Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 07:27:49 AM IST
 

પ્રશંસા અને નિંદા સંતને મન બેય સરખા

Aug 29, 2012 Supplements > Shraddha
 
comment     E-Mail     Print    
 
Viewed: 1157
Rate: 0
Rating:
Bookmark The Article

બોધકથા - કીર્તના ત્રિવેદી

જંગલમાં એક પર્વત પર એક સંત રહેતા હતા. એક દિવસ એક ભક્ત ત્યાં આવ્યો અને સંતને કહ્યું, 'મહાત્માજી, મારે તીર્થયાત્રા પર જવું છે. રસ્તામાં ચોર-લૂંટારુઓનો ભય રહ્યા કરે છે, તેથી મારી સુવર્ણમુદ્રાઓ ભરેલી થેલી તમે રાખી લો.'

સંતે કહ્યું, 'ભાઈ, મારે આ ધન-દોલતથી શું મતલબ!' આ સાંભળી ભક્તે કહ્યું, 'મહારાજ, તમારા સિવાય મને અન્ય કોઈ સુરક્ષિત તથા વિશ્વસનીય જગ્યા નથી દેખાતી, તેથી કૃપા કરીને તમે આ સુવર્ણમુદ્રા ભરેલી થેલી સાચવો.'

ભક્તની વિનંતી સાંભળીને સંતે કહ્યું, 'ઠીક છે, અહીં જ ખાડો ખોદીને સુવર્ણમુદ્રા ભરેલી થેલીને દાટી દે.' સંતના કહ્યા પ્રમાણે ભક્તે ખાડો કરીને તે થેલીને દાટી દીધી અને તીર્થયાત્રા માટે નીકળી ગયો. તીર્થયાત્રા કરીને જ્યારે તે ભક્ત પાછો આવ્યો ત્યારે તેણે મહાત્મા પાસે પોતાની સુવર્ણમુદ્રા ભરેલી થેલી માંગી. મહાત્માએ કહ્યું, 'તેં જ્યાં દાટી હતી ત્યાં જ ખોદીને કાઢી લે.' ભક્તે જમીન ખોદીને સુવર્ણમુદ્રા ભરેલી થેલી બહાર કાઢી અને પ્રસન્ન થઈને સંતના ખૂબ ગુણગાન કર્યા, પરંતુ સંત પર તેના ગુણગાનનો કોઈ પ્રભાવ પડયો નહીં. થોડી વાર પછી ભક્ત ઘરે પહોંચ્યો. તેણે પત્નીના હાથમાં તે થેલી આપી અને સ્નાન કરવા માટે ચાલ્યો ગયો.

 કોઈ પણ જાતના અંતરાય કે કષ્ટ વગર પોતાનો પતિ તીર્થયાત્રા કરીને પાછો આવ્યો તેની ખુશીમાં પત્નીએ લાડવા બનાવવાનું નક્કી કર્યું. તેના માટે તેણે પતિએ આપેલી થેલીમાંથી એક સુવર્ણમુદ્રા કાઢી અને લાડવા બનાવવાની વસ્તુઓ ખરીદવા માટે બજારમાં ગઈ. પતિ સ્નાન કરીને આવ્યો. થોડી વાર પછી તે પેલી થેલીમાંથી સુવર્ણમુદ્રાઓ ગણવા લાગ્યો. તેમાં એક મુદ્રા ઓછી હતી. તે વિચારવા લાગ્યો કે ચોક્કસ પેલા સંતે જ મારી એક મુદ્રા આ થેલીમાંથી કાઢી લીધી હશે. તે ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને સંત પાસે પહોંચી ગયો. ત્યાં પહોંચીને તે સંતને ખરું-ખોટું સંભળાવવા લાગ્યો. તે કહેવા લાગ્યો કે, 'હું તો તમને ખૂબ જ વિદ્વાન અને પ્રામાણિક સંત સમજતો હતો, પરંતુ આ સુવર્ણમુદ્રા જોઈને તમારી દાનત બગડી ગઈ.' આ રીતે તે સંતને અનેક પ્રકારનાં કટુ વચનો બોલતો રહ્યો, પરંતુ સંત પર તેની આ નિંદાનો કોઈ પ્રભાવ પડયો નહીં. સંત તો એ જ સ્થિતિમાં બેસી રહ્યા અને સામો કોઈ જવાબ આપ્યો નહીં. પોતાના પતિને ઘરે ન જોતાં તેને શોધતાં શોધતાં તે ત્યાં આવી પહોંચી અને તેણે કહ્યું કે તમારી સફળ તીર્થયાત્રાને કારણે હું પ્રસન્ન થઈને તમારા ભોજન માટે લાડુ બનાવવાનો સામાન ખરીદવા માટે આ થેલીમાંથી એક સુવર્ણમુદ્રા લઈ ગઈ હતી.

પત્નીના મોઢે આ વાત સાંભળીને ભક્તનું માથું શરમથી ઝૂકી ગયું. તેણે સંતનાં ચરણોમાં માથું નમાવીને રડતાં-રડતાં કહ્યું, 'હે મહાત્મા, મને ક્ષમા કરો. મેં ગુસ્સામાં આવીને તમને ન કહેવાનું કહ્યું છે.' આ સાંભળી સંતે પોતાની બંને મુઠ્ઠીઓમાં જમીન પર પડેલી ધૂળ લીધી અને કહ્યું, 'આમાંથી એક છે પ્રશંસા અને એક છે નિંદા. મારા માટે આ બંને ધૂળ બરાબર છે. હું તને ક્ષમા આપું છું.'       

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com