મુંબઈ, 9 ઓગસ્ટ
'કૌન બનેગા કરોડપતિ' ની છઠ્ઠી સીઝનમાં એક કરોડ રૂપિયા જીતનાર પ્રથમ વિજેતા જમ્મુ કાશ્મીરનાં મનોજ કુમાર રૈના બન્યાં છે. રેલ્વેમાં કામ કરતાં મનોજે પોતાને અમિતાભ બચ્ચનનો ખાસ ફેન હોવાની વાત જણાવી હતી. તેમણે અમિતાભને જણાવ્યું હતું કે, 'તેઓ આ શૉમાં પૈસા જીતવા માટે નહીં બલ્કે અમિતાભને મળવા માટે જ ખાસ આવ્યાં છે.'
રૈનાએ કહ્યું હતું કે, 'હું સાતમા આસમાને હોય તેવું લાગી રહ્યું છે. આ શૉનાં કારણે મને અમિતાભ બચ્ચનને મળવાનો મોકો મળ્યો છે.' રૈના કેબીસીની અત્યાર સુધીની સિઝનમાં આવનાર પ્રથમ પ્રતિસ્પર્ધી છે. રૈના જીતેલી રકમથી કાશ્મીરમાં પોતાનાં પૂર્વજોનું મકાન ફરીથી બનાવવા માંગે છે. રૈનાનો પરિવાર આતંકવાદનાં કારણે 1989માં કાશ્મીર છોડી જમ્મુમાં રહેવા ચાલ્યો ગયો હતો.
આતંકવાદી હુમલાનાં કારણે તેમનાં પૂર્વજોનું મકાન નાશ થઈ ગયુ હતું, જેને તે ફરીથી બનાવવા માંગે છે. તેમનાં મતે હવે પહેલાં કરતાં કાશ્મીરમાં થોડી શાંતિ થઈ છે. જમ્મુમાં રૈના પોતાના માતા પિતા, પત્ની અને 10 વર્ષનાં પુત્ર સાથે રહે છે. તેઓ શૉમાં હાજર રહ્યાં હતાં. વર્ષ 2000થી રૈના આ શો માં આવવા માટે પ્રયત્નો કરી રહ્યાં હતાં.