Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 10:30:24 PM IST
 

આત્માની શુદ્ધિનું પર્વઃ પર્યુષણ

Aug 29, 2012 Supplements > Shraddha
 
comment     E-Mail     Print    
 
Viewed: 945
Rate: 0
Rating:
Bookmark The Article

પર્વ વિશેષ - સંજય દોશી

જીવનમાં ઘણા બધા પર્વો-ઉત્સવો આવીને જતા રહે છે. દરેકેદરેક પર્વનું એક આગવું અને વિશિષ્ટ મહત્ત્વ હોય છે. પર્યુષણને આરાધના કરવાનું પર્વ માનવામાં આવે છે. પર્યુષણ એટલે પાપથી પાછાં હટવું. આખા વર્ષ દરમ્યાન કરેલાં તમામ પાપ-દોષોને તપાસીને તેને દૂર કરવાની તક. જે પણ વ્યક્તિ સાથે મનદુઃખ, લડાઈ-ઝઘડાના બનાવો બન્યા હોય તેને તથા દુશ્મનોને માફ કરવાનો સોનેરી અવસર છે. પર્યુષણ પર્વની આરાધના તન-મન-ધનથી પૂરી વફાદારીપૂર્વક આત્માની સાક્ષીએ કરવાની હોય છે.

ચોમાસાના ચાર મહિના કોઈ પણ નાના કે અતિસૂક્ષ્મ જીવોના વિહાર કરવાથી હિંસા ન થાય તેવા મહાન ઉદ્દાત ઉદ્દેશથી ઉપાશ્રયોમાં સાધુ, સાધ્વી, મહારાજ સાહેબો ચાર્તુમાસ પ્રવેશ કરીને ઉપાશ્રયોમાં ચાર માસ સુધી સ્થિરતા કરે છે અને સંસારી જીવાત્માઓને તપ, ત્યાગ, ધર્મની આરાધના કરાવે છે. પર્યુષણમાં ક્રોધ, મોહ, માયા અને લોભ જેવા કષાયોને દૂર કરવા જોઈએ. વેર-ઝેર, રાગ-દ્વેષ જેવાં બંધનોને ફગાવી દેવાં જોઈએ. પર્યુષણ પર્વની આરાધના કરવા માટે સાધુ-સંતોની આજ્ઞા પાળવી જોઈએ.

પર્યુષણ પર્વ એટલે કર્મોની નિર્જરા કરવાનો અણમોલ સમય. આખા વર્ષ દરમિયાનની આપણી તમામ જીવનચર્યા, વાણી, વર્તન અને વ્યવહારની ચકાસણી કરવી જોઈએ. ક્યાં આપણી ભૂલો થઈ? ક્યાં આપણાથી જીવહિંસા થઈ? ક્યાં આપણે કોઈની સાથે મનદુઃખ થયું? ક્યાં આપણાથી રાગ-દ્વેષ, વેર-ઝેર ઉદ્ભવ્યાં? તે બધું આત્માની સાક્ષીએ તપાસવાનું હોય છે, શોધવાનું હોય છે અને આ કરેલાં તમામ પાપકર્મોને હૃદયના શુદ્ધભાવથી તથા સાચા હૃદયથી અંતરના ખૂણા સાફ કરીને આંખમાં પ્રાયશ્ચિતનાં આંસુ સાથે દરેક જીવોની માફી માંગવી જોઈએ અને સામેની વ્યક્તિને માફી આપવી પણ જોઈએ, તેથી જ પર્યુષણ પર્વને આત્માની શુદ્ધિનું પર્વ કહેવાય છે.

પર્યુષણમાં તપશ્ચર્યા કરીને પોતાના શરીરને તપના તેજથી તપાવવાનું હોય છે. જેવી આપણા શરીરની અનુકૂળતા હોય તે મુજબ નાની મોટી તપશ્ચર્યા કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ચાતુર્માસ દરમિયાન એકાસણા, બિયાસણા, ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠાઈ, સોળભથ્થું, માસક્ષમણ, આયંબિલ કે વર્ષીતપ જેવી ઉગ્ર તપશ્ચર્યા કરીને પોતાનાં પાપકર્મોની નિર્જરા કરવાની હોય છે. આવા મહાન દિવસોમાં પરનિંદાને ત્યજવાની હોય છે. જેની પણ સાથે દુશ્મનાવટ થઈ હોય તેને માફ કરીને, ભૂલીને સૌ કોઈની ક્ષમાપના માંગવી જોઈએ. પર્યુષણના પાંચમા દિવસે પ્રભુ મહાવીર સ્વામી ભગવાનનું જન્મકલ્યાણક વાંચન થાય છે અને તેના છેલ્લા દિવસે સંવત્સરી પ્રતિક્રમણ જે વર્ષનું સૌથી મોટું અને મહાન પ્રતિક્રમણ કહેવાય છે તે થાય છે. જેઓ આત્માની શુદ્ધિ કરવાનું વિચારતા હોય તે તમામ ભાગ્યશાળી આત્માઓ સંવત્સરી પ્રતિક્રમણ કરીને જગતના તમામ ચોર્યાસી લાખ જીવયોનિના જીવોની ક્ષમાપના માંગે છે અને તેથી જ સંવત્સરીના દિનને ક્ષમાપના દિન પણ કહેવાય છે. આવા મહાધિરાજ પર્યુષણમાં સૌના જીવનમાં અંતરશુદ્ધિ કરી દરેક જીવોને 'મિચ્છામિ દુક્કડ્મ' પાઠવીને આનંદ-ઉલ્લાસ અને ખુશીઓ લાવે તેવી શુભ ભાવના દરેકે રાખવી જોઈએ.        

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com