી શકી નહોતી. બંને ગૃહની બેઠક મળી ત્યારે ભાજપનાં સાંસદો અને વિપક્ષી સભ્યોએ ભારે શોરબકોર મચાવ્યો હતો. શાસક પક્ષનાં સભ્યોએ પ્રશ્વકાળ દરમિયાન જવાબો આપવા તૈયારી દર્શાવી હતી પણ ઘોંઘાટને કારણે કંઈ સાંભળી શકાતું જ નહોતું. આખરે અધ્યક્ષ દ્વારા બંને ગૃહને મોકુફ રાખવાની ફરજ પડી હતી. બુધવારે ઓણમને લીધે રજા હોવાથી હવે ગુરૂવારે સંસદ ફરી મળશે તેમ જાણવા મળે છે. ચોમાસું સત્રમાં માત્ર ૨૩ કલાક જ સંસદની કાર્યવાહી ચાલી શકી છે.

 
ભાજપ કોંગ્રેસ સામેની ઝુંબેશ સઘન બનાવશે

કોંગ્રેસનાં આક્રમક વલણ સામે ભાજપએ કોંગ્રેસ સામેની ઝુંબેશ સઘન બનાવવાનો સંકલ્પ કર્યો હતો. ભાજપએ કહ્યું હતું કે જવાબદારી અંગે અમારે કોંગ્રેસ પાસેથી ર્સિટફિકેટ મેળવવાની જરૂર નથી. કોંગ્રેસ સંસદ અને દેશ પ્રત્યે વધુ જવાબદારી પૂર્વક વર્તે તેમ વિપક્ષોએ વળતો પ્રહાર કરતા કહ્યું હતું. કોંગ્રેસ માત્ર સંસદમાં ચર્ચા કરવા માગે છે પણ સંસદ પ્રત્યેની તેની જવાબદારી પણ અદા કરે. ભ્રષ્ટાચારનાં મામસે દેશભરમાં કોંગ્રેસનો વિરોધ કરવા દેખાવો કરાશે તેમ ભાજપએ જણાવ્યું હતું.

 
સોનિયાએ મુલાયમને 'નમસ્તેજી'... કર્યું

ભાજપ સામે પૂર્ણ યુધ્ધ છેડનાર કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી લોકસભામાં મુલાયમ અને કિર્તી આઝાદ સાથે ગુફ્તગુ કરી હતી. તેમના સાથી પક્ષ સમાજવાદી પાર્ટીનાં નેતા મુલાયમ સિંહ યાદવને મળીને તેમણે નમસ્તેજી... કહ્યું હતું. થોડી મિનિટ વાતચીત કર્યા પછી તેમણે શુક્રિયા... અદા કરી હતી. સોનિયાનો આ વ્યૂહ હજી ઉકેલાય તે પહેલા તેઓ કિર્તી આઝાદને પણ મળ્યા હતા અને ગુસપુસ કરી હતી. સોનિયાની આ હરકતોએ રાજકીય મંચ પર ચૂંટણીઓ વહેલી આવી રહી હોવાની ચર્ચાને વેગ આપ્યો હતો.

 
જાહેર ચર્ચામાં જોડાવા સીએજીનો ઈનકાર

કોલ બ્લોક્લ પર સંસદમાં અને સંસદ બહાર આક્ષેપો અને પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે સીએજીએ આ મામલે જાહેર ચર્ચામાં સામેલ થવાનો ઈનકાર કર્યો હતો. સીએજી વિનોદ રાયે કહ્યું હતું કે એક સંસદીય સત્તામંડળને નાતે તે જાહેર ચર્ચામાં ભાગ ન લે તે ઈચ્છનીય છે. જ્યારે જરૂર પડશે ત્યારે યોગ્ય સ્થળે યોગ્ય સમયે આ અંગે વધુ ખુલાસા કરવા સુીએજીએ તૈયારી દર્શાવી હતી. બીજી તરફ દેશનાં અગ્રણી વેપારી મહામંડળ એસોચેમ દ્વારા સીએજીનાં રિપોર્ટને શંકા જન્માવનારો ગણાવવામાં આવ્યો હતો.

 

સંસદ ખોરવવા માટે કોંગ્રેસનું આંતરિક રાજકારણ જવાબદાર : એસપી

સંસદ ખોરવવા માટે સમાજવાદી પાર્ટીનાં નેતા મોહન સિંહે કોંગ્રેસનાં આંતરિક રાજકારણને જવાબદાર ગણાવ્યું હતું. ભાજપ દ્વારા વડાપ્રધાનનાં રાજીનામાની માંગણી જે રીતે કરવામાં આવી રહી છે તેને કોંગ્રેસનાં કેટલાક સાસંદોનો ટેકો હોવાનો તેમણે ઘટસ્ફોટ કર્યો હતો. કોંગ્રેસનાં કેટલાક લોકો મનમોહનનાં સ્થાને યુવરાજ રાહુલ ગાંધીને પીએમ બનાવવા માગે છે તેમ તેમણે જણાવ્યું હતું. જો કે કોંગ્રેસે આવી અટકળોને હાસ્યાસ્પદ ગણાવી હતી. સીપીઆઈ-એમ દ્વારા કોલ બ્લોક્સ ફાળવણી પર તત્કાળ ચર્ચા યોજવાની માંગણી કરવામાં આવી હતી.

 

રેડ્ડી બ્રધર્સે ભાજપ નેતાઓને જંગી લાંચ ચુકવ્યાનો લાલુનો આક્ષેપ

કર્ણાટકમાં રેડ્ડી ભ્રધર્સ દ્વારા ભાજપનાં નેતાઓને લાંચ પેટે જંગી રકમ આપવામાં આવી છે તેવા આક્ષેપો આરજેડી નેતા લાલુપ્રસાદ દ્વારા કરવામાં આવ્યા હતા. લાલુએ આ મામલે સંસદીય સમિતિ દ્વારા તપાસની માંગણી કરી હતી.

 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com