Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 01:17:49 PM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

પ્રાણીઓનાં ટોળાં : ૩૨ સિંહ, ૪૭ હાથી, ૫૦ હજાર પેંગ્વિન, ૦૨ અબજ કબૂતરો (સમયાંતર)

Sep 04, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 1837
Rate: 3.6
Rating:
Bookmark The Article

સમયાંતર - લલિત ખંભાયતા

સામાન્ય રીતે બે-ચારની સંખ્યામાં જોવા મળતાં સિંહોનાં પણ હવે ટોળાં થવા લાગ્યાં છે. ગીરમાં તો 'કમલેશ્વર મેલ્સ' નામની સિંહ ટોળકીમાં ૩૨ સભ્યો છે. સાત-આઠ સિંહો હુમલો કરે એવી ઘટનાઓની નવાઈ નથી રહી. બીજાં પ્રાણીઓનાં ટોળાં પણ 'લાર્જર ધેન લાઈફ' નોંધાયા છે. કેટલાક સજીવોની ટોળીમાં સભ્યોની સંખ્યા એક જ હોય છે, તો વળી કેટલાકની સંખ્યા અબજો સુધી પહોંચે છે!

સિંહઃ યેસ, ટોળાં પણ હોય...

અત્યારે ભલે સિંહ ૩૨ના ટોળાં સુધી પહોંચ્યા હોય પણ એક સમયે 'સિંહનાં ટોળાં ન હોય' એ કહેવત લિટરલી સાચી પડતી. મતલબ કે મહદ અંશે સિંહ કે સિંહણ એકલાં જ જોવા મળતાં. સિંહ-સિંહણ ચોમાસામાં સાથે હોય, પરંતુ એ વખતે આમ આદમીને જંગલમાં પ્રવેશ ન હોય. વળી સિંહણ સાથે તેનાં બચ્ચાં હોય ત્યારે પણ કોઈ તેની પાસે ફરકવાનું પસંદ ન કરે. પણ ગીરના સિંહો છેલ્લા કેટલાક સમયથી ટોળે વળતા થયા છે. બેએક દાયકા પહેલાં જ્યારે સૌરાષ્ટ્રના મેંદરડા પાસેના મોટી ખોડિયાર ગામે નવ સિંહ એક સાથે જોવા મળ્યા ત્યારે એ પંથકમાં હાહાકાર મચી ગયેલો. એ સિંહો ગામના પાદરમાં પહોંચેલા અને કેટલાક તો વળી ત્યાં રહેલી એસટી બસ નીચે ઘૂસી ગયા હતા. કોઈ મોટો શિકાર હાથ ન લાગતાં સિંહો ૩૦-૩૫ ઘેટાં-બકરાંનો શિકાર કરી જંગલ તરફ રવાના થયેલા. સિંહો ટોળે વળે છે, કારણ કે ડાર્વિને આપેલો 'સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ'નો સિદ્ધાંત તેમને પણ લાગુ પડે છે. જો ભેગા મળીને શિકાર ન કરે તો ઘણી વખત ભૂખ્યા રહેવાનો વારો આવે. અલબત્ત, આફ્રિકાના સિંહો પહેલેથી જ રખડુ ટોળી જેવા છે. ૩થી માંડીને ૩૦ની ટોળકી ત્યાં સહજ છે. ઘણી વખત ડિસ્કવરી કે નેટજીઓના કાર્યક્રમોમાં પણ સિંહોનાં ટોળાં નજરે પડી જતાં હોય છે.

હાથીઃ ધરતી ધ્રુજાવતી ટોળી

હાથીઓ આમ તો ટોળાંમાં જ રહેવા ટેવાયેલા છે. રસ્તા પર ક્યારેક બે-ચાર હાથીઓ એકસાથે નજરે પડી જતાં હોય છે. જંગલમાં પાંચ-પચીસ હાથીઓ એક સાથે હોય છે. આસામ, કેરળ, તમિલનાડુ, ઝારખંડ વગેરે રાજ્યોમાં હાથીઓનાં ટોળાં ખેતરોને ધમરોળતાં હોવાથી હાથીઓ-માણસો વચ્ચે સંઘર્ષ પણ ચાલ્યા કરે છે. હાથીઓ મોટાં ટોળાંમાં હોવાથી તેની સામે લાંબો સમય ફાઈટ આપી શકાતી નથી. ગુજરાતી વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર સનત શોધને કેન્યાના 'માઉન્ટ કેનિયા નેશનલ પાર્ક'માં એક સાથે ૪૭ હાથીઓને પાણી પીવા જતાં ગણ્યાં છે.

