અંકોના ઈશારા - રાજદીપ જોષી
૬ સપ્ટેમ્બરથી ૧૯ સપ્ટેમ્બર
ભારતની પ્રાચીન વિદ્યાઓમાંથી કેટલુંક જ્ઞાન ઋષિ-મુનિઓએ નિઃસ્વાર્થભાવે શાસ્ત્રાર્થ કરીને આપણને આપ્યું છે. અંકજ્યોતિષ આમાંનું એક શાસ્ત્ર છે. અંકશાસ્ત્ર દ્વારા ભવિષ્ય જાણવા માટે તમારે તમારી જન્મ તારીખ + જન્મનો મહિનો + ચાલુ વર્ષ (૨૦૧૨) = એક અંક આવશે એ તમારો વાર્ષિક ભાગ્યાંક ગણાશે. ઉદાહરણ તરીકે (૪ સપ્ટેમ્બર, ૨૦૧૨) જન્મ તારીખ (૪) + જન્મનો મહિનો સપ્ટેમ્બર (૯) + ચાલુ વર્ષ (૨૦૧૨)= ૪ + ૯ + ૨ + ૦ + ૧ + ૨ = ૧૮ = ૧ + ૮ = ૯. એ તમારો વાર્ષિક ભાગ્યાંક ગણાશે. તેને આધારે તમે તમારું ભવિષ્ય જાણી શકો છો.
અંક ૧
આ સમય આપના માટે મનોવાંછિત સફળતા મેળવવાનો છે. તમામ અટકેલાં કાર્યો પૂરાં થશે. નવા કાર્યમાં સફળતા મળશે. વ્યવસાયમાં આ સમય મધ્ય રહેશે. કર્મચારીઓને ટૂરથી ફાયદો થશે. દાંપત્યસુખમાં વધારો થાય. સ્વાસ્થ્ય સારું રહે. યુવાનો માટે નોકરી બદલવાનો કે શોધવા માટે અનુકૂળ સમય છે. વિદ્યાર્થીઓને પ્રયત્નના પ્રમાણમાં સારી સફળતા મળશે. અભ્યાસનાં સાધન સહેલાઈથી મળી શકશે. બમણા ઉત્સાહથી અભ્યાસ કરો.
શુભ ઋતુઃ પાનખર
શુભ રંગઃ સોનેરી
અંક ૨
આ સમયમાં સંપૂર્ણપણે સાવધ રહેવું. બિનજરૂરી ખર્ચમાં વધારો થાય. નોકરી કે વ્યવસાયમાં ફેરફાર ન કરવો. જેમ ચાલે છે તેમ ચાલવો દો, કારણ કે પૂર્ણ સફળતાની શક્યતા ઓછી છે. કોઈ નવા કાર્યની યોજના ઘડી હોય તો વધારે ચિંતન કરી નવી જાણકારી મેળવો. કર્મચારીઓને અધિકારીવર્ગનો સહકાર ઓછો મળે. સચેત રહીને કામ કરો. યુવાનોએ નવો પ્રયત્ન કરતા પહેલાં જૂનાં કાર્ય પહેલાં પૂર્ણ કરવાં. વિદ્યાર્થીઓને આ સમયમાં વધુ મહેનતે ઓછી સફળતા મળે, તેથી નિયમિત અભ્યાસ કરવો.
શુભ ઋતુઃ ઉનાળો
શુભ રંગઃ કેસરી
અંક ૩
કાર્યક્ષેત્રમાં ધીમે ધીમે સફળતા મળશે. આ સમયમાં તમારી આર્થિક મુશ્કેલી દૂર થશે. વ્યવસાયમાં કોઈ નવું કામ શરૂ કરી શકો છો. કર્મચારી પણ પોતાની ઇચ્છિત જગ્યાએ બદલી મેળવી શકે છે. નોકરિયાતો માટે આ સમય રાહતભર્યો રહેશે. કામના વધારાના બોજથી મુક્તિ મળશે. પ્રમોશન માટે પ્રયત્ન કરવાથી સફળતા મળી શકે છે. યુવાનોનાં અટકેલાં કાર્યો પૂર્ણ થાય. ટાઇમ મેનેજમેન્ટ જાળવો. વિદ્યાર્થીઓએ મહેનત કરવાની જરૂર છે. તેનાથી અભ્યાસનું ફળ મળશે.
શુભ ઋતુઃ વસંત
શુભ રંગઃ લીલો
અંક ૪
દાંપત્યજીવનમાં સુખદ અનુભવનો યોગ છે. વિદેશયાત્રાની શક્યતા છે. મિત્રો અને કુટુંબીજનોના સંબંધ મધુર બનશે અને તેમનો વ્યવહાર સહયોગભર્યો હશે. ઘરમાં ધાર્મિક કાર્યનું આયોજન થઈ શકે છે. સરકારી, અર્ધસરકારી કે કોઈ સંસ્થામાં નોકરી મેળવવામાં સફળતા મળી શકે છે. વીમા કંપની, બેંક, રેલવે, ઇલેક્ટ્રિકલ કંપની, નવી શોધખોળ, પરિયોજનાઓમાં વધારે સફળતા મળવાની આશા છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મનગમતાં સાધનો મળે અને સફળતા પ્રાપ્ત થાય.
