રાજકોટ, તા.૮
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુવાનોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવવા અને યુવા પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી સ્વામી વિવેકાનંદ યુવક મહોત્સવનો સોમવારથી દબદબાભેર પ્રારંભ થશે. કુલ ૩૨ સ્પર્ધાઓમાં ૩૭૧૯ સ્પર્ધકો ભાગ લેશે. યુનિવર્સિટી કેમ્પસમાં વોટરપ્રુફ મંડપમાં અને જુદા જુદા ભવનોમાં તા.૧૦-૧૧-૧૨ના રોજ યુવક મહોત્સવની સ્પર્ધાઓ યોજાશે. સાહિત્ય વિભાગની ૫ સ્પર્ધામાં ૫૭૨, કલા વિભાગની ૯ સ્પર્ધામાં ૪૪૭ અને સાંસ્કૃતિક વિભાગની ૧૮ સ્પર્ધાઓમાં ૨૭૦૦ જેટલાં સ્પર્ધકો સહભાગી બનશે. ૧૦મીએ સવારે ૯ વાગ્યે કેમ્પસ ખાતે ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ મંત્રી, કુલપતિ, રામકૃષ્ણ આશ્રમના સ્વમાી, જિલ્લા પંચાયત પ્રમુખ વગેરેની ઉપસ્થિતિમાં યુવક મહોત્સવનો પ્રારંભ થશે. કેમ્પસ ખાતે ૨૦૦૬ પછી પૂર્ણ કક્ષાનો યુવક મહોત્સવ યોજાનાર હોય યુનિ.ના તમામ વિભાગના કર્મચારીઓ ઉપરાંત સેનેટ સભ્યો કામે લાગી ગયાં છે.