મુંબઈ, તા. ૮
- નીતીશને સેનાસુપ્રીમોનો વેધક સવાલ : મોદીને બિહારમાં કેમ આવવા દેતા નથી ?
- 'સામના' માટે આપેલા ઇન્ટરવ્યૂમાં ઠાકરેએ વર્તમાન રાજકારણ અંગે બળાપો ઠાલવ્યો
- નીતીશ મુસ્લિમ વોટબેન્કનું ગંદું રાજકારણ રમે છે
- લાલુની ઢોલ પીટવાની રાજનીતિ, મુલાયમસિંહ મુલ્લા છે
- મહારાષ્ટ્રમાં પાક. ક્રિકેટરોને ન રમવા દેવાનો પણ પુનરુચ્ચાર
- લોકસભાની ચૂંટણી ૨૦૧૪ પહેલાં થવાની ઠાકરેની આગાહી
- 'મને ગુસ્સો આવશે તો કટ્ટર, પાકિસ્તાની, બાંગલાદેશી મુસ્લિમોને મહારાષ્ટ્રમાં નહીં રહેવા દઉં'
શિવસેના સુપ્રીમો બાલ ઠાકરે થોડા સમય પૂર્વે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને એનડીએના વડાપ્રધાનપદના ઉમેદવાર બનાવવાની તરફેણ કર્યા બાદ હવે ફરી એક વાર મોદીનાં સમર્થનમાં આવ્યા છે. સેનાનાં મુખપત્ર 'સામના'માં તેમના ચાર ભાગમાં વહેંચાયેલા ઇન્ટરવ્યૂના આજે પ્રકાશિત થયેલા બીજા ભાગમાં બાલ ઠાકરેએ વર્તમાન રાજકારણનાં બહાને વડાપ્રધાન મનમોહનસિંહ, બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર અને સપા સુપ્રીમો મુલાયમસિંહ યાદવ અને રાજદના વડા લાલુપ્રસાદ યાદવની સખત શબ્દોમાં ટીકા કરી છે. નીતીશ મુસ્લિમ વોટબેન્કનું ગંદું રાજકારણ ખેલી રહ્યા હોવાનો આક્ષેપ કરતાં ઠાકરેએ તેમને સવાલ કર્યો હતો કે તેઓ મોદીને બિહારમાં કેમ આવવા દેતા નથી ? તેજાબી ઇન્ટરવ્યૂમાં બાલ ઠાકરેએ વર્તમાન રાજકારણનાં ઘણાં પાસાં અંગે તેમની હૈયાવરાળ ઠાલવી છે અને આગામી લોકસભાની ચૂંટણી વર્ષ ૨૦૧૪ પહેલાં થશે તેવી આગાહી પણ કરી છે.
ઠાકરેએ એવો દાવો પણ કર્યો છે કે ભારતીય સૈન્યનો હવાલો તેમને સોંપવામાં આવે તો તેઓ એક મહિનામાં દેશની તમામ તકલીફો દૂર કરી આપશે. મુંબઇના આઝાદ મેદાનમાં ગયા મહિને થયેલી હિંસા કટ્ટરવાદી મુસ્લિમોનું પૂર્વયોજીત કૃત્ય હોવાનું પણ બાલ ઠાકરેએ જણાવ્યું છે અને ચેતવણી ઉચ્ચારી છે કે, "હું તેમને નહીં છોડું, મને ગુસ્સો આવશે તો હું કટ્ટરવાદી, પાકિસ્તાની-બાંગલાદેશી મુસલમાનોને કમસે કમ મહારાષ્ટ્રમાં તો કદાપિ રહેવા દઇશ નહીં." તેમણે એવો પુનરુચ્ચાર પણ કર્યો હતો કે તેઓ મહારાષ્ટ્રની ધરતી પર પાકિસ્તાની ક્રિકેટરોને રમવા દેશે નહીં.
ઠાકરેએ દાવો કર્યો હતો કે સૈન્યનો હવાલો તેમને સોંપવામાં આવે તો તેઓ ચમત્કાર કરી બતાવશે અને એક મહિનાની અંદર દેશની તમામ તકલીફો દૂર કરશે. ઠાકરેના જણાવ્યાનુસાર, મ્યાનમારમાં મુસ્લિમો પરના કથિત હુમલા અને આસામનાં તોફાનોના વિરોધમાં ગત ૧૧ ઓગસ્ટે મુંબઇનાં આઝાદ મેદાન ખાતે દેખાવો દરમિયાન થયેલી હિંસા પૂર્વયોજીત હતી, બાબરીધ્વંસ બાદ મુંબઇમાં કોમી તોફાનો પણ મુસ્લિમોએ શરૃ કર્યા હતાં અને ગોધરાકાંડ પણ પૂર્વયોજીત હતો.
