૨૦૦૮ પછી ફિલ્મોમાં નજરે ના પડેલી પ્રિટી ઝિન્ટા ફરી એકવાર પોતાના નિર્માણ હાઉસની ફિલ્મ બનાવીને પડદા પર આગમન કરી રહી છે. પ્રિટી ઝિન્ટાએ ૨૦૦૫માં હિટ ફિલ્મ 'સલામ નમસ્તે' આપી હતી. તે પછીની દરેક ફિલ્મો ફ્લોપ રહી હતી. પ્રિટી બધુ ભુલીને એક નવા વિશ્વાસ અને ઉમંગ સાથે તેની 'ઇશ્ક ઇન પેરિસ' ફિલ્મ લઇને આવી રહી છે, જે રીલિઝ થવાની તૈયારીમાં છે. તેની સાથે થયેલ રોમાંચક મુલાકાત
નિર્માતા તરીકે તમારી પ્રથમ ફિલ્મ 'ઇશ્ક ઇન પેરિસ' રિલીઝ થવા તૈયાર છે, કેવું અનુભવી રહ્યાં છો?
જ્યારે મેં ફિલ્મનું કામ શરૂ કર્યું ત્યારે મને ખુશી થઈ કે હું ફિલ્મ બિઝનેસમાં પાછી ફરી છું. પ્રેમ સોનીની સાથે કામ કરવાની ખૂબ મજા આવી. તે મારા સારા મિત્ર છે. હું અત્યંત ખુશ છું અને ફિલ્મ રિલીઝ થવાની રાહ જોઈ રહી છું. મારે દર્શકોનાં રિએક્શન જોવાં છે. જેટલી ખુશ છું તેટલી જ નર્વસ પણ છું.
નિર્માતા તરીકે કોઈ પડકારનો સામનો કરવો પડયો હતો?
ફિલ્મ બનાવવી એ એક સુપર ચેલેન્જ છે. ફિલ્મના નિર્માતા અને હીરો રેહાન મલ્લિક બંને આ ફિલ્મથી ડેબ્યુટ કરે છે. પ્રેમ સોનીએ પણ એક જ ફિલ્મ બનાવી છે. મારા પર ઘણું દબાણ હતું. દર વખતે ફિલ્મના યુનિટને પ્રોત્સાહન આપતી રહેતી અને ફિલ્મ તૈયાર થઈ ગઈ.
તમને આ પ્રોજેક્ટ કરતી વખતે શું નવીન શીખવા મળ્યું?
ન્યૂકમર સાથે જ્યારે ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું ત્યારે મને સમજાયું કે ન્યૂકમર સાથે કામ કરવું આસાન નથી. તમારે ફ્રેશર સાથે કામ કરતી વખતે ખૂબ સાવચેત અને આતુર રહેવું પડે છે.
તમે ફિલ્મ પ્રોડક્શનનું નામ તમારી માતા સાથે જોડીને રાખ્યું છે, તેઓ પ્રોજેક્ટ સાથે સંકળાયેલ છે?
મમ્મીનું ઇનપુટ એટલું જ છે કે તે બેબીને હેલ્ધી કરી શકે છે મારા જેવી, તેથી ફિલ્મનું મેં નિર્માણ કર્યું (હસતાં હસતાં). તેઓએ કોઈ ક્રિએટિવ ઇનપુટ નથી આપ્યા, પણ તેઓ હંમેશાં અમને સપોર્ટ કરવા અમારી સાથે હતાં.
પેરિસનો અનુભવ કેવો રહ્યો?
મારા માટે તે દુનિયા જ નવી હતી, પણ બધું જ આયોજન પ્રમાણે થઈ ગયું. ત્યાં સમસ્યા એક જ હતી કે પેરિસની ગલીઓ બહુ સાંકડી છે, જેના લીધે શૂટિંગ કરતી વખતે પૂરો રોડ શૂટિંગ ઇક્વિપમેન્ટને લીધે બ્લોક થઈ જતો. હું વિચારું છું કે ત્યાં પેરિસમાં ફિલ્મનું શૂટિંગ પૂરું કરવા બદલ અમને મેડલ આપવો જોઈએ.
ત્યાંની જનતાનાં કેવાં રિએક્શન હતાં?
હું તો સરપ્રાઇઝ થઈ ગઈ કે આ શું! લોકો મને નૈના (કલ હો ના હો) અને ઝારા (વીર-ઝારા)ના નામથી બોલાવતા હતા. ફ્રેન્ચ લોકો બૂમો પાડતા હતા કે આઇ લવ બોલિવૂડ. મને આશા છે કે મારી 'ઇશ્ક ઇન પેરિસ' અહીંયાં લોકોને ગમશે.
ફિલ્મનું પ્રમોશન શરૂ થઈ ગયું છે, તો ફિલ્મ વિશે થોડું જણાવો.
'ઇશ્ક ઇન પેરિસ' કન્ટેમ્પરરી ફિલ્મ છે. વર્તમાન સમયમાં બનતી વાત છે. ફિલ્મમાં ઇમોશનલ છે, ફિલ્મમાં મેં ઇન્ડિયન લેડીનો રોલ કર્યો છે, જે ફેશન ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલ ફોટોગ્રાફર્સ છે.