Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 04:33:36 AM IST
 

જેવા સાથે કેવા?

Sep 09, 2012 Supplements > Career
 
comment     E-Mail     Print    
 
Viewed: 1199
Rate: 0
Rating:
Bookmark The Article

Success - Nayan Parikh

કોઈ આપણી સાથે કેવી રીતે વર્તન કરે છે તે મહત્વનું નથી, આપણે કેમ વર્તીએ છીએ તે મહત્વનું છે. ઉપરાંત ખરાબ વર્તન કરવા માટે બીજાનું ખરાબ વર્તન જો કારણ તરીકે સ્વીકારી લઈએ તો ખરાબ વર્તનની એક શૃંખલા ઊભી થાય છે, જેમાં સુધારાને અવકાશ રહેતો નથી.

આપણી એક કહેવત છે કે 'જેવા સાથે તેવા' આ કહેવતનો સાર એ છે કે કોઈ આપણી સાથે ખરાબ વર્તન કરે તો તેની સાથે તેવું જ વર્તન કરવું વાજબી છે અથવા ઘણા સંજોગોમાં જરૂરી છે. આમ ના કરીએ તો આપણું પોતાનું હિત જોખમાય છે અને જેવા સાથે તેવો વ્યવહાર કરવાથી આપણી પોતાની સફળતાની શક્યતાઓ વધી જાય છે. મારું માનવું આનાથી બિલકુલ વિરોધી છે, કેમ કે જો આ પ્રમાણે વર્તીએ તો આપણી પોતાની કોઈ સ્વતંત્રતા રહેતી નથી. આપણે શું વર્તન કરીશું તે આપણા ઉપર નહીં, પણ કોઈ આપણી સાથે કેવી રીતે વર્તન કરે છે તેના દ્વારા નક્કી થશે. ઉપરાંત ખરાબ વર્તન કરવા માટે બીજાનું ખરાબ વર્તન જો કારણ તરીકે સ્વીકારી લઈએ તો ખરાબ વર્તનની એક શૃંખલા ઊભી થાય છે, જેમાં સુધારાને અવકાશ રહેતો નથી.

 ગુજરાતની એક ખૂબ જ જાણીતી સામાજિક અને ધર્માદા સંસ્થાનો અમારા ઉપર સતત દાન માટે ફોન આવ્યા કરતો. મને પોતાને થોડું વિચિત્ર લાગતું કે હું એમને સમય આપી શકતો નથી. બે-ચાર મહિનાની સંતાકુકડી પછી અમે તેમને આ અઠવાડિયે ઓફિસે બોલાવ્યા. તેમણે પોતાની સંસ્થાની પ્રવૃત્તિની વાતો કરી અને દાન આપવા માટે જણાવ્યું. મેં તેમને ૧૦,૦૦૦ રૂપિયાની રકમ જણાવી અને અમારી ઓફિસમાં તેનો ચેક બનાવવાનું કહ્યું. જ્યારે તેમને ચેક આપ્યો ત્યારે તેમણે જણાવ્યું કે તેમની સંસ્થા ૧૫,૦૦૦ રૂપિયાથી ઓછી દાનની રકમ સ્વીકારતી નથી. ઓફિસમાં ૧૦,૦૦૦ રૂપિયાનો ચેક બનાવી દીધો હોવાથી અમે તેમને ૧૦,૦૦૦ રૂપિયા ચેક અને બાકીના ૫૦૦૦ રોકડમાં સ્વીકારવા વિનંતી કરી. તેમણે જણાવ્યું કે તેઓ આખી રકમનો ચેક લેશે અથવા આખી રકમ રોકડમાં લેશે, પણ ચેક અને રોકડ બંનેમાં રકમ સ્વીકારશે નહીં. ચેક ઓલરેડી બની ગયો હોવાથી અમે તેમને ફરી ચેક અને કેસ લેવા જણાવ્યું, પણ તેમની દલીલ મક્કમ રહી. તેમના કડક વલણના કારણે એક મિનિટ તો અમને વિચાર આવ્યો કે આવા લોકોને મદદ શું કામ કરવી? ડોનેશન સ્વીકારવા માટે પણ આવું અક્કડ વલણ કેવી રીતે સમજમાં આવે. જેવા સાથે તેવા થવાનું અને ડોનેશન માટે ના કહેવાનું સાહજિક રીતે મનમાં આવ્યું. પછી વિચાર આવ્યો કે સંસ્થા સારી છે, પ્રવૃત્તિ સારી છે અને આપણો મદદ કરવાનો ભાવ છે, તો ખાલી એક માણસના જક્કી વલણના કારણે આપણો ઇરાદો શું કરવા બદલવો. જે ગરીબ બાળકોને આ રકમ થકી મદદ થઈ શકે તેમનો આમાં શું વાંક? આમ વિચારી અમે તેને બીજો નવો ચેક બનાવી આપ્યો.

આપણે ઘણી વાર ખરાબ વર્તનની પ્રતિક્રિયા ખરાબ વર્તનથી કરીએ છીએ. જ્યારે કોઈ દવા આપણી ઉપર આડ અસર કરે ત્યારે આપણે દવાનું રિએક્શન આવ્યું એમ કહીએ છીએ અને આ રિએક્શન દવાની પોઝિટીવ અસરને ઉલટાવી અને શરીર ઉપર નેગેટિવ પરિણામ લાવે છે. આપણી પ્રતિક્રિયા પણ ઘણી વાર રિએક્શનની જેમ સમાજમાં નેગેટિવ અસરો લાવે છે. દુનિયા શું કરે છે, લોકો કેવી ખરાબ રીતે વર્તણૂક કરે છે, આજનો સમય સારો નથી. આ બધાનો વિચાર કરીને આપણે પોતે જો સારાઈ છોડી દઈશું તો ખરાબ વ્યક્તિ જેટલા જ આપણે દોષી ગણાઈશું.

બીજા લોકોની નબળાઈને આપણી નબળાઈ ના બનાવીએ. ખરાબ વ્યવહારને ખરાબ વ્યવહારથી બદલો ના આપીએ. જ્યારે તક મળે ત્યારે જેવા સાથે તેવા કરતા આપણે જેવા છીએ તેવા સૌ સાથે રહીએ. ખરાબ વર્તન ઉપર પણ સારી પ્રતિક્રિયા આપીએ તે જ સાચી સફળતા.

લેખક મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ અને IIMA એસો., અમદાવાદના પ્રમુખ છે. 

npcinfra@vsnl.net
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com