Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 09:02:18 AM IST
 

ઓલિમ્પિકમાં દેશનું નામ રોશન કરનાર મેરી કોમ

Sep 03, 2012 Supplements > Nari
 
comment     E-Mail     Print    
 
Viewed: 771
Rate: 5.0
Rating:
Bookmark The Article

સકસેસ સ્ટોરી - ડાલી જાની

દરેક વ્યક્તિના જીવનમાં એક સમય એવો આવે છે, જે તેને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપી જાય છે. ભારતની મહિલા બોક્સર ખેલાડી મેરી કોમના જીવનમાં પણ એક સમય એવો આવ્યો જ્યારે તેમણે પ્રથમ વાર ખુમાન લમ્પક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની બોક્સિંગ રિંગમાં મહિલાઓને પુરુષો સાથે બોક્સિંગ કરતી જોઈ અને બોક્સિંગના ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવાનો નિર્ણય લીધો. મેરી કોમ ભારતની એક એવી મહિલા બોક્સર ખેલાડી છે, જેણે ૨૯ વર્ષની નાની ઉંમરમાં માત્ર ભારતમાં જ નહીં, પરંતુ પૂરી દુનિયામાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. મેરી કોમે પોતાની અથાક મહેનત અને પ્રબળ ઇચ્છાશક્તિ સાથે લંડન ઓલિમ્પિક ૨૦૧૨માં કાંસ્યચંદ્રક મેળવીને દેશનું નામ રોશન કર્યું છે. મેરી કોમ ૫૧ કિલોની શ્રેણીની વિશ્વમાં ચોથા નંબરની મહિલા ખેલાડી છે, તેની સાથે જ પાંચ વખત વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપ જીતનાર સફળ મહિલા ખેલાડી છે.

પ્રારંભિક કારકિર્દી

મેરી કોમને બાળપણથી જ બોક્સિંગમાં બહુ રુચિ હતી, પરંતુ તેને કાયમ પોતાની રુચિને પરિવારથી સંતાડી, કારણ તેમના પરિવારના સભ્યો બોક્સિંગને મહિલાઓ માટેની રમત નહોતા ગણતા. મેરી કોમે મણિપુરના બોક્સર ખેલાડી ડિંગકો સિંહની સફળતાથી પ્રેરિત થઈ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં બોક્સિંગની તાલીમ લેવાનું શરૂ કર્યું. ૨૦૦૦માં મેરીએ છુપાવીને શરૂ કરેલી બોક્સિંગ કારકિર્દી જાહેર થઈ ગઈ. મેરી મણિપુર રાજ્ય મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપ જીતી અને છાપામાં છપાયેલી મેરીની સફળતાની કહાની તેમજ ફોટો તેના પિતાએ જોયા. મેરીએ પોતાની આવડતથી સાબિત કરી બતાવ્યું કે કંઈક કરવાની ઇચ્છા હોય તો ગમે તેવી મુશ્કેલી આવે તેનો સામનો કરી શકાય છે. મેરીની સફળતા જોઈ તેના પિતા જેઓ મેરીના બોક્સિંગમાં આવવાના વિરુદ્ધ હતા તેઓ પણ તેને આગળ વધવામાં મદદરૂપ થયા અને પશ્ચિમ બંગાળમાં યોજાયેલી ઘરેલુ ચેમ્પિયનશિપ જીત્યા બાદ મેરીએ ૧૮ વર્ષની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપ મેળવવા કૂચ કરી અને યુનાઇટેડ સ્ટેટ્સમાં યોજાયેલી વુમન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં રજતચંદ્રક મેળવી સફળતાનાં શિખરો સર કરતી ગઈ.

આંતરરાષ્ટ્રીય સફર

કારકિર્દીની શરૂઆતમાં મેરીને તેના પરિવારનો સાથ નહોતો, તો પણ મેરીએ ક્યારેય હાર ન માની અને મહેનત કરતી ગઈ. મેરીએ ૪૬થી ૪૮ કિલોની શ્રેણીમાં અનેક મેડલ મેળવ્યા હતા, પણ ૨૦૧૨ની વર્લ્ડ ટીમ દ્વારા પ્રથમ વાર મહિલા બોક્સરનો ઓલિમ્પિકમાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને તેના માટે ત્રણ શ્રેણી બનાવવામાં આવી હતી, જેમાં સહુથી ઓછી શ્રેણીમાં ૫૧ કિલોની શ્રેણી હતી, માટે મેરીને તેનું વજન વધારવું પડયું હતું. મેરી કોમે પોતાની અથાક મહેનત અને પ્રબળ ઇચ્છાશક્તિ સાથે લંડન ઓલિમ્પિક ૨૦૧૨માં કાંસ્યચંદ્રક મેળવીને દેશનું નામ રોશન કર્યું છે.    

રમતગમતમાં મેળવેલ સિદ્ધિઓ

* ૨૦૦૧માં મહિલાઓની વિશ્વ એમેચ્યુર બાક્સિંગ ચેમ્પિયનશિપમાં ૪૫ કિલોની શ્રેણીમાં રજતચંદ્રક

* ૨૦૦૨માં મહિલાઓની વિશ્વ એમેચ્યુર બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ૪૫ કિલોની શ્રેણીમાં સ્વર્ણચંદ્રક       

* ૨૦૦૫માં મહિલાઓની વિશ્વ એમેચ્યુર બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ૪૬ કિલોની શ્રેણીમાં સ્વર્ણચંદ્રક

* ૨૦૦૬માં મહિલાઓની વિશ્વ એમેચ્યુર બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ૪૬ કિલોની શ્રેણીમાં સ્વર્ણચંદ્રક

* ૨૦૦૮માં મહિલાઓની વિશ્વ એમેચ્યુર બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ૪૬ કિલોની શ્રેણીમાં સ્વર્ણચંદ્રક

* ૨૦૦૯માં આંતરરાષ્ટ્રીય બોક્સિંગ એસોસિયેશનની મહિલા બોક્સિંગની એમ્બેસેડર

* ૨૦૧૦માં મહિલાઓની વિશ્વ એમેચ્યુર બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ૪૮ કિલોની શ્રેણીમાં સ્વર્ણચંદ્રક

* ૨૦૧૦માં એશિયાઈ રમતોની મહિલા બોક્સિંગની ફ્લાઇવેટ શ્રેણીમાં કાંસ્યચંદ્રક

* ૨૦૧૨માં ઓલિમ્પિક રમતોની મહિલા બોક્સિંગની ફ્લાઇવેટ શ્રેણીમાં કાંસ્યચંદ્રક

નામ : માંગટે ચુંગનીજેંગ મેરી કોમ

જન્મ : ૧ માર્ચ, ૧૯૮૩. ઇમ્ફાલ, મણિપુર

અભ્યાસ : ગ્રેજ્યુએશન

પરિવાર : માતાઃ અખમ કોમ, પિતા - ટોનપા કોમ, પતિ - કે. ઓનલર કોમ, બે બાળક - રેચુંઘવર અને ખુપનીવર

સિદ્ધિઓ : અર્જુન એવોર્ડ (૨૦૦૩), પદ્મશ્રી એવોર્ડ (૨૦૦૬), રીઅલ હીરોઝ એવોર્ડ (૨૦૦૮), પેપ્સી એમટીવી યૂથ આઇકનએવોર્ડ (૨૦૦૮), લિમ્કા બુક રેકોર્ડ (૨૦૦૭), રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ(૨૦૦૯), સહારા સ્પોર્ટ્સ એવોર્ડ (૨૦૧૦)

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com