રાજકોટ તા. તા. ૮
છેલ્લા કેટલાય દિવસોથી રાજકોટ શહેરમાં અને જિલ્લાની અમુક ગેસ એજન્સીઓ દ્વારા ગ્રાહકોને પાંચથી છ દિવસે પણ રાંધણગેસના સિલિન્ડર ન મળતાં વ્યાપક ફરિયાદો પુરવઠા તંત્રને મળી છે જેની સામે ગેસ એજન્સીઓમાંથી મળેલી માહિતી અનુસાર આઇ.ઓ.સી. દ્વારા ગેસ એજન્સીઓના એડવાન્સ ડ્રાફટ જમાં હોવા છતાં ત્રણ દિવસે પણ ગાડી ન મળતી હોવાની વિગતો બહાર આવી છે. પરીણામે ઓનલાઇન ગેસ નોંધણી કરાવનાર ગ્રાહકને પાંચ દિવસે પણ બાટલો મળતો નથી. શહેરમાં પાઇપલાઇનથી ગેસ મેળવતાં ૮૫ ગ્રાહકો છે તેમાંથી આજ સુધી ફકત ૧૨ હજાર લોકોએ ગેસ એજન્સીમાં સિલિન્ડર જમાં કરાવ્યા છે.
- માત્ર ૧૨ હજાર ગેસ સિલિન્ડર જ જમાં થયા
- શહેર અને જિલ્લામાં રાંધણગેસનો ૧૬ હજારનો બેકલોગ
જિલ્લા કલેકટર દ્વારા દર ત્રણ મહિને આઇ.ઓ.સી. ના એરીયા મેનેજર કે, તેમના પ્રતિનિધિને બેઠકમાં બેકલોગ દુર કરવા તાકીદ કરવામાં આવે છે. પરંતુ બેઠકનો સુર અને કલેકટરની સુચનાનો અમલ માંડ પંદર દિવસ સુધી જ આઇ.ઓ.સી. અમલ કરતી હોય તેવો અહેસાસ થઇ રહ્યો છે. શહેર અને જિલ્લામાં હાલ ૧૬ હજાર ગ્રાહકોને પાંચ દિવસ કરતાં વધુ સમય વીતી ગયો છતાં સિલિન્ડર મળ્યો નથી. જે ગ્રાહકો પાસે સીંગલ બોટલ કનેકશન છે. તેવા ગ્રાહકોને એક અઠવાડિયા બાદ પણ માંડ બાટલો નસીબ થાય છે. શહેરની એક ગેસ એજન્સીમાં ગ્રાહકોને આઠ દિવસે બાટલો ન મળતાં દેકારો મચી ગયો હતો. દરમિયાન, જાણવા મળેલી વિગતો અનુસાર ઉપરોકત ગેસ એજન્સીમાં બેકલોગ વધુ હોવાથી અને આઇ.ઓ.સી. દ્વારા ડિલીવરી મોડી મળી હોઇ લોકોને મુશ્કેલી ઉભી થઇ છે.