મુલાકાત
'જન્નત-૨'થી બોલિવૂડમાં ચર્ચા જગાવનાર એશા ગુપ્તાની ગણના હવે ગુડ ન્યૂકમરમાં થવા લાગી છે. મિસ ઇન્ડિયાનો ખિતાબ જીતનાર એશાને દર્શકોનાં દિલ જીતતા પણ આવડે છે. ઇમરાન હાશ્મી અને બિપાશા બાસુ સાથે 'રાઝ-૩'માં તે લીડ રોલ કરી રહી છે
'રાઝ-૩' વિશે તમારું શું કહેવું છે?
'રાઝ-૩' મારા માટે વિશેષ ફિલ્મ છે. મને વિક્રમ ભટ્ટ સાથે કામ કરવા મળ્યું. આ ફિલ્મમાં મારે માત્ર હિરોઇન બનીને નથી રહેવાનું, પણ ફિલ્મની વાર્તામાં હું જોડાયેલી છું. સંજના નામનું મારું પાત્ર છે, જે રાતોરાત સ્ટાર બની જાય છે. તે આદિત્યના પ્રેમમાં પડે છે, જે મૈથિલીને પસંદ નથી. ફિલ્મની વાર્તા દમદાર છે. પ્રેમ, ડર અને રોમાન્સથી મજેદાર ફિલ્મ છે.
ઇમરાન હાશ્મી સાથે ફરીથી કામ કરવાનું કેવું લાગ્યું?
ઇમરાન હાશ્મી જેવા સ્ટાર સાથે કામ કરવું આનંદની વાત છે. ઇમરાને મારા માટે એક મેન્ટરનું કામ કર્યું છે. 'જન્નત-૨' અને 'રાઝ-૩' શરૂઆતની બંને ફિલ્મો તેની સાથે કરવાથી મને ઘણું શીખવા મળ્યું છે.
'રાઝ-૩'માં તમે તમારા અવાજનો જ ઉપયોગ કર્યો છે?
હા. 'જન્નત-૨' વખતે હું ફિલ્મોથી અજાણ હતી, પણ 'રાઝ-૩'માં તો મેં મારો અવાજ જ ડબ કર્યો છે. તમારા પોતાના અવાજથી તમારા રોલને વધુ ખીલવવાનો મોકો મળે છે.
'ચક્રવ્યૂહ' વિશે શું કહેશો?
'જન્નત-૨' અને 'રાઝ-૩' એ સ્ટોરીક્રિએટ ફિલ્મ છે જ્યારે 'ચક્રવ્યૂહ' વાસ્તવિકતાને આધીન છે. પ્રકાશ ઝાની કામ કરવાની શૈલી મજેદાર છે. એક જ ફિલ્મમાં મને અર્જુન રામપાલ, મનોજ બાજપેયી અને અભય દેઓલ સાથે કામ કરવા મળી ગયું.