વિલ્ડબિસ્ટઃ ધરતી પરનું સૌથી મોટું માઈગ્રેશન

આફ્રિકામાં જોવા મળતા વિલ્ડબિસ્ટ તેમના વિશાળ ગ્રૂપને કારણે જ જાણીતા છે. જંગલી ગાયો જેવા લાગતાં આ પ્રાણીઓના ગ્રૂપની સંખ્યા લાખો સુધી પહોંચતી હોય છે. વિલ્ડબિસ્ટનાં ટોળાંઓ દર વર્ષે મે-જૂનમાં સૂકી સિઝન શરૂ થાય ત્યારે ટાન્ઝાનિયાથી પડોશી દેશ કેન્યા તરફ ઊપડે છે. એ વખતે વિલ્ડબિસ્ટનું ટોળું પંદરેક લાખનું હોય છે. તેમાં થોડા પ્રમાણમાં ઝેબ્રા પણ હોય છે. પૃથ્વી પર થતું એ સૌથી મોટું માઈગ્રેશન છે. રસ્તામાં કેટલાક શિકાર બને તો કેટલાક મારા નદી ઓળંગતી વખતે ભેખડેથી પડીને મૃત્યુ પામે. પણ બે-પાંચ હજારના મોતની અસર પંદર લાખનાં ટોળાંને ન થાય એ સ્વાભાવિક છે. ૨૦૦૭માં મારા નદી ઓળંગતી વખતે ધક્કામુક્કી (આપણે ત્યાં મંદિરોમાં થાય એવી) વખતે દસેક હજાર વિલ્ડબિસ્ટનાં મોત એક સાથે થયેલાં. ટૂંકમાં મોતની સંખ્યા જ હજારોમાં હોય એનાં ટોળાં કેવડાં હશે એ કલ્પના થઈ શકે.

ઓલિવ રીડલી કાચબા: ઊગતા સૂર્યના પૂજારી

સામાન્ય રીતે દરિયામાં જ્યાં ત્યાં તરતાં રહેતા ઓલિવ રીડલી કાચબા બચ્ચાંના જન્મ વખતે મોટી સંખ્યામાં ઓરિસ્સા આવી પહોંચે છે. અહીં એક સાથે લાખો કાચબાઓ દરિયામાંથી નીકળીને રાત્રીના અંધકારમાં કાંઠા પરની રેતીમાં ઈંડાં મૂકી ફરી દરિયામાં જતા રહે છે. એ વખતે કાચબાઓની સંખ્યા બે-ચાર લાખ જેવી હોય છે. ૧૯૯૧માં તો એક જ સપ્તાહમાં છ લાખ કરતાં વધારે કાચબાઓએ અહી માળા બનાવ્યા હતા. એક સમયે આખા જગતમાં ઓલિવ રીડલીની વસતી આઠેક લાખ હતી અને એ બધા જ ઓરિસ્સાના કાંઠે એકસાથે આવી પહોંચતા.

