ભુજ, તા.ર૮
ભુજ શહેર પોલીસ મથકના લોકઅપના શૌચાલયમાં ત્રણ અપમૃત્યુ થયા બાદ સત્તાવાળાઓએ હવે નવા નાકે દિવાળીની જેમ શૌચાલયમાં બેઠેલા આરોપી પર નજર રહે. તે માટે દરવાજો ટૂંકો કરી. ભૂલનું પુનરાવર્તન ન થાય તે જોવા પીએસઓને જણાવ્યું છે. ટૂંકમાં શૌચક્રિયા કરતા આરોપી ઉપર હવે ફરજ પરના કર્મીની સીધી નજર રહેશે.
- આખરે શહેર પોલીસ મથકના લોકઅપના શૌચાલયનો દરવાજો કરાયો ટૂંકો
થોડા સમય પહેલાં શહેર પોલીસ મથકના લોકઅપના શૌચાલયમાં બાઇકચોરીના આરોપીએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.આ અગાઉ પણ એક આરોપીએ આત્મહત્યા કરવાનો તથા એકને હાર્ટ એટેક આવતાં મોત નીપજ્યું હતું.
સામાન્ય શૌચાલયનો દરવાજો બંધ રાખવો જ પડે એટલે અંદર જનારની ગતીવિધિ પર ફરજ પરના કર્મચારીની નજર ના રહે તે માની શકાય તેવી વાત છે, પરંતુ અપમૃત્યુના કિસ્સામાં તેની જવાબદારી અને કાર્યવાહી ક્યારેક ભારે પણ પડી શકે તેવી હવે વચલો માર્ગ કાઢવામાં આવ્યો છે.
લોકઅપના શૌચાલયનો દરવાજો ટૂંકો કરી નાખવામાં આવ્યો છે. સાડા છ ફૂટનો દરવાજો કાપી અઢી ફૂટ જેટલો બનાવી દેવાયો છે. જેથી તેની ક્રિયામાં ખલેલ ન પડે અને તેના ઉપર ફરજ પરનો કર્મચારી નજર પણ રાખી શકે. ખેર જાગ્યા ત્યાંરથી સવાર, પરંતુ એક વાત ચોક્કસ છે હવે પોલીસ મથકમાં આત્મહત્યાના કિસ્સા નહીં બને એટલે આગવી ઢબે પૂછપરછ ઉપર પણ આડકતરો અંકુશ પણ આવશે. તે વાત સિક્કાની બીજી બાજુ છે.