કેલિડોસ્કોપ - મોહમ્મદ માંકડ
''સ્વમાણસ સામાન્ય જ નહીં લૂંટારો હોય તોપણ એનામાં જો સંતનાં બીજ પડેલાં હોય તો એ સંત થઈ શકે છે. માણસનાં હૃદય પરિવર્તન થયાના અનેક દાખલાઓ આપણને ઇતિહાસમાં જોવા મળે છે અને એમના હૃદય પરિવર્તનને કારણે સમાજમાં આવેલાં પરિવર્તનો પણ આપણને જોવા મળે છે
ર્ગમાં કોઈનું રડવું એ જેવું આશ્ચર્યજનક છે, તેવી રીતે સંસારમાં કોઈનું હસવું એ પણ એટલું જ આશ્ચર્યજનક છે." તત્ત્વજ્ઞાનની આ ઊંડી વાત કરનારનું નામ છે - ફજિલ આયાઝ. ફજિલ એક મહાતપસ્વી હતા અને એમના તત્ત્વજ્ઞાનમાં આપણને ક્યારેક યુધિષ્ઠરે આપેલા યક્ષના પ્રશ્નોના જવાબના તત્ત્વજ્ઞાન જેવાં જ દર્શન થાય છે.
ફજિલના જીવનની કથા પણ રોમાંચ અને આશ્ચર્યથી ભરપૂર છે. જે રીતે વાલિયા લૂંટારાના જીવનમાં પરિવર્તન આવતાં આપણને વાલ્મીકિ ઋષિ મળ્યા કે જેસલ 'જગનો ચોરટો'માંથી જેસલપીર થઈ ગયા, એવી જ કથા ફજિલના જીવનની છે. એમનું શરૂઆતનું જીવન એક લૂંટારુ ટોળકીના સરદારનું જીવન હતું અને પછીના જીવનમાં તેઓ એક તપસ્વી ઋષિતુલ્ય સંત થઈ ગયા.
ફજિલ કહેતા કે "જે માણસ ઈશ્વરથી ડરે છે તેનાથી બધા લોકો ડરતા રહે છે અને જેને ઈશ્વરનો ડર નથી તેનાથી કોઈ ડરતું નથી અને જેના મનમાં ઈશ્વરનો ડર હોય છે એના મોંઢેથી કોઈ અસત્ય વાત નીકળતી નથી. માણસના અંતરમાં રહેલા ઈશ્વરના ભયનો અગ્નિ વિષયકામનાને અને સાંસારિક આસક્તિઓને બાળી નાખે છે."
સૂફિયાન સૂરિએ સંત ફજિલ આયાઝ સાથેનો પોતાનો એક પ્રસંગ કહ્યો છેઃ "એક વાર સંધ્યાટાણેથી લઈને બીજા દિવસની વહેલી સવાર સુધી મેં ફજિલની સાથે શાસ્ત્રચર્ચા કરી પછી મેં તેમને કહ્યું કે, "આજની રાત ઘણી શુભ અને સુખદાયક બની રહી. આજે આપણે શાસ્ત્રોની ચર્ચામાં રાત્રિ વીતાવી." ત્યારે ફજિલે રોકડું પરખાવ્યું કે, "આજની રાત ઘણી અશુભ હતી, કારણ કે નાની મોટી અનેક વાતો દ્વારા તમે મને સંતોષ આપવાનો પ્રયત્ન કરતા હતા અને તમારી વાતોના અનુસંધાને તમને ખુશ કરવાનો હું મારા તરફથી પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ આમ કરવાથી આપણે બંને ઈશ્વરને ભૂલી ગયા હતા. આવી રીતે માણસને સંતોષ આપવા માટે એકબીજાની સાથે શાસ્ત્રની ચર્ચા કરવી અને એક બીજાનો સંગ કરવો એના કરતાં એકાંતમાં ઈશ્વરમાં સંગ કરવો એની ઇબાદત કરવી એ અનેક ગણુ સારું છે."
ફજિલ લૂંટારુ જિંદગી જીવતા ત્યારે પણ વચનના પાક્કા હતા અને ભરોસો મૂકનારનો ભરોસો કાયમ ટકી રહે એ માટે પૂરતા સજાગ રહેતા હતા.
એક વાર એક વેપારીનો કાફલો પસાર થઈ રહ્યો હતો. કાફલાના માણસોએ લૂંટારાઓનો અવાજ સાંભળ્યો. એક વેપારી પાસે કેટલાંક રોકડાં નાણાં હતાં. તેને છુપાવવા માટે તે આમતેમ ફાંફાં મારવા લાગ્યો. તેની નજર એક તંબુ ઉપર પડી. તંબુમાં જઈને તેણે જોયું તો એક ફકીર હાથમાં માળા લઈને આંખો મીંચીને ઈશ્વરની બંદગી કરી રહ્યો હતો. વેપારીને આ જોઈને મનમાં રાહત થઈ, તેને ખબર નહોતી કે આ ફકીર જેવો દેખાતો માણસ એ બીજો કોઈ નહીં પણ લૂંટારુ સરદાર ફજિલ જ હતો.