પેંગ્વિનઃ કોલોનિયલ એરા

બર્ફીલા એન્ટાર્કટિકા ખંડમાં જ રહેતાં રૂપકડાં પેંગ્વિન પણ કોઈ જ્ઞાતિનું સંમેલન ભરાયું હોય એમ એક સાથે સમૂહમાં રહે છે. આમ તો તેના ટોળાનું કોઈ સત્તાવાર નામ નથી પણ ૨૦૦૦માં ભરાયેલા પ્રકૃતિશાસ્ત્રીઓના એક સંમેલનમાં પેંગ્વિનના ટોળાને વાડલ (waddle) નામ આપવાનું નક્કી થયું. પેંગ્વિનના વિવિધ ૧૭ પ્રકારો છે. બધા જ પ્રકારનાં પેંગ્વિન આખું વર્ષ ગમે ત્યાં રખડપટ્ટી કરતાં હોય, પરંતુ બચ્ચાંને જન્મ આપવાનો સમય (જેને નેસ્ટિંગ ટાઈમ કહેવાય) આવે ત્યારે એ બધા એક જ સ્થળે ભેગા થઈ જાય છે. એ વખતે કિંગ પેગ્વિનના 'મેટરનિટી રૂમ'માં દસ-અગિયાર લાખ પેંગ્વિન હોય છે. મેક્રોની પ્રકારના પેંગ્વિનની સંખ્યા એકાદ કરોડ પર હોય છે. એટલે પેંગ્વિનની સરેરાશ કોલોનીમાં સંખ્યા બે લાખ જેવી હોય છે. અલબત્ત, નેસ્ટિંગ સિવાયના સમયમાં પેંગ્વિનનાં ટોળાં ૫૦-૬૦ હજાર પેંગ્વિનનાં હોય છે અને તેમાં કોઈ લીડર હોતો નથી એટલે સત્તાની ખેંચતાણ થતી નથી.

જંગલી કૂતરાં: યુનિટી ઈઝ સ્ટ્રેન્થ!

'યુનિટી ઈઝ સ્ટ્રેન્થ' કહેવત જંગલી કૂતરાંઓ ૨૪ કલાક સાચી પાડતાં રહે છે. આક્રમક સ્વભાવ, તીક્ષ્ણ દાંત અને ગમે તેની સાથે ઝઘડવાની તૈયારીને કારણે જંગલી કૂતરાંઓ ખુંખાર પ્રાણીના લિસ્ટમાં બહુ આગળ આવે છે. ૫થી ૨૫નાં ટોળાંમાં રહેતાં આ કૂતરાંઓ સિંહ, દીપડા, વાઘ, ચિત્તા વગેરેની સામે બાથ ભીડતાં રહે છે. વળી એ શિકારીનો આસાનીથી પિછો છોડતાં નથી. કનૈયાલાલ રામાનુજે 'અનોખી શિકારકથાઓ'માં નોંધ્યુ છે કે કેન્યાના નારોક શહેર પાસેના જંગલમાં એક વખત જંગલી કુતરાંઓના ટોળાંએ શિકાર કરવા ગયેલી ટુકડીના સભ્યોને ઘેરી લીધેલા. એ શિકારીઓ બે દિવસ, બે રાત સુધી વૃક્ષ પર બેસી રહ્યા ત્યારે ત્રીજા દિવસે તેમનો છૂટકારો થયેલો! મોટી ટોળકી હોવાને કારણે સામાન્ય સંજોગોમાં તેની સામે પડવાનું જોખમ કોઈ પ્રાણી લેતું નથી. આફ્રિકાનાં જંગલોમાં ઘણી વખત ટોળાંની સંખ્યા ૨૭ સુધી નોંધાઈ છે. પણ જો ૨૦નું ગ્રૂપ પણ ગમે તેવા શિકારનો સામનો કરવા માટે કાફી છે. કમનસીબે ગુજરાતમાં હવે જંગલી કૂતરાંઓની સંખ્યા ૧૫ કરતાં વધુ નથી.

