મહાનુભાવોનું ભવિષ્ય - મહેશ રાવલ
વિખ્યાત ફોર્બ્સ મેગેઝિનના કહેવાનુસાર વિશ્વની શક્તિશાળી મહિલામાં સ્થાન પામનાર ભારતીય મૂળની અમેરિકન મહિલા ઇન્દ્રા નૂયી સોનિયા ગાંધી પછીના સ્થાને આવે છે. આ મહિલા આજે લગભગ હજાર કરોડ રૂપિયાથી પણ વધુ આવક ધરાવે છે અને એ પણ એક મલ્ટિનેશનલ કંપનીના પ્રમુખ-વહીવટદાર તરીકે. (માલિક તરીકે નહીં) ભારતના ચેન્નાઈમાં જન્મેલી આ શક્તિશાળી મહિલાએ બિઝનેસ મેનેજમેન્ટ ડિગ્રી અને ત્યારબાદ ડિપ્લોમા મેનેજમેન્ટ અને અમેરિકામાં જઈ વધુ ઉચ્ચ ડિગ્રી મેળવી છે.
અભ્યાસ બાદ ઘણી સારી મહત્ત્વની નોકરી કરીને અનુભવ લીધો હતો. અમેરિકાની ડિગ્રી મેળવ્યા બાદ અનેક મહત્ત્વની મલ્ટિનેશનલ કંપનીઓમાં કામ કરીને પોતાની સૂઝ, સમજ અને આવડત પુરવાર કરી હતી. તેમણે અમેરિકાની પેપ્સીકો કંપનીના સીઈઓ બનીને કંપનીને વધુ ટોચ પર લાવી મૂકી હતી. તેમના પતિ રાજકિશન પણ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ છે અને પત્નીને આગળ વધવા સતત પ્રોત્સાહન પૂરું પાડયું છે. મહેનત, લગન અને નસીબ હોય તો સફળતા કદમ ચૂમે છે. ઇન્દ્રા નૂયીના સ્ટાર (ગ્રહ યોગો) કેવા છે તે જાણીએ. તેમની કંુડળીમાં લગ્નાધિપતિ શનિ ૧૦મા કર્મસ્થાનમાં ઉચ્ચનો છે. શનિ વ્યક્તિને કર્મઠ અને પરિશ્રમી, ઉદ્યમી બનાવે છે. વળી ઉચ્ચનો તથા કર્મ સ્થાનમાં શનિ ઉદ્યોગમાં નામના, કીર્તિ અને પ્રતિષ્ઠા અપાવે છે. શનિ પોતે ધનરાશિનો પણ અધિપતિ છે. જે ૧૦મે ઉચ્ચનો હોય તો તે વ્યક્તિને કરોડાધિપતિ બનાવે છે, અબજોપતિ બનાવે છે.
સપ્તમેશ (પતિ સ્થાનનો સ્વામી) ચંદ્ર ધન સ્થાને, કુટુંબ સ્થાને છે, તેથી પતિની મદદ મળી. ચતુર્થેશ મંગળ સુખ, સંપત્તિ, જમીન-જાગીર, સફળતા અને ઉચ્ચ પદ આપનાર તરીકે ભાગ્ય સ્થાનમાં ભાગ્યાધિપતિ અને વહીવટ-વેપારકારક બુધ સાથે હોવાથી ભાગ્ય વિદેશમાં ફળ્યું અને વહીવટ ક્ષેત્રે ભાગ્ય ચમક્યું.
મંગળ પોતે લાભેશ તરીકે ભાગ્ય સ્થાનમાં હોઈ લાભવાન અને શ્રેષ્ઠ આવક મેળવતા થઈ શકવામાં ભાગ્ય ફળ્યું. ચંદ્ર-ગુરુ કેન્દ્ર યોગમાં છે અને ગજકેસરી યોગ રચે છે. એના કારણે કીર્તિ, પ્રતિષ્ઠા અને ધન-સંપત્તિનું શ્રેષ્ઠ સુખ મળ્યું. છઠ્ઠા સ્થાનનો સ્વામી બુધ ભાગ્ય સ્થાને ઉચ્ચનો છે, જેથી નોકરીમાં શ્રેષ્ઠ ભાગ્યોદય થયો.
દસમા કર્મ સ્થાન-કારકિર્દીના સ્થાનમાં શુક્ર સ્વગૃહી છે, તેથી શોખની વસ્તુમાં કામ કરી આગળ વધ્યાં. શનિ ઉચ્ચનો છે, તેથી ઉદ્યોગ ક્ષેત્ર ફળ્યું. સૂર્ય-શનિ નીચભંગ, રાજયોગ હોઈ નોકરી કરવા છતાં રાજા જેવું ફળ ભોગવે છે. સૂર્ય શક્તિ, પ્રભાવ અને પાવરનો પ્રતીક છે, જે દસમે નીચભંગ રાજ્યોગ રચે છે. આથી વિશ્વમાં નામના મેળવી શક્યાં.
પાપગ્રહ ગણાતો રાહુ તેમની કુંડળીમાં ૧૧મા સ્થાને હોવાથી ઘણો શુભ થયો અને લાભકારક તથા કીર્તિ આપનાર થયો. ગુરુની ધનસ્થાન અને સુખસ્થાન પરની શુભ દૃષ્ટિના કારણે ધન-સંપત્તિ અને સમૃદ્ધિ પામી શક્યાં.
સંપત્તિકારક મંગળની ૪થે પોતાના ઘર પર દૃષ્ટિએ પણ સુખ-સંપત્તિ અપાવ્યાં. ચંદ્ર પ્રવાહી-પાણીનો કારક છે, જે ધન સ્થાનમાં ભાગ્યકારક ગુરુની દૃષ્ટિમાં હોવાથી પ્રવાહી વસ્તુના વેપારમાં વધુ લાભવાન થયાં. આ સિવાય પણ અન્ય મહત્ત્વના યોગોમાં અમલ કીર્તિયોગ (૧૦મે સ્વગૃહી શુક્ર) અને શશયોગ (૧૦મે ઉચ્ચનો શનિ) તથા બુધ માંગલ્ય યોગ (બુધ-મંગળ ભાગ્ય સ્થાને) ઉપરાંત અન્ય ઘણા ગૂઢ-ગહન રહસ્યમય યોગો છે.