વેપારી એની પાસે ગયો અને પોતાની પરિસ્થિતિ સમજાવીને રૂપિયા તેમને સાચવવા વિનંતિ કરી. ફજિલે તે વેપારીને તંબુના એક ખૂણામાં તેના રૂપિયા મૂકી દેવા માટે ઇશારો કર્યો. રૂપિયા તંબુમાં મૂકીને વેપારી એના બીજા સાથીઓ પાસે પહોંચી ગયો. થોડી જ વારમાં લૂંટારુઓ આવી પહોંચ્યા અને બધાનો માલ લૂંટી લીધો. લૂંટારુઓ જતા રહ્યા એટલે પોતાની મૂકી રાખેલી થાપણને પાછી લેવા માટે વેપારી પેલા ફકીર પાસે જવા તંબુએ પહોંચ્યો.
તંબુમાં તેણે જોયું તો એ ડઘાઈ જ ગયો.
એમના કાફલાને લૂંટનારા લૂંટારુઓ તંબૂમાં જ અંદરોઅંદર માલની વહેંચણી કરી રહ્યા હતા. વેપારીને થયું કે મેં આ શું કરી નાંખ્યું? મેં તો લૂંટારાના હાથમાં જ મારું ધન આપી દીધું! પરંતુ ફજિલે એને જોઈ લીધો એટલે એને બોલાવી લીધો. વેપારી ધ્રૂજતો ધ્રૂજતો ગયો. ફજિલે તેને પૂછયું, "કેમ આવ્યા છો?" વેપારીએ ડરતાં ડરતાં કહ્યું, "હું જે થાપણ મૂકી ગયો છું તે પાછી લેવા." ફજિલે કહ્યું જ્યાં મૂકી હોય ત્યાંથી લઈ જાવ." વેપારી પોતાના રૂપિયા લઈને હરખાતો પોતાના કાફલાના સાથીદારો સાથે પ્રવાસમાં જોડાઈ ગયો.
ફજિલના સાથી લૂંટારુઓએ ફજિલને કહ્યું કે, "આખા કાફલામાંથી કોઈ વેપારી પાસેથી અમને રોકડા રૂપિયા મળ્યા નહીં અને તમે હાથમાં આવેલા આ રૂપિયાને પાછા આપી દીધા?"
ફજિલે કહ્યું, "જે માણસે મને સાધુ માનીને મારા તરફ સાધુનો ભાવ રાખ્યો ત્યારે મેં પણ તેના તરફ ઈશ્વરના સંબંધમાં મારા સાધુભાવનું રક્ષણ કર્યું અને તે વેપારીના મનમાં રહેલા સાધુભાવને ડાઘ ન પડવા દીધો."
ફજિલ કહેતા કે સંસારમાં પ્રવેશ કરવો સહેલો છે પણ તેમાંથી બહાર નીકળવાનું ઘણું મુશ્કેલ છે. એમનો હૃદયપલટો થયા પછી એમને એકાંતમાં રહેવાનું વધારે ગમતું. તેઓ ઈશ્વરને પ્રાર્થના કરતા ત્યારે કહેતાં કે, "હે ઈશ્વર! તું મને ભૂખ્યો રાખે છે, મારાં સ્ત્રી-બાળકોને ભૂખે ટળવળાવે છે, રાતે ઘરમાં દીવો બાળવા જેટલું તેલ પણ તું અમને નથી આપતો. આવો વ્યવહાર તો તું તારા વહાલાઓ સાથે જ કરે છે એ હું જાણું છું પણ તું મને એ કહે કે મારામાં એવો તો કયો ગુણ છે કે તેં મને તારો પ્રીતિપાત્ર ગણ્યો?"
કહે છે કે લગભગ તેરસો વર્ષ પહેલાં થઈ ગયેલા આ મહાતપસ્વી પાસે ખલીફા હારૂન-અલ-રશીદ ગયેલા ત્યારે ખલીફાના પદની ગરિમા જાળવવા માટે એમની વર્તણૂક કેવી હોવી જોઈએ એ વિશે શીખ આપતાં કહ્યું હતું કે, "તમારે વૃદ્ધ પુરુષોને તમારા પિતા તરીકે, યુવાનોને પુત્રો તરીકે, નાનાં બાળકોને પોતાના બાળક તરીકે અને સ્ત્રીઓને તમારી બહેન અથવા માતા તરીકે માનીને તેમની સાથે વ્યવહાર કરજો. અને બધા દેશ તમારા ઘર છે. બધી પ્રજા તમારો પરિવાર છે. તમારાથી મોટા હોય તેમની સાથે સન્માન પૂર્વક વર્તન કરજો, બરાબરીના હોય તેમને તમારા ભાઈઓ ગણીને દયાળુ વર્તન કરજો. અને નાના હોય તેમના ભલા માટે, કલ્યાણ માટે તમે પ્રયત્ન કરજો."
તેઓ કહેતા કે, "લોકોના કહેવાથી સદ્કાર્યો તરફ પ્રેમ રાખવો અને લોકોને રાજી રાખવા માટે સારું કાર્ય કરવું એ જડ પૂજા છે. આ ભાવથી જો ઈશ્વર તમને ઉગારી લે તો તમારા હૃદયમાં વિશુદ્ધ પ્રેમ ઉત્પન્ન થશે."
માણસ સામાન્ય જ નહીં લૂંટારો હોય તોપણ એનામાં જો સંતનાં બીજ પડેલાં હોય તો એ સંત થઈ શકે છે. માણસનાં હૃદય પરિવર્તન થયાના અનેક દાખલાઓ આપણને ઇતિહાસમાં જોવા મળે છે અને એમના હૃદય પરિવર્તનને કારણે સમાજમાં આવેલાં પરિવર્તનો પણ આપણને જોવા મળે છે.