મોનાર્કઃ રજવાડી ઠાઠ

અમેરિકાના ઉત્તર ભાગમાં થતાં મોનાર્ક પતંગિયાં શિયાળો બેસે ત્યારે ઠંડીથી બચવા દક્ષિણ દિશામાં આવેલા મેક્સિકો તરફ ઊપડે છે. સંખ્યા લાખોની હોય છે એટલે એક્ઝેટ ગણતરી તો શક્ય નથી. મેક્સિકો સરકારે સિએરા માદ્રે પર્વતમાળા પર ૧,૩૮,૦૦૦ ચોરસ કિલોમીટરનો વિસ્તાર મોનાર્ક માટે અભયારણ્ય જાહેર કર્યો છે. પતંગિયાં અહીં ઊંચાઈ પર આવેલાં વૃક્ષોના થડ પર પોતાનો અડ્ડો જમાવે છે. અને શિયાળા દરમિયાન આખા અભયારણ્યમાં મોનાર્ક પતંગિયાં જ દેખાતાં હોય છે. એ સમયે ઝાડવાંનાં થડ દેખાવા મુશ્કેલ હોય છે. દરમિયાન પતંગિયાના પ્રવાસનું ટ્રેકિંગ કરવા માટે વિજ્ઞાનીઓ પચાસેક હજાર પતંગિયાઓની પાંખો પર આઈડેન્ટિફિકેશન માર્ક કરે છે.

અમેરિકન બાયસન: દૂરથી રળિયામણાં

અમેરિકન બાયસનની હાલત પણ પેસેન્જર કબૂતરો જેવી જ થઈ છે. ૮૫૦-૯૦૦ કિલોગ્રામ જેવા તોતિંગ વજનને કારણે બાયસનના શિકારથી મોટા પાયે માંસ મળી રહેતું એટલે તેનો બેફામ શિકાર થયો. અમેરિકાના ઘાસનાં મેદાનોમાં એક સમયે કરોડો બાયસન એક સાથે ચરતાં. પણ યુરોપથી અમેરિકા પહોંચેલા અંગ્રેજોએ તેનો શિકાર ચાલુ કર્યો અને ૧૯મી સદીનાં ૧૦૦ વરસમાં જ કુલ ૫ કરોડ બાયસનનો શિકાર થયેલો. આજે અમેરિકામાં લગભગ ૨૦ લાખ જેટલા બાયસન છે. સામાન્ય રીતે ગુસ્સે થતાં નથી પણ કોઈ તેની સળી કરવા જાય તો ગમે તેને શિંગડે ચડાવી પળવારમાં પતાવી દે છે. એ બહુ દૂર જોઈ શકતા નથી એટલે જ્યાં સુધી તેની આઈસાઈટની રેન્જમાં ન પહોંચીએ ત્યાં સુધી સલામત!

હિપ્પોઃ ટીમ વર્ક

કદાવર શરીર અને લાંબું નામ ધરાવતા હિપ્પોપોટેમસ આફ્રિકાની નદીઓમાં પડયા પાથર્યા જોવા મળે છે. ત્યાં હિપ્પો જોવા ગયા હોઈએ તો નદીમાંથી એક પછી એક બહાર નીકળવાના શરૂ થાય ત્યારે તેની સંખ્યા ખબર પડે. નદીમાં હોય ત્યાં સુધી ઘણી વખત તેનાં નસકોરાં જ દેખાતાં હોય છે એટલે એક્ઝેટ સંખ્યા જાણી શકાતી નથી. પણ એક પછી એક પંદરેક હિપ્પો બહાર નીકળે ત્યારે ખબર પડે કે આ ટીમ વર્ક તો ભારે પડે એવું છે. ચાર ફીટ સુધી મોઢું ખોલી શકતા હિપ્પો એક રાતમાં ૬૫-૭૦ કિલોગ્રામ ઘાસ ખાઈ જતાં હોય છે.

પેસેન્જર કબૂતર: આભનું ઓઢણ!