નીતીશ, મુલાયમ, લાલુને ઝાટક્યા
મુસ્લિમોના તુષ્ટિકરણના રાજકારણ પર ઉગ્ર શાબ્દિક પ્રહારો કરતાં બાલ ઠાકરેએ કહ્યું હતું કે બિહારમાં નીતીશ મુસ્લિમ મતોથી સત્તા પર આવ્યા છે. બિહારમાં યુતિ સરકાર હોવાથી ભાજપનાં કદમ પણ ડગમગે છે અને તે કોઇ મુસ્લિમવિરોધી મુદ્દા જોરશોરથી ઉઠાવતો નથી. ગુજરાતનાં રમખાણોનાં કારણે નીતીશે મોદીને બિહારમાં ચૂંટણીપ્રચાર માટે આવવા દીધા નહોતા. મુસ્લિમ મતો માટે નીતીશ મોદીથી અંતર રાખી રહ્યા છે. આ ગંદું રાજકારણ છે. તેમણે લાલુ-મુલાયમની પણ ટીકા કરતાં ઉમેર્યું હતું કે દેશમાં ઢોલ પીટવાની નવી રાજનીતિ ચાલી રહી છે, જેને લાલુએ જન્મ આપ્યો છે અને મુલાયમસિંહ મુલ્લા છે.
'અમને અમેરિકન કોણ કહે છે તેની રાહ જોઉં છું'
તેમને બિહારી ઠેરવવાનું રાજકારણ રમાઈ રહ્યું છે તેને બાલ ઠાકરેએ હાસ્યાસ્પદ ગણાવતાં જણાવ્યું હતું કે હવે એ જોવાનું રહે છે કે અમને અમેરિકન કોણ ગણાવે છે. ઠાકરેના પૂર્વજો અમેરિકાથી ભારત ક્યારે આવ્યા હતા તે જોવું રહ્યું.
ગોધરાકાંડના રિએક્શન પર હોબાળો કેમ ?
આઝાદ મેદાનની હિંસા પૂર્વયોજીત હતી. ૧૯૯૨માં બાબરીધ્વંસ બાદ પહેલી વાર કટ્ટરવાદી મુસ્લિમો હિંસક બનીને રસ્તા પર ઊતરી આવ્યાં હતાં. બાબરી મસ્જિદ ઉત્તરપ્રદેશમાં તૂટી તો તોફાનો મુંબઇમાં કેમ થયાં? ગોધરાકાંડને કોઇ કેવી રીતે ભૂલી શકે ? સાબરમતી એક્સપ્રેસના ત્રણ ડબ્બા પૂર્વયોજીત રીતે જલાવી દેવાયા હતા. અયોધ્યામાં કંઇ બને તેનું રિએક્શન મુંબઇમાં આવતું હોય તો ગોધરામાં જે કંઇ બન્યું તેનું રિએક્શન અમદાવાદમાં આવ્યું તેને લઇને આટલો હોબાળો કેમ ?
કોંગ્રેસ ગંદી પાર્ટી, મનમોહન પણ 'મિ. ક્લીન' નથી
સેનાસુપ્રીમોએ કોંગ્રેસ ઉપર પણ નિશાન સાધતાં કહ્યું હતું કે, "કોંગ્રેસ ગંદી પાર્ટી છે અને મનમોહન પણ 'મિ. ક્લીન' નથી. મનમોહનસિંહ પ્યાદું છે અને સોનિયા તેમનો ઉપયોગ કરે છે."
...તો કટ્ટર, પાકિસ્તાની, બાંગલાદેશી મુસ્લિમોને મહારાષ્ટ્રમાં નહીં રહેવા દઉં
બાલ ઠાકરેએ કટ્ટરવાદી પાકિસ્તાની, બાંગલાદેશી મુસ્લિમોને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, "મને ગુસ્સો આવશે તો હું એક પણ કટ્ટરવાદી, પાકિસ્તાની અને બાંગલાદેશી મુસ્લિમને મહારાષ્ટ્રમાં તેમજ જમ્મુ-કાશ્મીર સુધી જ્યાં પણ શિવસેનાની શાખાઓ છે ત્યાં રહેવા દઇશ નહીં."
પાક. ક્રિકેટરોને મહારાષ્ટ્રમાં કોઇ કાળે નહીં રમવા દઉં
પાકિસ્તાની ક્રિકેટરોને મહારાષ્ટ્રમાં રમવા નહીં દેવાનો પુનરુચ્ચાર કરતાં ઠાકરેએ કહ્યું છે કે, "હું પાકિસ્તાનીઓને અહીં રમવા દઇશ નહીં. હું મારા શબ્દો પર કાયમ છું અને કાયમ રહીશ."