શુભ ઋતુઃ શિયાળો
શુભ રંગઃ સફેદ
અંક ૫
આ સમયમાં હીરા અને ઝવેરાતના ધંધામાં લાભ મળવાના યોગ છે. લોટરી વગેરેથી પણ ધનપ્રાપ્તિ શક્ય છે. શેરબજારમાં પૈસા રોકવાથી વધારે લાભ થઈ શકે છે. આ સમયમાં ઘણી વાર મોટા લોકોની મદદ મળતી રહેશે અને તેઓ એનો લાભ મેળવશે. કોઈની પણ મદદ લેવામાં જરાય ખચકાટ અનુભવશો નહીં. આ સમય દરમિયાન તમારી જીવનશૈલી સુધારવાથી લાભ મળી શકે છે. વિદ્યાર્થીવર્ગ માટે આ સમય લાભદાયી નીવડશે.
શુભ ઋતુઃ શિયાળો
શુભ રંગઃ ઘાટો ગુલાબી
અંક ૬
આ સમયમાં સફળતા તો મળશે, પરંતુ તે માટે સતત પ્રયત્નશીલ રહેવું પડશે. ભાગીદારીમાં નવા લોકો સાથે મુલાકાત થાય, પણ કોઈની સાથે નવી ભાગીદારી કરતા પહેલાં સાવધાન રહો. નોકરિયાતોને આ સમયમાં કંઈ વાંધો નહીં આવે. તમારાં અટકેલાં કાર્યોને પૂરાં કરવાની કોશિશ કરો. તેનાથી સફળતા ચોક્કસ મળશે. યુવાનોને આ સમયમાં બધાં જ કાર્યમાં સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે એક જ સંદેશ છે સખત મહેનત અને પરિશ્રમ કરો.
શુભ ઋતુઃ પાનખર
શુભ રંગઃ આસમાની
અંક ૭
આ સમય દરમિયાન તમારાં તમામ કાર્યો પૂરાં થશે અને આર્થિક સ્થિતિ સારી રહેશે. સ્વાસ્થ્ય અને નાણાં બંને દૃષ્ટિએ સ્થિતિ સારી જણાય. તમે જેટલો પ્રયત્ન કરશો તેટલું તમને ફળ પણ મળશે અને મન પ્રસન્ન રહેશે. દાંપત્ય સુખમાં વધારો થાય. લગ્ન કાર્યોમાં પણ સફળતા મળશે. સંતાન સંબંધિત કાર્યોમાં પણ સફળતાના યોગ છે. સંતાનસુખમાં વધારો થશે. સ્વાસ્થ્ય સારું રહે. વ્યાવસાયિક કાર્યો માટે યાત્રાનો યોગ બને છે. વિદ્યાર્થીઓ માટે નવો પ્રોજેક્ટ મળવાથી લાભ થશે.
શુભ ઋતુઃ વસંત
શુભ રંગઃ વાદળી
અંક ૮
વાહનના ખરીદ-વેચાણમાં જો સતર્કતા નહીં રાખો તો નુકસાન થઈ શકે છે. વ્યવસાય પર ધ્યાન આપો. આ સમય વધારે મહેનતમાં ઓછી સફળતા આપનારો રહેશે. પ્રેમસંબંધની શરૂઆત પહેલાં મૈત્રી થવાની શક્યતા છે. પ્રેમની બાબતમાં દૃઢ રહી શકશો અને વિચારોમાં હકારાત્મકતા રહેશે. પ્રેમની દૃષ્ટિએ ઉત્તમ સમય નોકરિયાતોએ ધૈર્યપૂર્વક સાથીદારો સાથે મળીને કામ કરતા રહેવું. યુવાનો માટે કોઈ પણ પરિવર્તન હાનિકારક નીવડી શકે છે. સચેત રહેવાની જરૂર છે છતાં કોશિશ કરવાનું ન છોડશો.
શુભ ઋતુઃ વસંત
શુભ રંગઃ કાળો
અંક ૯
આ સમયમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલતી મુશ્કેલીઓનો અંત આવશે અને શુભ ફળ મળશે. વ્યવસાય સારો ચાલશે. નવી યોજના બનશે અને તેના પર ઝડપથી કામગીરી શરૂ થશે. ઘરમાં આર્થિક સુધાર આવશે અને વાતાવરણ ખુશાલીભર્યું રહેશે. સંતાન તરફથી સમસ્યા હોય તો આ સમયમાં ઉકેલ લાવવાનો પ્રયત્ન કરો. નોકરિયાતોને સાથીદારો પાસેથી માનપાન અને સહયોગ મળશે. યુવાનો પોતાની ઇચ્છા પ્રમાણે વ્યવસાય કે નોકરી શરૂ કરી શકે છે. જ્યોતિષ, ફિલોસોફી, કર્મકાંડ, પ્રોફેસર અને ડોક્ટરના વ્યવસાયમાં પણ આગળ આવી શકે છે.
શુભ ઋતુઃ ઉનાળો
શુભ રંગઃ લાલ