આભને ઓઢણ બનાવ્યું હોય એવી વાતો તો ઘણી છે, પણ આભ પોતે જ કંઈક ઓઢીને બેઠું હોય એવો ચમત્કાર પેસેન્જર કબૂતરો કરી શકતા. ૨૦મી સદીમાં ઉત્તર અમેરિકામાં એક કબૂતરોની પ્રજાતિ હતી જે જંગલી કબૂતર અથવા પેસેન્જર કબૂતર તરીકે ઓળખાતી હતી. એ કબૂતરો એકસાથે ઊડતાં ત્યારે રીતસર આકાશમાં બ્લેકઆઉટ જેવી સ્થિતિ સર્જી દેતાં. યુરોપિયનો અમેરિકા પહોંચ્યા એ પહેલાં ત્યાં પેસેન્જર કબૂતરોનું રાજ હતું. ૧૭૪૯માં થયેલી એક નોંધ પ્રમાણે આકાશમાંથી પેસેન્જર કબૂતરોનું ટોળું પસાર થયું તો એ ૧૧ કિલોમીટર લાંબું હતું! તેમાં રહેલાં કબૂતરોની સંખ્યા બે અબજ કરતાં ઓછી હોય નહીં. અમેરિકામાં પાંચેક અબજ જેટલાં કબૂતરો હતાં અને આ રીતે મોટાં ટોળાંમાં મુસાફરી કરતાં. પ્રમાણે શિકારીઓને જલસો પડી ગયો. નિશાન લીધા વગર આકાશમાં ટોળું પસાર થતું હોય ત્યારે ગમે ત્યાં ગોળીબાર કરો તો પણ બે-ચાર કબૂતરોનાં ઢીમ ઢળી જ જાય. આ રીતે બેફામ શિકારનું પરિણામ એ આવ્યું કે કબૂતરોની સમગ્ર જાતિ ખતમ થઈ ગઈ. ૧૯૧૪ની પહેલી સપ્ટેમ્બરે, ૧ વાગ્યે સિનસિનાટી ઝુઓલોજિકલ ગાર્ડનમાં છેલ્લી પેસેન્જર કબૂતરી માર્થાનું મોત થયું. એ સાથે એક આખો યુગ સમાપ્ત થયો. આપણે માત્ર કલ્પના જ કરવી રહી કે કરોડો પેસેન્જર કબૂતરો એક સાથે ઊડતાં હશે ત્યારે કેવાં લાગતાં હશે?

માઉન્ટેન ગોરીલાઃ નો ઓપ્શન

માઉન્ટેન ગોરીલાઓ માટે સમૂહમાં રહેવા સિવાય કોઈ વિકલ્પ નથી. કુદરતી અવસ્થામાં માઉન્ટેન ગોરીલા માત્ર આફ્રિકાના કોંગો, રવાન્ડા અને યુગાન્ડામાં પથરાયેલા જ્વાળામુખી પર્વત વિરૃંગાના જંગલોમાં જ જોવા મળે છે. ત્યાં પણ તેમની સંખ્યા ૭૦૦-૭૫૦ કરતાં વધારે નથી. બસ્સો-અઢીસો કિલોગ્રામ વજન ધરાવતા આ ગોરીલા સમૂહમાં રહે છે અને તેમની એકતા પણ જોયા જેવી હોય છે. ૫થી ૩૦ સુધી ગ્રૂપ ફેલાયેલું હોય છે. શિકાર કરવાથી માંડીને તેનો શિકાર કરવા કોઈ આવ્યું હોય તો તેની ધોલાઈ કરવા સુધીનાં કામ આ ગોરીલાઓ સાથે મળીને કરે છે. એમને ગુસ્સે થતાં પણ વાર નથી લાગતી. માટે એ જંગલોમાં સંશોધન કરવા જનારા ઘણા વિજ્ઞાનીઓ ગોરીલાના હાથે પીટાયા હોય એવા બનાવો નોંધાતા રહે છે.

***

આ તો વાત થઈ ટોળાંની, પણ સ્લોથ જેવા ઘણા એવા સજીવો છે, જે બહુધા એકલાં જ રહેવાનું પસંદ કરે છે. કેટલાંક પ્રાણીઓ બચ્ચાંને જન્મ આપવાનો વખત થાય ત્યારે ભેગાં થતાં હોય છે. દરેકનું આગવું સામાજિક માળખું છે, સંજોગો છે, સ્થિતિ છે. એ પ્રમાણે તેઓ એકથી લઈને અનેકનાં ટોળાંમાં રહે છે. અલબત્ત, આ સજીવો પોતાનું અસ્તિત્વ ટકાવવા ટોળે વળે છે. માણસોની જેમ ટોળે વળ્યા પછી બેકાબૂ બનવાની કદાચ તેમને આદત નથી!          

lalitgajjer@gmail.com
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Supplements
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com